ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નર્મદા જિલ્લાના આમલેથા અને ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકના અધિકારીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સાંસદે આક્ષેપ કર્યો છે કે આ પોલીસ અધિકારીઓ બૂટલેગરો અને રીઢા ગુનેગારોને છાવરે છે, જ્યારે નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજારે છે. PI પરમારે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી
નબીપુર પોલીસ મથકના PI પરમાર વિરુદ્ધ સાંસદે ગંભીર આરોપો મૂક્યા છે. તેમના જણાવ્યા અનુસાર, બે મહિના પહેલાં PI પરમારે નિકોરા ગામે જિલ્લા પંચાયત સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને અંગ્રેજી દારૂના વેચાણનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, પોલીસે નર્મદા નદીના કિનારે નાવડી ઊંધી પાડી દીધી હતી અને અંગારેશ્વર ગામના સરપંચને ફસાવવા માટે આજુબાજુના ગામમાંથી દેશી દારૂ પણ મંગાવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કર્યા વિના જ કસ્ટડીમાં રાખ્યા
આમલેથા પોલીસ મથકના PI દ્વારા ઢોલાર ગામના તાલુકા પંચાયત સભ્ય અને ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન હિતેશ વસાવા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પંચાયતના દાખલાના મુદ્દે થયેલી તકરાર અંગે અરજી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે કોઈ ગુનો દાખલ કર્યા વિના જ હિતેશ વસાવા અને તેમના ભાઈને પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા. ‘આવા નફ્ફટ અને નાલાયક અધિકારીઓ છે આ’
મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્ર અંગે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘુસી જઈ તોડ ફોડ કરી હતી. એમના નાનાબેનના લગ્ન આવી રહ્યા છે. ત્યારે સ્ટાફ પાસે તિજોરી ખોલાવી એમના પિતાને કહ્યું હતું કે, તમે ઇંગ્લિશ દારૂ વેચો છો. આવા નફ્ફટ અને નાલાયક અધિકારીઓ છે આ. એટલું જ નહિ સરપંચને ફીટ કરવાનાં ઈરાદે પોલીસવાળા જ આજુબાજુના ગામમાંથી દેશી દારૂ લાવ્યા હતા. ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન સાથે પણ ખરાબ વ્યવહાર કરાયો
ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન હિતેશ વસાવા સાથે પણ ખરાબ વ્યવહાર કરાયો હતો. પંચાયતના દાખલા મુદ્દે હિતેશ વસાવાના પત્ની, ઢોલારના સરપંચ અને ગ્રામજનો વચ્ચે માથાકુટ થઈ હતી. આ બાબતની અરજી આમલેથા પોલીસ મથકમાં આપવામાં આવી હતી. એ અરજીને આધારે આમલેથા પોલીસ અધિકારી દ્વારા હિતેશ વસાવા અને એમના ભાઈને ગુનો દાખલ કર્યા વગર પોલીસ કસ્ટડીમાં મુકી દેવાયા હતા. ભાજપ કોઈપણ ચમરબંધીને છોડતી નથી
ગુજરાત કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી છે, ભારતીય જનતા પાર્ટી કોઈપણ ચમરબંધી હોય તેને છોડતી નથી. આ બાબતે પોલીસ અધિકારીઓના ફોન આવે છે પણ હું એ ફોન ઉપાડતો નથી. આમ એમણે જાહેરમાં પોલીસ પર આક્ષેપ કર્યા હતા. સાંસદે CMને પત્ર લખી કરી યોગ્ય કાર્યવાહીની માગ
આ ગંભીર આરોપો સાથે સાંસદે મુખ્યમંત્રી પાસે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે, જેથી પોલીસની મનમાની અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય.