વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ગઈકાલે સવારે 11 વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામસર ગામના કુંવરજીભાઈ રાતોજા (ઉં.31) પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે, એક ડમ્પરે તેમના વાહનને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં કુંવરજીભાઈના 6 વર્ષીય પુત્ર સુરેશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતમાં કુંવરજીભાઈની પત્ની જાનાબેન (30)ને રાજકોટની હોસ્પિટલમાં અને 8 વર્ષીય પુત્રી આસુબેનને અમદાવાદની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ જામસર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો અને ભારે વાહનોની અવરજવર રોકી દીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ડમ્પર ચાલકો નિયમિતપણે ઓવર સ્પીડમાં અને ઓવરલોડ માલ સાથે વાહન ચલાવે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. લોકોએ આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. વાંકાનેર પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.