પ્રેમમાં નિષ્ફળતા મળતાં રાજકોટમાં લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતા 35 વર્ષના યુવાનને હુડકો ચોકડી નજીક રહેતી અને જંગલેશ્વરમાં 23 વર્ષની યુવતી સાથે 10 વર્ષથી પ્રેમસંબંધ હતો, જોકે પ્રેમિકાની સગાઇ નક્કી થઇ જતાં તેને ન ગમતાં સવારે પ્રેમિકા જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની મોટી બહેન સાથે માછલી વેચવા બેઠી હતી. યુવકે ત્યાં જઇને યુવતીને પેટ, છાતી, હાથ, પગમાં છરીના પાંચેક ઘા મારી દીધા હતા. બાદમાં યુવકે પોતાના પેટમાં પણ ત્રણેક ઘા મારી દેતાં બંને લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ ઘટનામાં યુવતીની હાલત ગંભીર છે. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આડેધડ છરીના ઘા વાગતાં યુવતી ઢળી પડી
રાજકોટના હુડકોમાં રહેતી યુવતી સવારે 11 વાગ્યા આસપાસ જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની બહેન સાથે માછલી વેચવા બેઠી હતી. એ વખતે નવાગામ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતો યુવક સંજય વિનોદભાઇ મકવાણા (ઉં.વ.35) અચાનક છરી સાથે ધસી આવ્યો હતો. યુવતી કંઇ સમજે એ પહેલાં તેના પર તૂટી પડી આડેધડ છરીના ઘા હાથ, પગ, છાતી, પેટના ભાગે મારી દીધા હતા. આ હુમલામાં યુવતી લોહીલુહાણ થઇ ઢળી પડી હતી, જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. યુવકે પોતાના પેટમાં છરીના 3 ઘા માર્યા
પ્રેમિકા પર હુમલો કરનાર સંજયને લોકો પકડે એ પહેલાં તેણે પોતાના પેટમાં પણ છરીના 3 ઘા ઝીંકી દીધા હતાં. તે પણ પડી જતાં કોઇએ 108 એમ્બ્યુલન્સ બોલાવતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ પોલીસચોકીની પોલીસે ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલે પહોંચી હુમલામાં ગંભીર ઇજા પામનારી યુવતીની બહેનની ફરિયાદ આધારે સંજય મકવાણા વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી. યુવતીના મંગેતરને પણ યુવકે ફોન કરી ધમકી આપી
પોલીસની તપાસમાં ખૂલ્યા મુજબ, પ્રેમીના હુમલામાં ઘાયલ યુવતી ભાઈ-બહેનમાં નાની છે અને જંગલેશ્વર હુશેની ચોકમાં માછલીનો થડો રાખી ધંધો કરે છે. જ્યારે હુમલો કરનાર સંજય 2 ભાઇમાં નાનો છે અને છૂટક મજૂરીકામ કરે છે. યુવતી અને સંજય વચ્ચે છેલ્લાં 10 વર્ષથી પ્રેમસંબંધ હતો. દરમિયાન અઠવાડિયા પહેલાં જ યુવતીની સગાઇ નક્કી થઇ જતાં આ વાતની પ્રેમી સંજયને ખબર પડતાં તે રોષે ભરાયો હતો અને પ્રેમિકાને સગાઇ ન કરવા ધમકી આપવાનું ચાલુ કરી તેની પાસેથી તેની સગાઇ જ્યાં નક્કી થઇ એ યુવકના નંબર લઇ તેને પણ ધમકાવવાનું ચાલુ કર્યું હતું. 3 દિવસ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
આ કારણે 3 દિવસ પહેલાં જ સંજય વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે અટકાયતી પગલાં લઇ કાર્યવાહી કરી હતી. દરમિયાન આજે તે પ્રેમિકાને મારી નાખવાના ઇરાદા સાથે જંગલેશ્વરના હુશેની ચોકમાં પ્રેમિકાના માછલીના થડે પહોંચ્યો હતો અને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પોતાના પેટમાં પણ 3 ઘા મારી દેતાં તેને પણ ગંભીર ઇજા થઇ હતી. બંને હાલ સારવાર હેઠળ છે, જેમાં યુવતીને ગંભીર ઇજા પહોંચી છે.