back to top
HomeગુજરાતRMCનું રૂ. 3112 કરોડનું બજેટ સ્ટે. કમિટીમાં મજૂર:કમિશનરે કરદરમાં સૂચવેલો 150 કરોડનો...

RMCનું રૂ. 3112 કરોડનું બજેટ સ્ટે. કમિટીમાં મજૂર:કમિશનરે કરદરમાં સૂચવેલો 150 કરોડનો વધારો ફગાવાયો, 20 નવી યોજનાઓનો ઉમેરો; ત્રણ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ. 3112.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા બજેટમાં રાજકોટવાસીઓને શું મળશે?, મનપાને આવક ક્યાંથી થશે અને ખર્ચ ક્યાં થશે? તેની ATOZ માહિતી જાણો. સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં નવી 20 યોજના ઉમેરી
1. સ્કાય વોક/ફૂટ ઓવરબ્રિજ:-
શહેરમાં ટ્રાફિકની વધુ અવર જવર ધરાવતા જાહેર સ્થળોએ તેમજ મુખ્ય માર્ગો પર રાહદારીઓને રસ્તો ઓળંગવા દરમ્યાન અકસ્માત થવાનો સતત ભય રહે છે. રાહદારીઓ સહેલાઈથી રસ્તો ઓળંગી શકે તે માટે શહેરમાં આવેલા જાહેર સ્થળો પૈકી ત્રિકોણબાગ વિસ્તાર પાસે, કાલાવડ રોડ-આત્મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્ના પાર્ક હોટલ-ગોંડલ રોડ ચોકડી પાસે વિ. સ્થળોએ રસ્તા ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦૬ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 2. શહેરમાં નવા અને મોડેલ એન્ટ્રી ગેઈટ(પ્રવેશદ્વાર) બનાવવા:-
રાજકોટ શહેરની હદ શરૂ થાય તે પ્રવેશમાર્ગો કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોક, માધાપર ચોક, એસ.આર.પી. કેમ્પ પાસે, બેડી ચોકડી પાસે વગેરે મુખ્યમાર્ગો પર શહેરની આગવી ઓળખ સ્વરૂપે થીમ-બેઇઝડ મોડલ પ્રવેશદ્વારો બનાવી, બ્યુટીફીકેશન કરવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 3. થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ:-
શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલ ટી.પી. પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે ‘સ્કાય વોક’ તેમજ થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે. જેનાથી શહેરીજનોને ફૂડ કોર્ટની નવી સુવિધા મળશે સાથોસાથ શહેરની સુંદરતામાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 4. ૩(ત્રણ) નવી શાક માર્કેટ:-
શહેરની વધતી જતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, શહેરમાં વધુ ત્રણ નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં રેલનગર વિસ્તારમાં, વેસ્ટ ઝોનમાં લક્ષ્મીનગર વિસ્તારમાં તેમજ ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪ સેટેલાઈટ ચોક પાસે નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 5. ૨(બે) શાક માર્કેટનુ નવીનીકરણ :-
જ્યુબીલી શાકમાર્કેટ શહેરની મધ્યમાં આવેલ સૌથી જુની શાકમાર્કેટ છે. જે મોટી સંખ્યામાં લોકોની અવર-જવર ધરાવે છે. શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે પાર્કિંગ સુવિધા, ટ્રાફિક, એલીવેશન, વેન્ટીલેશન, મોડર્નાઇઝેશન સહિતની અદ્યતન સુવિધાઓ ધ્યાને લઇ, જ્યુબિલી શાકમાર્કેટ તથા કનકનગર શાક માર્કેટનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૬૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 6. શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્યુટીફીકેશન:-
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતાની જાળવણી માટે ‘રામનાથ કોરીડોર ડેવલપમેન્ટ’ થકી મંદિર પરિસરનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 7. વોર્ડ નં.૪માં ભગવતીપરામાં નવી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા:-
શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચપળતા. શારીરિક સૌષ્ઠવની સાથોસાથ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી હાઇસ્કૂલના પરિસરમાં રમતગમતની સુવિધા ઊભી કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 8. વોર્ડ નં.૪માં બાકી રહેતા ટી.પી. રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ:-
શહેરના વોર્ડ નં.૪માં મોટા ભાગના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ પૂર્ણ થયેલ છે. વોર્ડમાં ડ્રેનેજનું કામ બાકી રહેલ હોય તેવા તમામ ટી.પી. રોડ પર ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૭૧ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 9. વોર્ડ નં.૧૫માં અમુલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના ૮૦ ફૂટ રોડનું ડેવલપમેન્ટ :-
રાજકોટ શહેર MSME(લઘુ-મધ્યમ ઉદ્યોગ) અને ઔદ્યોગિક ઉત્પાદનો માટે દેશભરમાં આગવુ સ્થાન ધરાવે છે. શહેરના વોર્ડ નં.૧૫માં અમૂલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના ૮૦ ફૂટ રસ્તા પર જુદા જુદા ઔદ્યોગિક એકમો, સરકારી પ્લોટસ આવેલ છે. જે પ્લોટસમાં યોજવામાં આવતા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના વિશાળ ઉદ્યોગમેળાઓની મુલાકાત દેશવિદેશના નાગરિકો લે છે. જે ધ્યાને લઈ, ૮૦ ફૂટ રોડને નેશનલ હાઇવે સુધી ડેવલપ કરવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 10. સૌપ્રથમ વખત પશુ દવાખાનું:-
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ માલઢોરના ચેકઅપ, રોગોના નિદાન, સારવાર તથા વેક્સીનેશન માટે એનિમલ હોસ્ટેલ ખાતે સૌપ્રથમ વખત સુવિધાસભર પશુ દવાખાનુ બનાવી, તેમા નિષ્ણાંત પશુ ચિકિત્સકની માનદ્ સેવાઓ હંગામી ધોરણે લેવામાં આવશે. આ સુવિધાને લીધે વધુ ને વધુ માલધારીઓ પોતાના માલઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખવા માટે પ્રોત્સાહિત થશે. સાથોસાથ શહેરીજનો પણ પોતાના પાલતુ પ્રાણીઓની સારવાર માટે પશુ દવાખાનાનો લાભ લઈ શકશે. જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 11. કેન્સરને મહાત આપવા ‘કેન્સરને કરીએ કેન્સલ’ અંતર્ગત બે યોજના : (1) વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે વેકસીન:-
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની વિદ્યાર્થિનીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે શાળા આરોગ્ય ચકાસણી કેમ્પની સાથોસાથ વિદ્યાર્થિનીઓને સર્વાઇકલ કેન્સર માટે વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. (2) મેમોગ્રાફી મશીન
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત કોઠારિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મેમોગ્રાફી ચેકઅપ માટે નવું મેમોગ્રાફી મશીન મુકવામાં આવશે. જેનાથી મહિલાઓ બ્રેસ્ટ કેન્સર જેવા રોગનું નિદાન – સારવાર લઇ શકશે. જે માટે બજેટમાં રૂ.૧૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 12.એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકના નામે ૧ વૃક્ષનું વાવેતર:-
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 13. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે ૧ વૃક્ષનું વાવેતર:-
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના ‘ગ્રીન કવર’માં અને પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. 14. વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧ માં બગીચા હેતુના અનામત પ્લોટ નં.૩૯ માં નવો
બગીચો:-
શહેરના વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧/પ્લોટ નં.૩૯/એ થી બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્ક વિસ્તારમાં સી.સી. રોડ પર બગીચા હેતુના અનામત પ્લોટમાં વૃક્ષો, ફૂલછોડ, લોન, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા સાથે નવા બગીચાનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારના શહેરીજનોની સુવિધામાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૪૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 15. રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઈટીંગ:-
શહેરની આગવી ઓળખ સમાન રેસકોર્ષ રિંગ રોડની રોનક વધારવા, કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઇટીંગ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. 16. રેસકોર્ષ સંકુલમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ:-
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્સ સંકુલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટેરિયમ તથા કોમ્યુટર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. જેનું નિર્માણ વર્ષ ૧૯૯૩માં કરવામાં આવેલ. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લઈ, લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ કરી, તેને અદ્યતન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 17. લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં ફ્રુટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન:-
શહેરની મધ્યમાં આવેલ લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં લોકોની ખુબ જ અવરજવર રહે છે. શહેરીજનોની સુવિધા માટે આ શાકમાર્કેટમાં નવી ફ્રૂટ માર્કેટ તથા નવા હોકર્સ ઝોનની ભેટ આપવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 18. વોર્ડ નં.૦૩ માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ:-
શહેરના વોર્ડ નં.૦૩ માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં દર માસે સેંકડો દર્દીઓ રોગ નિદાન – સારવારનો લાભ લે છે. જે ધ્યાને લઈ, આ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ કરી, અદ્યતન સુવિધા તથા અદ્યતન સાધનો ફાળવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. 19. વોર્ડ નં.૧૪માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે નવો કોમ્યુનિટી હોલ:-
શહેરીજનો પોતાના કૌટુંબિક પ્રસંગો વ્યાજબી ખર્ચે, ઉલ્લાસભેર માણી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ-વિસ્તારોમાં અદ્યતન સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલ ઉપલબ્ધ કરેલ છે. જે સુવિધાના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૧૪ માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે અદ્યતન સુવિધાયુક્ત નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 20. હેરીટેજ સિટી બ્યુટીફીકેશન(આશરે ૧૦૦ વર્ષ જુના એક રોડનું ડેવલપમેન્ટ):-
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ આશરે ૧૦૦ વર્ષ જેટલા જૂના એક રોડને ‘હેરીટેજ સિટી બ્યુટીફીકેશન હેઠળ ડેવલપ કરી, તેનું બ્યુટીફીકેશન(ફૂટપાથ, ઇલેક્ટ્રિક પોલ, પેવીંગ બ્લોક વિ.) કરવામાં આવશે. જે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં DROO લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments