દેવ ગ્રુપ પર ઈન્કમટેક્સના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઈ ઈન્કમટેક્સ વિભાગે દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં દરોડા પાડ્યા. દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. અંદાજિત 150 કરોડની કરચોરી પકડાઈ છે. ઈન્કમટેક્સ વિભાગે 3.5 કરોડની રોકડ રકમ અને અઢી કિલો સોનું જપ્ત કર્યું છે. આ સાથે 16 બેંક લોકરને સીઝ કર્યાં છે. અપક્ષ ઉમેદવારી કરનાર 33 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર ખેડા જિલ્લાના 33 હોદેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા. આ તમામ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં મહુધા શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2, કઠલાલ તાલુકાના 5, ચકલાસી શહેરના 13 અને મહેમદાવાદ શહેરના 5 સભ્યોનો સમાવેશ થાય છે. MLA દર્શિતા શાહના વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહના વિસ્તારમાં દારૂડિયાના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મહિલાઓનું કહેવું છે કે, અમારે ઘરબહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. દારૂડિયાઓ ઘરના દરવાજા ખખડાવી દારૂ માટે પૈસા માગે છે. રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ ગમે ત્યાં સૂઈ જાય છે. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહેસાણામાંથી એક શંકાસ્પદ શૂટરની ધરપકડ મહેસાણામાંથી હરિયાણા પોલીસે એક શંકાસ્પદ શૂટરની ધરપકડ કરી. આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકડાયેલો હોવાની આશંકા છે. રાહુલ કટારિયા નામ બદલી છેલ્લા એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતો હતો. SVNIT કોલેજમાં કથિત રેગિંગ મામલે કાર્યવાહી સુરત SVNIT કોલેજમાં કથિત રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી. બર્થ ડે સેલિબ્રેશનના નામે વિદ્યાર્થીને પટ્ટાથી મારવા મામલે એક વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે. 12 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ આગામી 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાશે. જેને લઈ ગત રાત્રે ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા. મેચને પગલે સ્ટેડિયમ બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કડીમાં સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી કડીમાં એક કાર્યક્રમમાં સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી. જે બાદ તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કાર્યક્રમ અધવચ્ચે મૂકીને જવું પડ્યું માટે માયાભાઈએ સૌ વડીલોની માફી માંગી હતી.