કરજણ નગરપાલિકાની આગામી તા. 16 ફેબ્રુ.ના રોજ યોજાનારી ચૂંટણીમાં ધીમે ધીમે પ્રચારનો ગરમાવો આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીની પેનલના પ્રચાર માટે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખે બેફામ વાણી વિલાસ કરી ચિમકી ઉચ્ચારી હતી. જાહેર સભામાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે મતદારોને ગર્ભિત ધમકી આપી હતી કે, જો ભાજપના ચારે ચાર ઉમેદવારો જીતશે, તો હું તમારા મકાનો નહીં તોડવા દઉં અને જો દગો કર્યો તો તમારા મકાનો નહીં રહેવા દઉ. આવી ધમકી આપતો વિડીયો કરજણ નગરમાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. સાથે જિલ્લા પ્રમુખની ધમકી સામે મતદારો પણ અવાચક થઇ ગયા હતાં. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકીટ ફાળવણીમાં અન્યાય થતાં ભાજપના જ મોટામાથાઓએ પક્ષને અવગણીને ઉમેદવારી નોંધાવી બળવો કર્યો હતો. જેના પગલે અત્યારે કરજણ નગરમાં તો ભાજપ ભાજપ વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળવાથી આપ માંથી ટિકિટ મેળવીને ભાજપના જ કેટલાક હોદ્દેદારો અને પૂર્વ સભ્યો બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં વોર્ડ નંબર 7 ના મોહમ્મદભાઈ સંધિ કે જેઓ 2014 માં તત્કાલીન ધારાસભ્ય અને હાલના વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષભાઈ પટેલના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. અને નગરપાલિકામાં 2018માં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી નગરપાલિકાના સભ્ય બન્યા હતા. જેઓને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા મહમદભાઈ સંધિ તથા નગરપાલિકાના અન્ય માજી સભ્યો માજી ઉપપ્રમુખો બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. નગર પાલીકાની ચૂંટણી નજીક છે ત્યારે વોર્ડ નંબર 7 માં જિલ્લા પ્રમુખ સતીષ પટેલ (નિશાળિયા)ની પ્રચાર માટે જાહેર સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને મત આપીને વિજય બનાવવા અપીલ કરી હતી. સાથે તેમને બેફામ બનીને ધમકી આપતા હોય તેમ જાહેર મંચ પરથી જણાવ્યુ હતુ કે, તમે જો ભાજપના ચારે ચાર ઉમેદવારને જીતાડશો તો હું તમારા મકાનો નહીં તૂટવા દઉં અને જો દગો કર્યો તો તમારા મકાનો નહીં રહેવા દઉં . આ બાબતેનો ગર્ભિત ધમકી આપતો વિડીયો કરજણમાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલલા ભાજપ પ્રમુખના બેફામ વાણી વિલાસની અસર આગામી ચૂંંટણીમાં વોર્ડ નંબર 1, 2 અને 3 પર ભાજપના ઉમેદવારોને નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બળવો કરનારા ભાજપના 34 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતાં
કરજણ નગર પાલિકાની આગામી ચૂંટણીમાં ટિકીટ ફાળવણી મુદ્દે ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો. પાયાના કાર્યકરોની બાદબાકી કરવામાં આવતાં પાલિકાના વર્તમાન સભ્યો અને હોદ્દેદારો સહિત અને સિનિયર આગેવાનોએ પક્ષની વિરુદ્ધમાં જઇને ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે પક્ષે તમામ 34 સભ્યો સામે કાર્યવાહી કરી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સરકારી જમીન પરના ગેરકાયદે મકાનો વિશે બોલ્યો છુ
ભાજપ સરકાર ગરીબોની સરકાર છે અને ભાજપ સરકાર ગરીબોને પાકા મકાનો આપે છે. હું તો સરકારી જમીન પર જે ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે. એ એના વિશે બોલ્યો છું. > સતીષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ