દ્વારકામાં 15 ફેબ્રુઆરીએ નિઃશુલ્ક માઇનોર સર્જરી કેમ્પનું આયોજન
દ્વારકાના પ્રખ્યાત ચિકિત્સક ડો. સાગર કાનાણી તેમના પુત્ર શ્રેષ્ઠના ત્રીજા જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે કરવા જઈ રહ્યા છે. આગામી 15 ફેબ્રુઆરી, શનિવારના રોજ વ્રજ હોસ્પિટલ, દ્વારકા ખાતે એક વિશેષ નિઃશુલ્ક માઇનોર સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કેમ્પમાં દર્દીઓને તલ, મસા, કપાસી, રસોળી અને કાનની બુટ સાંધવા કે વીંધવા જેવા નાના ઓપરેશન કરી આપવામાં આવશે. દરેક દર્દીને પાંચ દિવસની દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના કાર્ડની આવશ્યકતા નથી. ડો. સાગર કાનાણી છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના ક્ષેત્રમાં સક્રિય છે અને નિયમિતપણે વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરે છે. તેમના પિતા સુરેશભાઈ કાનાણી પણ દેશી દવાઓના નિષ્ણાત છે અને અનેક લોકોના જટિલ રોગોની સફળ સારવાર કરી ચૂક્યા છે. ડો. કાનાણીએ જાહેર જનતાને આ મફત સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. આ પહેલ દ્વારા હજારો રૂપિયાના ખર્ચે થતાં ઓપરેશન વિનામૂલ્યે કરીને તેઓ સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં ધમાકો
નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2025માં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થિનીએ કુલ 30 મેડલ જીતી નવો કીર્તિમાન સ્થાપ્યો છે, જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં શ્રી ભડકેશ્વર યોગૃપના ખેલાડી રાજ પંડ્યાએ 100 મીટર, 200 મીટર દોડ અને સાયકલિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મિલન ઠાકરે 100 મીટર દોડ અને ગોળાફેંકમાં સિલ્વર મેડલ જીત્યા છે. ખાસ કરીને, કિશન જિંદાણીએ સોફ્ટ બોલ થ્રોમાં સતત 16મા વર્ષે ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, તેમજ બોચી ટીમ ગેમમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે. સંસ્થાના 11 બાળક રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે. આ સફળતા પાછળ સંસ્થાના રસિકભાઈ છાયા અને સમગ્ર સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જિલ્લા રમતગમત અધિકારી પ્રજાપતિની આગેવાનીમાં વિપુલભાઈ ઓઝા, નરેન્દ્રભાઈ ઘઉવા, કમલેશભાઈ વૈષ્ણવ અને વિજયભાઈ વારોતરીયાએ આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા કંપની દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.