અમરેલી જિલ્લામાં સિંહોની વધતી સંખ્યા અને માનવ વસાહતમાં તેમની અવરજવરે ચિંતાજનક સ્થિતિ સર્જી છે. તાજેતરમાં બગસરા તાલુકાના સુડાવડ ગામના રામદેવપીર મંદિર પરિસરમાં એક સિંહે પ્રવેશ કર્યો હતો, જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. તારીખ 3ની રાત્રે બનેલી આ ઘટનામાં સિંહ પશુનો શિકાર કરવાના ઇરાદે મંદિર પરિસરમાં ઘૂસ્યો હતો, જેના કારણે પશુઓમાં નાસભાગ મચી હતી. આ ઘટના પહેલાં, માત્ર બે દિવસ અગાઉ ખાંભાના તાતણીયા ગામમાં પણ એક સિંહણ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી હતી. વન વિભાગની ટીમે સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ ક્રમશઃ વધી રહ્યો છે. જંગલ અને રેવન્યુ વિસ્તારની બહાર સિંહોની વધતી અવરજવર ચિંતાનો વિષય બની છે. સિંહો હવે માનવ વસાહતોમાં વારંવાર પ્રવેશી રહ્યા છે, જે આગામી સમયમાં મોટી સમસ્યા બની શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ માટે આ એક મોટો પડકાર બની રહ્યો છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની સ્થિતિ ઊભી થવાની શક્યતા વધી રહી છે.