રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત તૈયાર છે, અમદાવાદમાં 21 એકરથી વધુ જમીનમાં 700 કરોડથી વધુના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટસ્ કોમ્પલેક્સ જોઇ વિદેશી ખેલાડીઓ ખુશ થઈ જશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં હાઇફાઇ ટેક્નોલોજી અને સુવિધા એવી છે કે દુનિયામાં ડંકો વાગશે. વર્ષ 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. અમદાવાદને ઓલિમ્પિક સિટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્પોર્ટ્સ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક બી અને બ્લોક સી વચ્ચે સેનિટાઇઝડ પેસેજ ઉમેરવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ઓલિમ્પિક માટે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 82,507 ચો.મી. જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર
ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા અંગે 3 વર્ષ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના એડિશનલ સિટી ઇજનેર ઋષી પંડ્યાએ જણાવ્યું હતું કે, 72,500 ચો.મી. જગ્યામાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 3 વર્ષ પહેલાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્લોટમાં વધારો થયો છે. 82,507 ચો.મી. જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. તે મુજબ બિલ્ટઅપ એરિયામાં પણ ખૂબ જ વધારો થતા આર્કિટેક્ટ દ્વારા પ્લાનિંગ અને ડિઝાઈનમાં વખતોવખત સૂચનો મુજબ ફેરફાર અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. 700 કરોડથી વધુના ખર્ચે કોમ્પ્લેક્સ બનીને તૈયાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મળેલી સૂચના મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્પોર્ટ્સ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક બી અને બ્લોક સી વચ્ચે સેનિટાઇઝડ પેસેજ ઉમેરવા જણાવવામાં આવ્યું હતું. જે સૂચવેલા સુધારા મુદબ રીવાઇઝડ ટેન્ડર કરવામાં આવ્યું હતું. 700 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા હશે
આ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું-શું હશે? સિટી માસ્ટર પ્લાન તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂકની દરખાસ્તને મંજૂરી ઓલિમ્પિક રમતોત્સવ 2036નાં આયોજન માટે અમદાવાદ મ્યુનિ.એ છેલ્લા ઘણા સમયથી વિવિધ તૈયારીઓ આદરી છે. જેમાં નારણપુરા સ્પોર્ટસ સંકુલ, રમતગમતનાં મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. તદઉપરાંત શહેરનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો કરવાનુ શરૂ કરાયુ છે. 12.56 કરોડની ફી ચૂકવી કન્સલ્ટન્ટની નિમણૂક તેમ છતાં ઓલિમ્પિક રમતોત્સવ સંબંધિત આંતરરાષ્ટ્રીય સ્તરનાં ડેવલપમેન્ટ સંબંધિત માપદંડોને ધ્યાનમાં લઈને સર્વે કરવા, ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવા અને સર્વે આધારિત કોમ્પ્રીહેન્સીવ રીપોર્ટ બનાવવાના કામ માટે ક્વોલિટી એન્ડ કોસ્ટ બેઝ સિલેક્શન મુજબ કન્સલ્ટનટની નિમણૂક કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. મ્યુનિ. દ્વારા સિટી માસ્ટર પ્લાન બનાવવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પડાયો હતો. જેમાં ચાર જેટલા બિડર્સ આવ્યા હતા તેવી માહિતી આપતાં ચેરમેને કહ્યું હતું કે, ટેકનિકલ અને ફાઈનાન્સ તમામ પ્રકારના ઈવેલ્યુએશન બાદ વૈશ્વિક સ્તરે અને ભારતમાં પણ આ પ્રકારની કામગીરીનો બહોળો અનુભવ અને સ્કિલ ધરાવતા કોલાઝ ડિઝાઈન પ્રા.લી કંપનીને રૂ. 12.56 કરોડની ફી ચૂકવી માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઓલિમ્પિકનાં માપદંડને ધ્યાને રાખી માસ્ટર પ્લાન ભવિષ્યમાં શહેરના વિકાસ અને વસ્તીને ધ્યાનમાં લઈને શહેરના પ્રશ્નો, સમસ્યાઓ તથા તેનાં ઉકેલ સાથેનો સિટી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે જેમાં ઓલિમ્પિકનાં માપદંડને ધ્યાને રાખવામાં આવશે. 2047નાં માપદંડોનાં આધારે અમદાવાદ શહેરનું પણ ડેવલપમેન્ટ કરવાનું થતું હોઈ, જેથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માસ્ટર પ્લાન તૈયાર કરવા અમદાવાદ શહેરની જરૂરિયાત મુજબના હયાત ટી.પી. રોડ, ટ્રાન્સપોર્ટ ફેસીલીટી, અર્બન ડિઝાઈન એન્ડ પ્લાનીંગ, સિટી બ્યુટીફિકેશન, સીટી ઈન્ફ્રાસ્ટ્રકચર, સિટી લોજિસ્ટિક, ટ્રાફિક વગેરેનો ડિટેઈલ સર્વે કરી તેના કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ બનાવવાનો થાય જે માટે તેને નીચે મુજબના ત્રણ સ્ટેજમાં વહેંચીને માસ્ટર પ્લાનિંગ કરવાનું આયોજન કરાયું છે. ત્રણ તબક્કામાં માસ્ટર પ્લાનિંગ કરાશે પ્રથમ તબક્કો : શહેરના જુદા જુદા ક્ષેત્રોમાં વર્તમાન પરિસ્થિતિ, આગામી આવનાર પ્રોજેકટ તેમજ માંગ તથા પુરવઠા વગેરેનો તફાવત સહિતનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. બીજો તબક્કો : અમદાવાદ 2036 અને વિકસિત 2047ના માપદંડો નક્કી કરી જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલ સ્ટેક હોલ્ડર તેમજ શહેરની સમજનાં આધારે તબક્કાવાર સલાહ તેમજ માર્ગદર્શન સાથેની વિગતો પૂરી પાડવામાં આવશે. ત્રીજો તબક્કો : શહેરની પ્રાયોરિટી તેમજ નાણાંકીય ભંડોળનાં આધારે અ.મ્યુ.કો.ની જરૂરિયાત મુજબ અમલ કરવા માટેનું વિઝન ડોક્યુમેન્ટ આપવામાં આવશે. વિશ્વસ્તરની માળખાકીય સુવિધા વિકસાવાશે અર્બન પ્લાનિંગ, ટ્રાન્સપોટેશન/ ટ્રાફિક/રોડ ઈફ્રાસ્ટ્રક્ચર, એકોમોડેશન અને હાઉસિંગ, મેન્યુફેકચરિંગ, રિયલ એસ્ટેટ- કન્સ્ટ્રકશન, લોજિસ્ટિક એફોડેબલ એન્ડ કલીન એનર્જી, કલાયમેટ ચેન્જ, બ્યુટિફિકેશન, ટેલિકોમ્યુનિકેશન, ઊર્જા, પાણી, ગટર, શિક્ષણ, રમતગમતની સુવિધાઓ, શહેરનાં ભૌગોલિક પ્રશ્નો તેમજ તેનું સોલ્યુશન, રેલવે ઓવરબ્રિજ અન્ડર પેસ ડેવલપમેન્ટ, પ્લેસમેકિંગ, ગેધરિંગ પ્લેસમેકિંગ, ગેધરિંગ પ્લેસ તથા ટ્રાફિક મેનેજમેન્ટ, જંકશન ઈમ્પ્રુવમેન્ટ તેમજ અર્બન ડિઝાઈનનો સમાવેશ કરાશે. SVPમાં આખા એક ફ્લોર પર સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનશે 2036માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે એસવીપી હોસ્પિટલમાં 9 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની દરખાસ્ત છે. કોઈ ખેલાડીને રમત દરમિયાન ઈજા થાય તો દિલ્હી, બેંગ્લુરુ કે ચેન્નઈ મોકલવામાં આવે છે. પરંતુ આ સેન્ટર બની ગયા પછી અહીં સારવાર થશે. આ સ્પોર્ટ્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળી રહેશે. સૌથી મોટો લાભ એ હશે કે ખેલાડીને ફિઝિયોથેરાપીથી ઉપરના લેવલે સારવાર મળશે. આ સેન્ટરની દરખાસ્ત મ્યુનિ. કમિશનરે તાજેતરમાં રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં સમાવાઈ હતી. એસવીપી હોસ્પિટલમાં આખો એક માળ આ સેન્ટર માટે અનામત રખાશે. એક વર્ષમાં કામગીરી શરૂ થઈ જવાની શક્યતા છે. SVP સ્પોર્ટસ એન્ક્લેવ મુખ્ય કેન્દ્ર બનશે ઓલિમ્પિક 2036 માટે 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે. જે ઓલિમ્પિકનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. રાજ્ય સરકારના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ઓપનિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. જેનો પ્લાન 2036ની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક માટે કઇ કઇ જરૂરિયાત રહેશે તથા કેટલા લોકોની કેપેસિટી રાખવી એ તમામ બાબતે વિચારણા કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ઇકો સિસ્ટમ માટે પણ સ્ટડી કરવામાં આવ્યો છે. રિંગ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવશે 2036ના ઓલિમ્પિક માટે 6,000થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે. જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરવામાં આવશે. 50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરવામાં આવશે. ગુજરાતે ઘણા સમય પહેલાં તૈયારી કરી હતી ઓલિમ્પિક માટે ગુજરાતે ઘણા સમય પહેલાં જ કમર કસી લીધી હતી. રાજ્ય સરકારે ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની રચના કરી હતી. આ કંપનીએ અમદાવાદ અને ગાંધીનગર એમ બે ટ્વિન સિટીમાં સ્પોર્ટસ અંગેનો સર્વે કર્યો હતો અને ગ્લોબલ ટેન્ડર પણ કર્યું હતું. રિપોર્ટમાં 22 સ્થળો આઇડેન્ટિફાય કરાયા હતા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ કન્સલ્ટન્સી એજન્સી પ્રાઈઝવોટર હાઉસ કૂપર પ્રાઈવેટ લિમિટેડ (PWD)ને શહેરમાં ઓલિમ્પિકનો કોન્સ્પેક્ટ પ્લાન અને રોડમેપ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. આ એજન્સીએ સ્પોર્ટિંગ ફેસિલિટી, હોસ્ટેલ અને હોટેલની ફેસિલિટી ઉપરાંત રોડ, ટ્રાન્સપોર્ટેશન, વોટર, ડેનેજ સહિતની બાબતોનો અભ્યાસ કરીને એક વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. એજન્સીએ અમદાવાદ-ગાંધીનગરમાં 22 સાઈટની ઓળખ કરી હતી. જ્યાં ઓલિમ્પિક્સિની ગેમ્સ રમાડી શકાય એમ છે. જેમાંથી 6 જગ્યાએ ટેમ્પરરી ફેસિલિટી ઊભી કરાશે. આ ઉપરાંત બાકીની સાઈટ પર મેજર રિનોવેશનનું કામ કરી તેને અપગ્રેડ કરવામાં આવશે. ગોધાવીમાં 500 એકરમાં સ્પોર્ટસ સિટી બનશે આ સિવાય અમદાવાદના સાણંદ પાસે આવેલા ગોધાવી ગામ ખાતે 4 વર્ષમાં 500 એકર જેટલા વિશાળ વિસ્તારમાં એક સ્પોર્ટસ સિટી બનાવાશે. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી એથલેટિક રમતો ઉપરાંત સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, કુસ્તી, બોક્સિંગ, શૂટિંગ, બાસ્કેટ બોલ, ટેનિસ, ફૂટબોલ, હોકી, ક્રિકેટ, બાસ્કેટ બોલ સહિતની રમતો માટેના સ્ટેડિયમ અને કોચિંગ ફેસિલિટી તૈયાર કરાશે. આ ઉપરાંત એક સાથે પાંચસોથી એક હજાર રમતવીરો રોકાઇ શકે તેવી સ્પોર્ટ્સ હોસ્ટેલ પણ તૈયાર કરાશે. ઓલિમ્પિક વિલેજમાં ઈલેક્ટ્રિક કાર દોડશે ઓલિમ્પિક વિલેજને ઈકોફ્રેન્ડલી બનાવવા માટે મણીપુર-ગોધાવીમાં ધૂમાડારહિત-પોલ્યુશન ફ્રી ઈલેક્ટ્રિક કાર દોડાવવાની પણ વિચારણા છે. ઓલિમ્પિક વિલેજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઈલેક્ટ્રિક કારનો ભરપૂર ફરજિયાત ઉપયોગ થશે. ઓલિમ્પિક વિલેજને દિવસ-રાત સતત વીજળી પૂરી પાડવા માટે સરકાર ગ્રીન એનર્જીને પ્રમોટ કરી શકે છે. અહીં ગોધાવી કેનાલની આસપાસ અથવા કેનાલ ઉપર સોલાર પેનલ ગોઠવીને ઈકોફ્રેન્ડલી ગ્રીન એનર્જીનો ઉપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઓલિમ્પિક ગેમ્સ માટે આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ઉપલબ્ધ અમદાવાદના ભાટ ગામમાં એકતરફ રિવરફ્રન્ટ છે. જ્યારે બીજી તરફ વિશાળ મેદાન તૈયાર છે. અહીં રિવરફ્રન્ટમાં વોટર સ્પોર્ટસ એક્ટિવિટીઝ, સ્વિમિંગ જેવી રમત યોજાશે. જ્યારે નજીકના મેદાનમાં બેડમિન્ટન, સ્કવૉશ જેવી આઠથી દસ ઓલિમ્પિક ગેમ માટેની આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. 10થી 15 હજાર ફ્લેટ્સ બનાવાશે ઓલિમ્પિકમાં ભાગ લેવા આવતા રમતવીરો, અધિકારીઓ વગેરેને ઉતારો આપવા માટે એક ઓલિમ્પિક વિલેજ બનાવાશે. જેનું કામ 2032ની આસપાસ શરૂ થઇ શકે છે. આ વિલેજમાં 2, 3 અને 4 બેડરૂમના ફર્નિચર સાથેના 10થી 15 હજાર ફ્લેટ્સ બનશે. ઓલિમ્પિક બાદ સરકાર આ ફ્લેટ્સને નાગરિકોને વેચીને તેમાંથી કમાણી કરશે. 10 લાખ સહેલાણીઓ આવે તેવી શક્યતા ઓલિમ્પિક વિલેજ માણવા આવી રહેલા લાખો સહેલાણીઓને મણીપુર-ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં ચારેબાજુથી પ્રવેશ આપવા રોડ-રસ્તાનું આગવું આયોજન હાથ ધરાશે. એક અંદાજ પ્રમાણે દસ લાખ જેટલા સહેલાણીઓ વર્ષ 2036નો ઓલિમ્પિક માણવા દુનિયાભરથી ગુજરાત આવશે. ઓલિમ્પિક સર્કિટ બનાવાશે કેન્દ્ર સરકાર ગુજરાતમાં એક ઓલિમ્પિક સર્કિટ પણ તૈયાર કરી રહી છે. જેમાં સૌ પ્રથમ મણીપુર-ગોધાવી ખાતે જમીન સંપાદન કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચથી છ વિશાળ સ્ટેડિયમ તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. જેની તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ મણીપુર-ગોધાવી ખાતે જમીન સંપાદન કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચથી છ વિશાળ સ્ટેડિયમ તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. અહીં ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમનું આયોજન થશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરકાર તિરંદાજી, રાઈફલ શૂટિંગ, જેવલીન થ્રો (ભાલા ફેંક), પેરા ઓલિમ્પિક જેવી અંદાજે દસથી પંદર ઓલિમ્પિક રમત યોજવાની વિચારણા છે. પોળો-સાપુતારાનાં જંગલો અને ઉત્તરાખંડ પણ સામેલ સરવેમાં ઓલિમ્પિક્સની વિવિધ રમતોના લોકેશન માટે ગુજરાતના પોળોનાં જંગલો અને સાપુતારાના પહાડી વિસ્તારો પણ સામેલ છે. આ ઉપરાંત ઉત્તરાખંડના વિવિધ સ્થળોને પણ આવરી લેવાયા છે. ગુજરાતના દરિયાકાંઠાનાં લોકેશન અને ગોવા પણ સામેલ ઓલિમ્પિકના વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાની વિચારણા છે. શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા છે. આ ઉપરાંત વૉટર સ્પોર્ટસ માટે ગોવા અને આંદામાન નિકોબાર પણ આઇડેન્ટિફાઇ કરાયાં છે. શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ છે શિવરાજપુરમાં બોટિંગ, સ્કૂબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ઓલમ્પિક્સના આયોજન માટે કેમ યોગ્ય? અમદાવાદ શહેરમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. જ્યારે નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્સ બની રહ્યું છે. આ સિવાય અમદાવાદ અને આસપાસમાં અન્ય 30 જેટલી સ્પોર્ટસ ફેસિલિટી આવેલી છે. અમદાવાદ દેશના નેશનલ અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી ધરાવે છે. અમદાવાદ શહેરને મોટા સ્પોર્ટસ આયોજનનો અનુભવ પણ છે. જેમ કે, 2022 ફિફા અંડર-17 વુમન વર્લ્ડ કપ ફૂટબોલ, ખેલ મહાકુંભ અને નમસ્તે ટ્રમ્પ જેવા આયોજનો થઇ ચૂક્યા છે. અમદાવાદના બહારના વિસ્તારમાં બની શકે ઓલિમ્પિક વિલેજ ઓલિમ્પિકમાં એથ્લિટ, સપોર્ટિંગ સ્ટાફ તેમજ રેફરીના રહેવા માટે આખું ગામ ઊભું કરવાની જરૂર પડે છે. જેમ કે પેરિસ ઓલિમ્પિક-2024માં રમતવીરોના રહેવા માટે પેરિસથી 8 કિમી દૂર ઓલિમ્પિક વિલેજ બનાવવામાં આવ્યું હતું. 81 એકરમાં ફેલાયેલા આ વિલેજમાં અંદાજે 15 હજાર લોકો રહી શકે એટલી ફેસિલિટી ઊભી કરવામાં આવી હતી. પેરિસ ઓલિમ્પિક-2024માં દરરોજ 40 હજારથી વધુ મીલ સર્વ કરવામાં આવતા હતા. બેઈજિંગ ઓલિમ્પિક-2028માં આ વિલેજ ઊભું કરવામાં અંદાજે 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હજારો હોટેલ્સ રૂમની જરૂર રહેશે ઓલિમ્પિક ગેમ્સ જોવા માટે દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે ખૂબ મોટા પ્રમાણમાં હોટેલ રૂમની જરૂર પડે છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ પેરિસ ઓલિમ્પિક-2024 માટે થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલ મળી અંદાજે 40 હજાર રૂમ ઊભા કરવાની માગ કરી હતી. મીડિયાકર્મી તેમજ વોલેન્ટિયરને રહેવાની પણ સગવડ ઊભી કરવી પડે વિશ્વ કક્ષાની સ્પોર્ટસ ઈવેન્ટને કવર કરવા માટે દેશ-વિદેશના હજારોની સંખ્યામાં પત્રકારો આવતા હોય છે. તેમજ કોઈ પણ દેશ આવડા મોટા આયોજનને સફળ બનાવવા માટે વોલેન્ટિયરની પણ મદદ લે છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024ને કવર કરવા માટે અંદાજે 20 હજાર પત્રકારો તેમજ 45,000 વોલેન્ટિયરની સેવા લેવામાં આવી હતી. આ લોકોની રહેવા માટે પણ સગવડ ઊભી કરવાની રહે છે. ગુજરાતના વાર્ષિક બજેટ કરતાં પણ વધી શકે છે ખર્ચ ઓલિમ્પિકના આયોજન કરવા માટે અમુક દેશો એટલા માટે ડરી રહ્યા છે કે તેનાથી અર્થતંત્ર હચમચી જાય છે. નાના દેશોને આવડું મસમોટું આયોજન કરવું પણ પોસાય નહીં. છેલ્લાં 30 વર્ષના ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં સૌથી વધુ 4.43 લાખ કરોડ કરોડ રૂપિયા ચીને બેઈજિંગ ઓલિમ્પિક-2008માં વાપર્યા હતા. ત્યારબાદ જાપાને ટોકિયો ઓલિમ્પિકસ-2020માં 2.94 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બીજી તરફ ગુજરાતે આ આયોજન કરવું હોય તો તેને કેન્દ્ર સરકાર તરફથી બહુ જ મોટા ફંડની જરૂર પડશે. ગુજરાતનું વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ 2.99 લાખ કરોડ રૂપિયા છે. આમ ઓલિમ્પિકના આયોજનમાં ગુજરાતના વાર્ષિક બજેટની આસપાસ કે તેનાથી વધુ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ગુજરાત પટિયાલા અને હરિયાણાનો વિકલ્પ બનશે હાલ દેશભરના ખેલાડીઓ ટ્રેનિંગ અને કોચિંગ માટે પટિયાલાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નેશનલ સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ અને હરિયાણાની વિવિધ સ્પોર્ટસ એકેડેમીમાં જાય છે. એક વખત ગુજરાતની આ એકેડેમી તૈયાર થઇ જાય પછી અહીં તમામ રમતોના ભારતીય ખેલાડીઓ માટેનું મક્કા થઇ જશે. અહીં જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપરાંત કોચ અને નિષ્ણાતો પણ તૈનાત કરવાનું આયોજન છે. ગુજરાતના ખેલાડીઓ માટે આ ઉત્તમ તક હશે.