ઉત્રાણમાં સંગતમ નામની બની રહેલી બિલ્ડિંગ પરથી 10 ફૂટનો સળિયા ત્યાંથી પસાર થઇ રહેલા 43 વર્ષીય દીપક માળવિયા પર પડ્યો હતો. જે તેના ગળાના ભાગેથી ઘૂસી છાતીના પાર નીકળી ગયો હતો. લોકોએ દોડી આવી કટરથી બંને ભાગેથી એક એક ફૂટ બાકી રાખીને સળિયાને કાપી દીપકને કિરણ હોસ્પિટલ લઇ ગયા હતા. સળિયો દર્દીના હૃદય અને શ્વાસનળીની નજીક હતો. ક્રિટિકલ સ્થિતિમાં લવાયેલા દર્દીનું કિરણ હોસ્પિટલના ડૉ. અરવિંદ પટેલ, ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. નંદકિશોર કપાડિયા, ડૉ. ચિંતન પટેલ, ડૉ. જુગલ પટેલ, ડૉ. ભાવિન લશ્કરી અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. દામિની સહિત7 તબીબોની ટીમે 5 કલાક લાંબા ઓપરેશન કરી સળિયાને કાઢીને જીવ બચાવ્યો હતો. ઝડપી કાર્યવાહીથી ઓપેરેશન સફળ રહ્યું
ઓપરેશન કરનાર તબીબી ટીમના સર્જન ડૉ. અરવિંદ પટેલે જણાવ્યું કે, આ પ્રકારની ઈજા અત્યંત બહુ ઓછી થયેલી જોવા મળે છે, અમારી ટીમની ઝડપી કાર્યવાહી અને હાઇટેક ટેકનિકથી ઓપરેશન શક્ય બન્યું. દર્દીની તબિયત સ્થિર છે, ઓર્બઝવેશનમાં છે. દર્દીના પરિવારને સત્તાવાર જાણ કરવામાં આવી છે. દર્દી જલ્દી જ સ્વસ્થ થઇ જશે. નસો વચ્ચે ગેપ કરીને સળિયો બહાર કઢાયો
તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશનન પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં સૌથી પહેલા સીટીસ્કેન અને ઈમેજિંગ દ્વારા ઈજાની ગંભીરતાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. અંતે શરીરના છાતીના ભાગ અને ગળાના ભાગેથી ચીરો પાડી ડેમેજ થયેલા મસલ્સ અને નાની મોટી નસો વચ્ચે ગેપ કરીને સળીયો બહાર કઢાયો હતો. જે પછી ડેમેજ થયેલા મસલ્સ અને નાની મોટી નસોને જોડી દેવામાં આવી હતી.