સુરતના ડીંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાતે હત્યાની ઘટના સામે આવી છે. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખસો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. જૂની અદાવતમાં હત્યા થયાની આશંકા
સુરતના ડીંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં મૃતક ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેઠો હતો. આ સમયે હુમલાખોરોએ તેનો ઘેરાવ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગણેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગણેશ વાઘના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકનું યુવકની હત્યાના કેસમાં નામ
ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકની હત્યા થઈ હતી. આ કેસમાં પ્રાથમિક આરોપીઓમાં ગણેશ વાઘનું પણ નામ હતું. લોકોનું માનવું છે કે, દેવાની હત્યાથી રોષે ભરાયેલા તેના લોકો દ્વારા જૂની અદાવતનો ખાર રાખીને ગણેશની હત્યા કરવામાં આવી હોઈ શકે. જો કે, પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સીસીટીવી ફૂટેજ તપાસવાની કવાયત શરૂઃ ડીસીપી
ડીંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેસી રહ્યો હતો. હત્યા મિત્રોમાંથી કોઈએ કરી છે કે અન્ય કોઈ શખ્સ દ્વારા અંજામ આપવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે કવાયત શરૂ કરી છે. શકમંદોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે, જેથી કઈ રીતે હત્યા થઈ તે સ્પષ્ટ થઈ શકે. પોલીસ તપાસ અને તપાસની દિશા
ઘટનાસ્થળે અને નજીકના વિસ્તારમાં રહેલા કેમેરાની તપાસ ચાલી રહી છે, જેથી આરોપી અથવા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી શકાય. દેવાના ભાઈ અથવા અન્ય કોઈ જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે. ઘટના સમયે ગણેશ વાઘ સાથે બેઠેલા મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી હથિયારની વિગતો જાણવા મળશે.