બોલિંગ ઓલરાઉન્ડર કોર્બિન બોશને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સાઉથ આફ્રિકાની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝડપી બોલર એનરિક નોર્કિયા ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. દરમિયાન, ક્વેના મફાકાને ટ્રાવેલ રિઝર્વ તરીકે પસંદ કર્યો છે. 30 વર્ષીય બોશે ડિસેમ્બરમાં પાકિસ્તાન સામે વન-ડે ડેબ્યૂ કર્યું હતું. સાઉથ આફ્રિકાએ 12 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી. ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ પણ 12 જાન્યુઆરી હતી. તે જ સમયે, ICC એ ટીમમાં ફેરફાર માટે 11 ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. નોર્કિયા ગયા જૂનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી
નોર્કિયા પગના અંગૂઠાની ઇજાને કારણે બહાર છે. ગયા વર્ષે જૂનમાં થયેલા T20 વર્લ્ડ કપ પછી પીઠની ઈજાને કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. નોર્કિયાને પાકિસ્તાન સામેની ત્રિકોણીય શ્રેણીમાં વાપસી કરવાનો હતો પરંતુ નેટ્સમાં તેના પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે સાઉથ આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જ્યોર્ગી, માર્કો યાન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી એન્ગિડી, કોર્બિન બોશ, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન. ગ્રૂપ-Bમાં સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-Bમાં છે. ટીમ 21 ફેબ્રુઆરીએ કરાચીમાં અફઘાનિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 25 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અને તેમની છેલ્લી ગ્રૂપ મેચ 1 માર્ચે ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ કરાચીમાં રમાશે. 27 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું હતું
સાઉથ આફ્રિકાએ 27 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ પહેલી વાર 1998માં શરૂ થઈ હતી અને સાઉ આફ્રિકા તેનું વિજેતા બન્યું હતું. આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં આયોજિત કરવામાં આવી હતી અને સાઉથ આફ્રિકાએ ફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ટ્રોફી જીતી હતી. તે મેચમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ 245 રન બનાવી શકી હતી અને સાઉથ આફ્રિકાએ 47 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.