આગામી 24, 25 અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પાવન અવસર પર સોમનાથ મંદિર ખાતે ભવ્ય ‘સોમનાથ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી. મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કલેક્ટરએ વીજળી, પીવાનું પાણી, કલાકારો માટે ગ્રીનરૂમ, વાહન પાર્કિંગ, આરોગ્ય સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં પ્રખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. વિશેષ આકર્ષણ તરીકે ઋષિકુમારો દ્વારા ‘સાગર આરતી’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવની સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત કરાવવાનો છે. સ્થળ મુલાકાત વખતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ કલેક્ટર એફ.જે.માંકડા, પુરવઠા અધિકારી પારસ વાંદા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા સહિત શિક્ષણ, આરોગ્ય, આર.ટી.ઓ અને પી.જી.વી.સી.એલના અધિકારીઓ હાજર રહ્યા હતા.