સુરતમાં આઉટર રીંગ રોડના વાલક બ્રિજ પર ગત સાત ફેબ્રુઆરીના રોજ રાત્રે કારથી રફતારનો આતંક મચાવી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આરોપી કારચાલક કીર્તન ડાખરા હાલ બે દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આજે કીર્તનને જે ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હતી ત્યાં તપાસે લઈ જવામાં આવ્યો હતો. 50 લાખથી વધુની કિંમતના લક્ઝુરિયસ ફાર્મમાં નબીરા કીર્તને ત્રણ બોટલ દારૂ લાવીને પાર્ટી પણ કરી હતી. રાત્રિના સમયે ચાલતી પાર્ટીના કારણે ફામમાં કામ કરી રહેલા વ્યક્તિઓ દ્વારા બે વાર ટકોર પણ કરવામાં આવી હતી. બે નિર્દોષ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા
ગત શુક્રવારે રાત્રે કાપોદ્રામાં હીરાના પેકેટ બનાવવાનું કારખાનું સાથે સંકળાયેલા 20 વર્ષીય કીર્તન મનોજ ડાખરા (રહે. વિઠ્ઠલનગર, કાપોદ્રા)એ દારૂ અને રફતારના નશામાં ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. કીર્તન તેના મિત્ર પ્રિન્સ સાથે કામરેજના યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ ગ્રુપ એન્ડ વિલ્લામાં કોલેજિયન્સના ગ્રુપે રાખેલી પાર્ટીમાં ગયો. પાર્ટીમાંથી વહેલા નીકળેલી યુવતી અને જૈમીશના બાઇક બગડતાં તે તેમને ઘરે મૂકવાના ઈરાદે જે કારમાં આવ્યો હતો તે હેક્સા કારમાં બેસાડી પોતાની સાથે ધ્રુવ નામના યુવકને લઈને નીકળ્યો હતો. કારે વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર ઓવરસ્પીડને કારણે ડિવાઈડર કૂદી સામેથી આવતી પાંચ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બે નિર્દોષ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા. બીજા ચાર વ્યક્તિઓને પણ પહોંચી હતી અને ત્રણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રફતારનો આતંક મચાવનાર કીર્તનનું લાઇસન્સ થશે રદ:સુરતમાં બે સગા ભાઈનો જીવ લેનાર નબીરા વિરૂદ્ધ પોલીસનો સકંજો વધુ કસાયો, ફાર્મ હાઉસ માલિકનું નિવેદન લેવાયું કોર્ટે આરોપી કીર્તનના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કારચાલક કીર્તન ડાખરા 30 કલાક બાદ પોલીસની પકડમાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે આજે આરોપી કીર્તનને જે યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ ગ્રુપે એન્ડ વિલ્લા ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરી હતી ત્યાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો. દારૂ પાર્ટી કોણે કોણે કરી હતી અને દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગેની કીર્તન એ પોલીસને સમગ્ર માહિતી જણાવી હતી. કોલેજીયન યુવકોએ દારૂની પાર્ટી રાખી હતી
લસકાણા પીઆઇ કે.એ.ચાવડાએ જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસમાં જૈમીશ ભીંગરાડીયા અને ધ્રુવ સવાણી, પ્રિન્સ સહિતના મિત્રોએ પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. ધુવ, જૈમીશ કીર્તનને ઓળખતા ન હતા. કીર્તનની સોસાયટીમાં રહેતો હોવાથી પ્રિન્સ તેને પાર્ટીમાં લાવ્યો હતો. કામરેજના સેગવા ગામે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ ગ્રુપે એન્ડ વિલ્લા ફાર્મ હાઉસ દિશાંતે 2800 રૂપિયામાં બુકિંગ કરાવ્યું હતું. 6 તારીખે સાંજે તમામ મિત્રો ફાર્મહાઉસમાં ગયા અને 7મી તારીખે સાંજ સુધી રોકાયા હતા. કોલેજીયન યુવકોએ દારૂની પાર્ટી રાખી હતી. દારૂની બોટલ કામરેજથી લાવ્યા હોવાનું કીર્તને રટણ કર્યુ છે. કીર્તન ઝૂંપડા જેવી દુકાનેથી ત્રણ દારૂની બોટલ લાવ્યો હતો
કીર્તન અને ધ્રુવ બંને સુરતથી પોતાની ટાટા હેક્સા કારમાં કામરેજના યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ ગ્રુપ એન્ડ વિલ્લા પહોંચ્યા હતા. ત્યારબાદ કીર્તનની કારમાં જ કામરેજના ગામમાં આવેલા એક ઝૂંપડા જેવી દુકાનેથી ત્રણ જેટલી દારૂની બોટલ લઈને પરત ફાર્મ ખાતે આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે દારૂની પાર્ટી શરૂ કરવામાં આવી હતી. આ મામલે ફાર્મમાં કામ કરતા વ્યક્તિનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, રાત્રિના સમયે પાર્ટી ચાલતી હતી તે રીતે બૂમ બરાડા પાડી રહ્યા હતા અને અપશબ્દો પણ બોલી રહ્યા હતા. જેથી રાત્રિના સમયે બે વાર ટકોર પણ કરવામાં આવી હતી. પોલીસે દારૂ પીધાનો કેસ પણ દાખલ કર્યો
બીજા દિવસે સવારે જૈમીશ અને તેની મિત્ર યુવતી પહોંચ્યા હતા. આ દરમિયાન ફાર્મ હાઉસના હોલમાં જ યુવતીની સામે જ દારૂની પાર્ટી કરવામાં આવી હતી. જૈમીશ સહિતનાએ દારૂ પીધો હતો. ફાર્મ હાઉસમાંથી નીકળ્યા બાદ પણ આ બધા દારૂના નશામાં હતા. અકસ્માત સમયે પણ કીર્તન દારૂના નશામાં હોવાનું યુવતી અને જૈમીસે જણાવ્યું છે. આ સાથે જૈમીષ અકસ્માત બાદ દારૂના નશામાં ઝડપાયો હતો અને તેની સામે દારૂ પીધાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. કીર્તને દારૂ ન પીધો હોવાનું રટણ
કીર્તન દ્વારા હજુ પણ પોતે દારૂ ન પીધો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જોકે લસકાણા પોલીસ દ્વારા કીર્તનના મિત્રોના લેવામાં આવેલા નિવેદનમાં કીર્તને દારૂ પીધો હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં કીર્તને ચિક્કાર દારૂ પીધો હોવાનું બે લોકોના નિવેદનમાં નોંધવામાં આવ્યું છે. એક મિત્રના નિવેદન દરમિયાન કીર્તન સામે હોવાથી તેની સામે જણાવ્યું હતું કે તે અને આપણે બધાએ સાથે તો દારૂ પીધો હતો. હજુ એક દિવસ કીર્તન લસકાણા પોલીસના રિમાન્ડ હેઠળ છે ત્યારે વધુ તપાસ ચાલી રહી છે. ફાર્મ હાઉસનો દુરુપયોગ કરીને પાર્ટી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી મોટી સંખ્યામાં લોકો કામરેજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં એન્જોય કરવા જતા હોય છે. જોકે યુવાનો આ ફાર્મ હાઉસનો દુરુપયોગ કરીને ત્યાં પાર્ટી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કામરેજના અલગ અલગ ગામોમાં મોટી સંખ્યામાં ફાર્મ આવેલા છે. 400થી 500 વારમાં બનાવવામાં આવેલા આ લક્ઝુરિયસ ફાર્મની કિંમત 50થી 60 લાખ સુધીની થતી હોય છે. કામરેજના સેગવા અને સેવણી ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ફાર્મ આવેલા છે. અત્રે ઉલ્લેખનીએ છે કે, ગતરોજ રાત્રે કામરેજ પોલીસ દ્વારા એક ફાર્મમાંથી દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી હતી.