back to top
Homeગુજરાતસૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની પોલ 11 યુનિ.ના VCએ જ ખોલી:ભાસ્કરે 11 કુલપતિને પૂછતા...

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની પોલ 11 યુનિ.ના VCએ જ ખોલી:ભાસ્કરે 11 કુલપતિને પૂછતા ત્રણે કહ્યું- ‘નિયમ ન હોવાથી નથી લગાવ્યું’, VC સાયરન ન લગાવી શકે: RTO

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પોતાની સરકારી કાર પર સાયરન ફીટ કરાવતા વિવાદ સર્જાયો છે. નવનિયુક્ત કુલપતિ ડો.ઉત્પલ જોશીએ કહ્યું હતું કે, હું VIP કલ્ચરમાં માનતો નથી. પણ નિયમમાં હશે તો હું સાયરન રાખીશ. સાથે બચાવ કરતા કહ્યું હતું કે, અન્ય પાંચ યુનિવર્સિટીના કુલપતિઓએ પોતાની કાર પર સાયરન રાખ્યું હોવાથી મેં રાખ્યું છે. જો કે, ભાસ્કરે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાય અન્ય 11 યુનિવર્સિટીના કુલપતિઓ સાથે વાત કરી તો, તેઓએ સાયરન રાખવાની કોઈ જરુરિયાત ન હોવાની વાત કરી હતી. એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની કાર પર જ સાયરન હોવાનું સામે આવ્યું છે. ભાવનગર અને સોમનાથ સંસ્કૃત યુનિ.ના સહિત ત્રણ કુલપતિએ તો સ્પષ્ટ કહ્યું હતું કે, ગાઈડલાઈન નથી એટલે અમે નથી લગાવ્યું. સૌરાષ્ટ્ર યુનિ.ના વીસીની કાર પર સાયરનના વિવાદ વકરતા આરટીઓ ઓફિસરે પણ દંડનીય કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. રાજકોટ આરટીઓના અધિકારીએ કહ્યું હતું કે, સાયરન ફક્ત ઈમરજન્સી વાહનો પર જ લગાવી શકાય. આ સમગ્ર મામલે રાજ્યની 9 યુનિવર્સિટીના કુલપતિઓએ શું કહ્યું તે જાણીએ. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિએ કહ્યું- ‘અન્ય વીસીએ રાખ્યું એટલે મેં રાખ્યું છે’
ડૉ. ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાને મળેલી સરકારી કાર પર સાયરન લગાવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે કુલપતિએ પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે, રાજ્યની અન્ય 5 યુનિવર્સિટીના કુલપતિઓએ પણ સાયરન લગાવેલા હોવાથી મેં લગાવ્યું છે. મુખ્યમંત્રી અગાઊ જેમ જતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાય ત્યારે ઘાયલોને ઝડપથી સારવાર માટે લઈ જઈ શકાય તેવું વિચારી સાયરન રાખ્યું છે. જો નિયમમાં હશે તો સાયરન રાખીશ બાકી હટાવી દઈશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મહીના પહેલા જ એટ્લે કે 10 જાન્યુઆરી, 2025 ના 18માં કાયમી કુલપતિ તરીકે નિમણૂક પામતા ડૉ. જોશીએ પોતાની કાર પર સાયરન લગાવતા વિવાદનો મધપૂડો છેડાયો છે. સાયરન મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ‘નો કોમેન્ટ’
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાની કાર પર સાયરન કે લાલ લાઈટ રાખી નથી. આ અંગે તેમની સાથે વાતચીત કરતા તેમણે કોઈપણ ટીપ્પણી કરાવનો ઈન્કાર કર્યો હતો. મારી કાર પર સાયરન નથી, અન્ય બાબતે હું કંઈ ન કહી શકું- અમી ઉપાધ્યાય
બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમી ઉપાધ્યાયએ જણાવ્યું હતું આંબેડકર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પર સાયરન કે લાલ લાઈટ નથી,બીજાની ગાડી પરના સાયરન અંગે હું કઈ કહી ન શકું. GTUના કુલપતિનો સંપર્ક ન થઈ શક્યો
GTUના કુલપતિ રાજુલ ગજ્જરને દિવ્યભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. સાયરન લગાવવું લીગલ છે કે નહીં તેનો જવાબ સરકાર આપી શકે- ડો. નિરંજન પટેલ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ (એસ.પી) યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નિરંજનભાઈ પટેલે આ અંગે કેમેરા સામે કંઈપણ બોલવાની ના પાડી હતી. મૌખિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, વાઈસ ચાન્સેલરની ગાડીમાં સાયરન લગાવવી લીગલ છે કે નહીં તેનો જવાબ સરકાર જ આપી શકે. મને તો એટલી ખબર છે કે, મારી ગાડીમાં સાઈરન નથી. કાર પર લાઈટ લગાવવી પડે એવી ઈમરજન્સી રહેતી નથી- ડો. મોહન પટેલ
કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. મોહન પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ વિવાદ અંગે મને જાણ નથી પરંતુ અમારે કાર ઉપર લાઈટ લગાવવી પડે કોઈ એવી ઇમરજન્સી રહેતી નથી. એમણે શુ કારણસર લગાવી હશે તે પ્રશ્ન છે ? મેં કાર ઉપર લાઈટ કે સાયરન લગાવ્યા નથી. મારી ફરજ ઈમરજન્સી સર્વિસીઝમાં આવતી નથી એટલે જરુરિયાત નથી- એ.એચ.બાપોદરા
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ એ.એચ બાપોદરા એક કહ્યું હતું કે મારી કોઈ ફરજ ઇમરજન્સી સર્વિસીઝમાં આવતી નથી જેના કારણે સાયરન લગાડવાની જરૂરિયાત રહેતી નથી. મારી કાર પર સાયરન રાખ્યું નથી- કે.સી.પોરિયા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટના કુલપતિ કે સી પોરિયાએ જણાવ્યું હતું કે ગાડી પર સાયરન બાબતે જણાવ્યું હતું કે હું 11મહિના થી કુલપતિ તારીખે આવેલો છું. સામન્ય રીતે તો વાઇસ ચાસલર એ ગવર્નર પછી નો હોદ્દો ધરાવતી વ્યક્તિ હોય છે. પ્રોટોકોલ પ્રમાણે એમને મિનિસ્ટર ઇનકલ્યુમેન્ટ ગણવામાં આવતા હોય છે અથવા સમકક્ષ ગણાવ માં આવતા હોય છે. પણ ઇમરજન્સી સર્વિસ ના હોવાને પરિણામે મેં આજ સુધી મારી ગાડી પર આવી લાઈટ રાખી નથી. સૌરાષ્ટ્ર ના કુલપતિએ રાખી એ એમનો અંગત અભિપ્રાય મને ખબર નથી. હું વ્યકિતગત રીતે આવી કોઈ સુવિધા રાખતો નથી- ડો. કિશોરસિંહ ચાવડા
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડા પોતાની સરકારી ગાડી પર સાયરન કે લાલ લાઈટ નથી રાખતા. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે રાજ્યપાલ પછી વાઇસ ચાન્સલરનું પદ આવે છે અને અનેક સુવિધાઓ મળતી હોય છે. પરંતુ હું વ્યક્તિગત રીતે આવી કોઈ સુવિધા રાખતો નથી અને ગાડીમાં લાઈટ કે સાયરન નથી. આવી વસ્તુઓ કરવાથી યુનિવર્સિટીની ગુણવત્તા પર કોઈ અસર થાય એવું નથી, તેથી અમારું ધ્યાન માત્ર યુનિવર્સિટીની ગુણવત્તાને વધારવાનું છે.બીજા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો આ સુવિધાનો ઉપયોગ કરતા હશે, તે અંગે હું કશું કહેવા માંગીશ નહીં, પરંતુ હું પોતે વ્યક્તિગત રીતે મારી ગાડીમાં આવી સુવિધાઓ રાખતો નથી. MS યુનિ.ના ઈન્ચાર્જ VC સરકારી કાર વાપરતા નથી
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં હાલ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર છે. જેઓ સરકારી વાહનના બદલે પોતાનું જ વાહન લઈને યુનિવર્સિટી અવરજવર કરે છે. કુલપતિ પોતાની કાર પર સાયરન ન લગાવી શકે- RTO અધિકારી
રાજકોટ ના RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ 119 મૂજબ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર કે જે ઈમરજન્સી સર્વિસમાં આવે છે તેવા વાહનો ઉપર જ સાયરન લગાવવાનું હોય છે. પોલીસ અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા વાહનો પર સાયરન રાખી શકાય. કુલપતિ પોતાની કાર ઉપર સાયરન ન લગાવી શકે. જોકે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ પોતાની કાર ઉપર સાયરન લગાવ્યું છે ત્યારે તેની સામે મોટર વહીલક એક્ટની કલમ 194 (1) મુજબ રૂ. 1000 નો દંડ ફટકારવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments