પોલીસના ડંડાથી પોલીસને જ માર પડ્યો છે અને આ ઘટના સુરત શહેરના અઠવા વિસ્તારમાં બની છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ઘટનાને 17 કલાક થઈ ગયા પછી પણ પોલીસે પોતાના જ માર ખાધેલાની ફરિયાદ દાખલ કરી નથી. ભાટેના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછા કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ત્રણથી ચાર જેટલા લોકોએ ઢોર માર્યો હતો. એટલું જ નહીં, પોલીસના હાથમાં જે ડંડો હતો, તેનાથી જ પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓમાંથી એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ હતી. બે પોલીસકર્મી પર પાંચ જેટલા લોકોનો હુમલો
સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે, પોલીસ લોકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરતી હોય છે, પરંતુ સુરત શહેરમાં 17 કલાક થઈ ગયા પછી પણ અસામાજિક તત્વો દ્વારા ઢોર મારવામાં આવેલા પોલીસ કર્મીની ફરિયાદ પોતે જ પોલીસે અત્યાર સુધી દાખલ કરી નથી. પોલીસ પર હુમલાની આ બીજી ઘટના છે અને એ પણ અઠવા વિસ્તારમાં બની છે. થોડાક દિવસ પહેલા આ જ વિસ્તારમાં બુટલેગરે બેફામ થઈને કાર પોલીસકર્મી ઉપર ચડાવી દીધી હતી. તેના થોડાક દિવસ બાદ જ આજ વિસ્તારમાં સલાબતપુરા વિસ્તારના બે પોલીસ કર્મીઓ ઉપર ચારથી પાંચ જેટલા લોકોએ હુમલો કર્યો હતો. પોલીસના દંડાથી જ પોલીસને ફટકારી
સલાબતપુરા પોલીસ મથકના ડી-સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈ બુલેટ પર રાત્રિ દરમિયાન ભાટે નજીક પંચશીલ સોસાયટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ત્યારે રિક્ષાની અંદર બેસેલા ચારથી પાંચ લોકો તેમને જોઈને ભયભીત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો. સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા હતા. પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે. ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી હતી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો હતો. પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી, તેજ લાકડીથી બંને પોલીસ કર્મીઓને આરોપીઓએ માર માર્યો હતો. ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી. 17 કલાક બાદ પણ ફરિયાદ ન નોંધાઈ
ઘટના બનતા જ પોલીસ કર્મીઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને અઠવા પોલીસ સ્ટેશનની PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ મોડીરાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી, પરંતુ 17 કલાક પછી પણ પોલીસ કર્મીઓની ફરિયાદ શા માટે દાખલ કરવામાં આવી નથી તે પ્રશ્ન છે. અસામાજિક તત્વો બેફામ થઈને પોલીસ કર્મીઓ પર હુમલો કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં પણ કલાકો વીતી જાય છે. રિક્ષામાં બેસેલા આરોપીઓ હત્યાના પ્રયાસના આરોપી છે, તેવી માહિતી પણ હાલ અઠવા પોલીસને મળી છે. ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું નિવેદન
સલાબતપુરા પોલીસ મથક જે ઝોનમાં આવે છે, તે ઝોનના DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, રાત્રે આ ઘટના બની હતી અને અઠવા પોલીસ સ્ટેશનની PCR પણ ત્યાં પહોંચી હતી. જેથી અઠવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ સમગ્ર મામલે DCP વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, અમને આ અંગે જાણકારી મળી છે અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ કર્મીઓને બોલાવીને તેમની ફરિયાદ દાખલ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓને અત્યાર સુધી ખબર જ નથી કે તેમના પોલીસ કર્મચારીઓ પર આરોપીઓએ કયા હથિયારથી હુમલો કર્યો છે. સ્ટેશન ડાયરીમાં નોંધ હોવા છતાં પણ અત્યાર સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી.