દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લામાં ધોરણ 10માં 9,246 અને ધોરણ 12માં કુલ 4,042 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 331 અને સામાન્ય પ્રવાહમાં 3,711 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા પોલીસ વડા, શિક્ષણાધિકારી અને માન્ય મંડળોના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે. પરીક્ષા કેન્દ્રોમાં ખંભાળિયા, મીઠાપુર, ભાણવડ, ભાટિયા, કલ્યાણપુર, દ્વારકા, નંદાણા અને જામ રાવલનો સમાવેશ થાય છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા અને લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અવિરત વીજ પુરવઠો, પોલીસ બંદોબસ્ત અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓના માનસિક તનાવને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગની વ્યવસ્થા અને હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કોપી કેસ રોકવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા દરમિયાન જે-તે વિષયના શિક્ષકોને સુપરવિઝન માટે ન રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાના નેતૃત્વમાં શિક્ષણ વિભાગની ટીમ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરી રહી છે. ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં વિવિધ એક્શન પ્લાન તથા પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટેનું આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.