બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં આવેલા નિકું ફ્લેટ પાસે સવારના સમયે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. બંને જૂથના લોકો લાકડી, ધોકા અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ હિંસક ઘટનામાં બંને પક્ષના મળીને 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હિંસક ઘર્ષણનું મુખ્ય કારણ બંને જૂથો વચ્ચેની જૂની અદાવત છે. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.