સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં ફિલ્મ ઉદ્યોગનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્રીય બજેટ 2025-26 પર સામાન્ય ચર્ચા દરમિયાન સરકાર પર ફિલ્મ ઉદ્યોગનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, ઉદ્યોગને મદદ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણને અપીલ કરવામાં આવી છે. સિનેમાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2025-26 પર સામાન્ય ચર્ચા દરમિયાન બોલતા, જયા બચ્ચને કહ્યું, ‘તમે એક ઉદ્યોગને સંપૂર્ણપણે અવગણ્યો. સરકારો પહેલા પણ આ કરતી આવી છે. અને આજે તે ખૂબ વધારે છે. જ્યારે તમને જરૂર હોય, ત્યારે તમે તેમને (ઉદ્યોગને) બોલાવો છો. તેઓ ફોટોગ્રાફ્સ ખેંચાવો છો અને પછી તેમને અવગણો છો. ફિલ્મ ઉદ્યોગ વિશે તમારો શું વિચાર છે? જીએસટીને બાજુ પર રાખો. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બધી સિંગલ સ્ક્રીનો બંધ કરી દેવામાં આવી છે. લોકો નાના પડદા પર ફિલ્મો જોવા નથી જતા. કારણ કે બધું જ મોંઘુ થઈ ગયું છે. શું તમે આ ઉદ્યોગનો અંત લાવવા માંગો છો? તમે આનાથી વધુ ખોટું કંઈ કરી શકશો નહીં.’ એકમાત્ર ઉદ્યોગ જે ભારતને સમગ્ર વિશ્વ સાથે જોડે છે સરકાર પર આરોપ લગાવતા જયાએ કહ્યું કે, ‘આજની સરકાર ઉદ્યોગને સંપૂર્ણપણે નષ્ટ કરવા માગે છે. આ એકમાત્ર ઉદ્યોગ છે જે ભારતને બાકીના વિશ્વ સાથે દેશને જોડે છે. દૈનિક વેતન મજૂરોનો જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. હું ફિલ્મ ઉદ્યોગ વતી બોલી રહી છું. હું સરકારને ફિલ્મ ઉદ્યોગ પર દયા બતાવવાની અપીલ કરું છું. હું નાણામંત્રીને આ અંગે વિચાર કરવા અને ઉદ્યોગને મદદ કરવા વિનંતી કરું છું.’