સમગ્ર ગુજરાતમાં જેમ-જેમ સૂરજ ઉપર ચડે તેમ-તેમ તાપમાનનો પારો વધી રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં જ એપ્રિલ મહિનાની ગરમી જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. તથા મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કે સામાન્યથી થોડા અંશે ઓછું નોંધાઈ રહ્યું છે, તેથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સૂર્યાસ્ત બાદ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડીનું જોર સામાન્ય વધી રહ્યું છે. ત્યારે દિવસે અતિશય ગરમીને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે ગુજરાતવાસીઓ બીમાર થઈ શકે છે. માર્ચ મહિનાની ગરમીનો અનુભવ ફેબ્રુઆરીમાં
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આ ઉપરાંત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતાઓ નહિવત છે, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન રાઈઝીંગ ટેન્ડેન્સીમાં રહેશે. એટલે કે, એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. ગુજરાત ઉપર હાલમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેને કારણે મેદાની પ્રદેશ ગરમ થઇ રહ્યા છે, તેથી ગુજરાતનું તાપમાન પણ વધી રહ્યું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં આ પ્રકારની ગરમીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 24 કલાક વાતાવરણ શુષ્ક રહેશે
ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી આવતા પવનોને કારણે ગુજરાતનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધી રહ્યું છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં પણ અંશતઃ વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક રહ્યું હતું. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં વધારો પણ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન તેનાથી લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે એટલે કે, 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, તેને કારણે બેવડી ઋતુ અનુભવાય રહી છે. દિવસે અતિશય ગરમી તો સાંજે થોડા અંશે ઠંડક અનુભવાઈ રહી છે. આ ઉપરાંત વડોદરામાં લઘુત્તમ તાપમાન 15.8 જ્યારે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.