રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ગત અઠવાડિયામાં હાઇકોર્ટ દ્વારા મનપાના પૂર્વ ATP રાજેશ મકવાણા, પૂર્વ ATP ગૌતમ જોષી તેમજ ઇજનેર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા હતાં. આ અંગેની જાણ થતાંની સાથે પીડિત પરિવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આરોપીઓના જામીનને લઈ સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય તો પોતે વકીલ રાખીને જશે તેવી તૈયારી બતાવી હતી. ત્યારે આરોપીઓના જામીન રદ થાય તે માટે રાજકોટ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે, તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસને ગૃહ વિભાગની મંજૂરી મળતા સુપ્રીમના દરવાજા ખખડાવશે. ડે ટુ ડે કેસ ચાલે તેવી પીડિતોની માગ
પ્રાપ્ત વિગત મુજબ, તાજેતરમાં ટીઆરપી અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા મનપાનાં પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા અને ગૌતમ જોશી ઉપરાંત આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ હતી. અગ્નિકાંડનાં ત્રણ આરોપીને જામીન મળવા મુદ્દે પીડિત પરિવારોએ સુપ્રીમ જવાની તૈયારી દર્શાવી હતી. સરકાર સુપ્રીમમાં જઈ જામીન રદ કરે તેવી માંગ ઉઠાવી હતી. જો આમ નહીં થાય તો એક બાદ એક તમામને જામીન મળી જવાની દહેશત વ્યક્ત કરી આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ સરકાર જો આ મામલે સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો ત્રણ આરોપીઓનાં જામીન રદ કરવા પોતે સુપ્રીમનાં દ્વારા ખખડાવવા માટે તૈયારી દર્શાવી હતી. આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચાલે તેવી પણ માગ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી. ગૃહ વિભાગની મંજૂરી બાદ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે
ત્યારે TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જશે તેવું જાણવા મળી રહ્યું છે. રાજકોટ પોલીસે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધાનું સામે આવ્યું છે. આરોપીઓના જામીન રદ થાય તે માટે પોલીસ કાર્યવાહી કરશે. ટૂંક સમય મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. અગ્નિકાંડ કેસમાં ત્રણ આરોપીઓને જામીન મળ્યા છે. આરોપીઓને જામીન મળતાં પીડિત પરિવારમાં પણ રોષ હતો. પરિવારે આરોપીઓના જામીન રદ કરવાની માંગ કરી હતી, ત્યારે હવે હાઇકોર્ટ દ્વારા 3 આરોપીના જામીન મંજૂર થતાં રાજકોટ પોલીસ સુપ્રિમમાં જશે. પોલીસને ગૃહ વિભાગની મંજૂરી મળતા સુપ્રીમના દરવાજા ખખડાવશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડીયે હાઇકોર્ટ દ્વારા મનપાના પૂર્વ ATP રાજેશ મકવાણા, પૂર્વ ATP ગૌતમ જોષી તેમજ ઇજનેર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા હતા. પીડિત પરિવારોની લાગણી દુભાઈઃ વકીલ
2 દિવસ પહેલા પીડિત પરિવારનાં એડ્વોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી રદ્દ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા રાજકોટ મનપાના ત્રણ એન્જીનીયર એટીપીઓ રાજેશ મકવાણા, ગૌતમ જોષી, અને આસી. એન્જી. જયદીપ ચૌધરીની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. જેને લઈને અગ્નિકાંડ પીડિત પરિવારોની લાગણી દુભાઈ છે. અને આ મામલે સરકાર હાઇકોર્ટનાં નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન રદ્દ કરાવે તેવી માંગ છે. હાઇકોર્ટમાં દ્વારા ત્રણેય આરોપીઓની મંજુર થયેલ જામીન અરજી રદ કરાવવા સરકાર સુપ્રીમમાં નહીં જાય તો પીડિત પરિવાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવશે. આ કેસમાં સરકારની સાવ ઢીલી કામગીરીઃ તુષાર ગોરેચા
અગ્નિકાંડમાં ભાઈ ગુમાવનાર તુષાર ગોરેચાએ અગાઉ જણાવ્યું હતું કે, અમારી સુપ્રીમમાં જવાની પૂરતી તૈયારી છે. સરકારને પણ અપીલ કરીએ છીએ કે, અમારી સાથે રહી સુપ્રીમમાં આરોપીઓનાં જામીન રદ્દ કરવા બાબતે ટેકો આપે. સરકાર મદદ નહીં કરે તો પણ અમે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે. આ કેસમાં સાવ ઢીલી કામગીરી કરવામાં આવી રહી છે. દરરોજ કેસ ચલાવવા તેમજ કડકમાં કડક સજા આપવામાં આવે તેવી અમારી પહેલાથી જ માંગ હતી. પરંતુ તેને બદલે આરોપીઓનાં જામીન મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે હવે સુપ્રીમમાં જવા સિવાય અમારી પાસે બીજો વિકલ્પ નથી. આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએઃ અનિરુદ્ધસિંહ જાડેજા
અગ્નિકાંડમાં 20 વર્ષનો પુત્ર ગુમાવનાર અનિરુદ્ધસિંહ જાડેજાએ અગાઉ જણાવ્યું હતું કે, હકીકતમાં અમારી સ્પષ્ટ માંગ છે કે, આ કામના આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. જેને બદલે ત્રણ આરોપીના જામીન મંજુર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ જામીન રદ્દ થવા જોઈએ. સરકારની આ કામગીરીથી અમને જરાપણ સંતોષ નથી. હજુ પીડિત પરિવારોની આંખોમાંથી આંસુ સુકાયા નથી ત્યાં આરોપીઓનાં જામીન મંજુર થાય તે કેમ ચલાવી શકાય? પીડિત પરિવારોની જિંદગી ખરાબ થઈ ચૂકી છે. તેની ઘરે આવીને સરકાર જુએ તો ખબર પડે. ત્યારે આ આરોપીઓનાં જામીન રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાની અમારી પૂરતી તૈયારી છે. શું છે સમગ્ર મામલો?
તા.25 મે, 2024ની સાંજે રાજકોટના નાનામૌવા રોડ નજીક આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર, રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો) (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમ ઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીત આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે. 16માંથી એકનું મોત, 15 આરોપી જેલમાં
અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, ગૌતમ જોષી, આસી. એન્જીનીયર જયદિપ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. પરિવારે વકીલ રાખી સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી
જેમાં એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જીનીયર જયદીપ ચૌધરીની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરતો હુકમ કર્યો હતો. મૃતકોના પરિવારમાં આ જામીન અરજી રદ કરાવવા સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેવી આશા છે. જોકે પીડિત પરિવારના વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાઇકોર્ટના જામીનના હુકમ બાદ હજુ આ જામીન રદ કરાવવા સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી કરાઈ હોય તેવું ધ્યાને આવ્યું નથી. જેથી પીડિત પરિવાર દ્વારા વિચારણા ચાલી રહી છે કે, જો સરકાર પક્ષે ત્રણેય એન્જીનીયરની જામીન અરજી રદ કરવા સુપ્રીમ કોર્ટમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પીડિત પરિવારો પોતાના વકીલ રાખી સુપ્રીમ કોર્ટ સુધી જશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ કેસના આરોપી તત્કાલિન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો કેસ પણ છે. રાજકોટ એસીબી પોલીસ મથકે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે પછી એસીબી કેસમાં તેણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે રદ થઈ હતી.