આજે એક જ વિષયના ચાર મુદ્દાની વાત કરીએ. આ વિષય છે – સરકારી મફત યોજના- ફ્રીબીઝ.
સરકારની મફત યોજનાઓ સામે સુપ્રીમે સરકારને ઠપકો આપ્યો છે. L Tના ચેરમેન સુબ્રહ્મણ્યને ફરી નિવેદન આપ્યું છે કે સરકારી મફત યોજનાઓને કારણે મજૂરો કામ કરવા તૈયાર થતા નથી. મહારાષ્ટ્રમાં પાત્રતા ન હોય એવી મહિલાઓને લાડલી બહેન યોજનામાંથી બહાર કાઢવાનું શરૂ થયું છે. અલગ અલગ દેશોને વિકાસ અને માનવતા માટે ફંડ આપતી અમેરિકાની સંસ્થા USAID પર ટ્રમ્પે પ્રતિબંધ લાદી દીધો છે. રાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય. વોટ બેન્ક ખેંચવા માટે સરકાર હંમેશાં ફ્રીબીઝ સ્કીમ એટલે કે મફત યોજનાઓ જાહેર કરે છે. સાદી ભાષામાં કહીએ તો રેવડી. આના કારણે થયું છે એવું કે મફત યોજનાઓના કારણે દેશના અર્થતંત્રની ધરી ધીમી પડી ગઈ છે. નાનો વર્ગ, મજૂર વર્ગ કામ કરવા તૈયાર નથી. ઘેરબેઠાં મફત રેશન મળી જાય છે. ઘેરબેઠાં થોડા રૂપિયા મળી જાય છે, તો કામ શું કામ કરવાનું? ચોક્કસ વર્ગને હવે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું નથી અને આજ કારણે સુપ્રીમ કોર્ટે સરકારને ‘રેવડી’ની સામે ‘કડવાણી’ પાઈ છે. એક-એક મુદ્દાને વિસ્તારથી સમજીએ… 1. સુપ્રીમ કોર્ટે સરકારી મફત યોજનાઓ વિશે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ હતી કે સરકાર શહેરી ગરીબી દૂર કરવાની વાતો કરે છે, પણ હજી સુધી શહેરી ગરીબી દૂર થઈ નથી. આ અરજી પર સુપ્રીમમાં બુધવારે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું હતું કે ફ્રીબીઝ (મફત)ના કારણે લોકો કામ ટાળી રહ્યા છે. લોકોને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સાથે જોડાયેલી અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે ચૂંટણી પહેલાં ફ્રીબીઝ (મફત યોજનાઓ)ની જાહેરાત અને એના અમલના કારણે લોકો કામ કરવાનું ટાળે છે, કારણ કે તેમને બેઠાં બેઠાં રેશન અને પૈસા મળે છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે કમનસીબે આ મફત યોજનાઓને કારણે લોકો કામ કરતા નથી. તેમને મફતમાં રેશન મળી રહ્યું છે. કોઈ પણ કામ કર્યા વગર પૈસા મળે છે. આવા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેઓ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે એવા પ્રયાસો કરવા જોઈએ. દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બેન્ચે એટર્ની જનરલને કેન્દ્ર પાસેથી વેરિફાઈ કરવા કહ્યું કે શહેરી ગરીબી નાબૂદી મિશનને અસરકારક બનવામાં કેટલો સમય લાગશે? આ કેસની સુનાવણી હવે છ અઠવાડિયાં પછી થશે. 2. LTના ચેરમેને શું નિવેદન આપ્યું?
લાર્સન એન્ડ ટુબ્રો (LT)ના ચેરમેન એસ.એન. સુબ્રહ્મણ્યન ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે થોડા દિવસો પહેલાં જ પોતાના કર્મચારીઓને 90 કલાક કામ કરવાની સલાહ આપી હતી. હવે તેમણે એવું નિવેદન આપ્યું છે કે દેશમાં કામદારોની અછત માટે સરકારની કલ્યાણકારી યોજનાઓને જવાબદાર ઠેરવી છે. ચેન્નઈમાં CII સમિટમાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને છૂટછાટોને કારણે બાંધકામ મજૂરોને કામ કરવામાં રસ નથી. એક ગ્રુપ તરીકે અમે કોઈપણ સમયે લગભગ 2.5 લાખ કર્મચારી અને 4 લાખ મજૂરને રોજગારી આપીએ છીએ, પણ હમણાં હમણાં મજૂરોની જાણે અછત થઈ ગઈ હોય એવો માહોલ છે. હકીકતમાં અછત નથી, પણ મજૂરોને કામ કરવું નથી. આની પાછળનું કારણ સમજાવતાં તેમણે વધુમાં કહ્યું હતું કે દુનિયાભરના કામદારો કામની તકો માટે સ્થળાંતર કરે છે. બીજા દેશમાં તો કામ માટે પડાપડી થાય છે, પણ ભારતમાં આવું જોવા મળતું નથી. મજૂરો જ કામ કરવા આગળ આવતા નથી. કન્સ્ટ્રક્શન માટે મજૂરોની સૌથી વધારે અછત છે અને આનું મોટું કારણ સરકારની મફત યોજનાઓ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મારી જ કંપનીની વાત કરું. LT પાસે કામદારોને ભેગા કરવા, ભરતી કરવા અને એનું સંચાલન કરવા માટે મોટી HR ટીમ છે, પણ તમામ પ્રયાસો છતાં કામદારો શોધવા અને તેમને કામ પર ટકાવી રાખવા એ આજે બહુ ચેલેન્જિંગ બની ગયું છે. 3. મહારાષ્ટ્રની લાડલી બહેન યોજના ગોથે ચડી
હરખ હરખમાં મહારાષ્ટ્રના એ સમયના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની બહેનો માટે લાડલી બહેન યોજનાની જાહેરાત કરી દીધી હતી અને એનો અમલ પણ શરૂ થઈ ગયો હતો. જાહેરાત એવી હતી કે જરૂરિયાતમંદ બહેનોને દર મહિને ખાતામાં સરકાર 1500 રૂપિયા આપશે. આપ્યા પણ ખરા. જ્યારે લાડલી બહેન યોજનાનો અમલ કરવાનું શરૂ થયું ત્યારે મહારાષ્ટ્ર સરકારને ખબર પડી કે આ યોજના તો સરકારી તિજોરી ખાલી કરવા લાગી છે. ડિસેમ્બર 2024માં 2.46 કરોડ મહિલાને માસિક 1500ની સહાય મળી. ગયા મંગળવારે કેબિનેટની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી અને આગામી બજેટસત્ર પછી આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં “આનંદચા સિદ્ધા” નામની બીજી યોજના પણ ચર્ચામાં છે. આ યોજના હેઠળ દિવાળી, ગણેશચતુર્થી, આંબેડકરજયંતી અને અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા સમારોહ જેવા પ્રસંગોએ ગરીબોને 100 રૂપિયામાં ઉત્સવની સ્વાદિષ્ટ વાનગીઓ સાથેની ફૂડ કિટ આપવામાં આવતી હતી. મહારાષ્ટ્ર સરકારે બંને યોજનાઓ પર 13 હજાર કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. મહારાષ્ટ્ર સરકારે જોયું કે આ તો પૈસા વપરાતા જાય છે એટલે એવું નક્કી કર્યું કે જે મહિલાઓ 65 વર્ષથી વધારે ઉંમરની છે તેમને લાડલી બહેન યોજનામાંથી કાઢો. બીજો નિર્ણય એ કર્યો કે જે મહિલાઓ સંજય ગાંધી નિરાધાર યોજનાનો લાભ મેળવે છે તેમને પણ લાડલી બહેન યોજનામાંથી કાઢો. આમ કરતાં કરતાં એક જ મહિનામાં 5 લાખ મહિલા લાડલી બહેન યોજનામાંથી બાકાત થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે લાડલી બહેન યોજના માટે 46 હજાર કરોડ રૂપિયા એક બાજુ રાખી મૂક્યા છે. જોવાનું એ છે કે ક્યાં સુધી આ યોજના ચાલશે. 4. ટ્રમ્પે ફંડ આપતી સંસ્થા USAID (યુસેઇડ) પ્રતિબંધ લાદી દીધો
અમેરિકામાં એક સંસ્થા છે. એનું નામ છે – USAID. એનું આખું નામ છે – યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ. આ સંસ્થા એ અમેરિકાની એક ફેડરલ એજન્સી છે, જે વૈશ્વિક સ્તરે વિકાસ માટે અને માનવતાવાદ માટે ફંડ આપે છે. એની રચના 1961માં થઈ હતી. USAIDએ પોતાનું ધ્યેય સ્પષ્ટ રીતે જાહેર કર્યું હતું કે વિકાસશીલ દેશોને આર્થિક રીતે મદદરૂપ થવું, જેથી એ દેશનો વિકાસ થાય. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત સત્તામાં આવતાંની સાથે જ USAID પર પ્રતિબંધ મૂકી દીધો છે, એટલે કે તે બીજા દેશોને ફંડ આપી શકે નહીં. આ USAID (યુસેઇડ) એટલા માટે વિવાદમાં આવી કે 2019માં આ સંસ્થાએ ભારતમાં લોકસભાની ચૂંટણીને ડિસ્ટર્બ કરવા ફંડ આપ્યું હતું. ખાસ કરીને મોદીવિરોધીને ફંડ આપ્યું હતું, જેથી ભાજપ હારી જાય. આ પ્રકારનો આક્ષેપ માઈક બેન્ઝે કર્યો છે. નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે જ માઈક બેન્ઝે સૂચક નિવેદન આપતાં ભારતમાં વિપક્ષોના કાન સરવા થયા છે. આમાં સવાલ એ છે કે માઈક બેન્ઝ છે કોણ અને તેમની વાતને કેમ ગંભીરતાથી લેવી જોઈએ? 2016થી 2020 દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે વિદેશ વિભાગમાં માઈક બેન્ઝ અધિકારી હતા. તેમણે 2020થી 2021 સુધી આંતરરાષ્ટ્રીય સંચાર અને માહિતી ટેક્નોલોજી માટે ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેઓ સાયબર અંગે અમેરિકાની નીતિ ઘડતા હતા અને અમેરિકાની જાયન્ટ ટેક કંપનીઓ સાથે નજીકથી કામ કરવાની જવાબદારી સંભાળતા હતા. સરકારી સેવા પહેલાં તેમણે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભાષણો લખ્યા હતા અને ટેક્નોલોજીની બાબતો પર સલાહ આપી હતી. માઈક બેન્ઝ લીક થયેલા દસ્તાવેજોનો અભ્યાસ કરતા અને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ પણ તૈયાર કરતા હતા. તેમના રિપોર્ટના કારણે તેઓ અમેરિકાના વ્હિસલબ્લોઅર ગણાવા લાગ્યા. તેમના રિપોર્ટના આધારે એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે USAID અને એનાં જેવાં સંગઠનો કથિત રીતે વિશ્વભરમાં તેમના ગુપ્ત એજન્ડાને કેવી રીતે ચલાવે છે. માઈક બેન્ઝે એવો દાવો કર્યો છે કે યુસેઇડે ભારત-બાંગ્લાદેશના આંતરિક મુદ્દાઓમાં દખલ કરવા માટે અનેક સાધનોનો ઉપયોગ કરવા ફંડ આપ્યું હતું. આમાં મીડિયા ઈન્ફ્લુઅન્સ, સોશિયલ મીડિયા સેન્સરશિપ અને વિપક્ષને ફંડ આપવાનો સમાવેશ થાય છે. આ યુએસ સરકારી એજન્સીએ મિસ ઈન્ફોર્મેશન પ્રોગ્રામને ફંડ આપ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ ફંડ ભાજપના રાષ્ટ્રવાદી અભિયાનોને દબાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. બેન્ઝે વધુમાં દાવો કર્યો હતો કે યુએસ સરકારની અંદર મોદીવિરોધી અભિયાનને વિદેશ વિભાગના ગ્રુપ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. ટ્રમ્પ વહીવટમાં આ ગ્રુપ સ્વતંત્ર રીતે કાર્યરત હતું. બેન્ઝ માને છે કે વિદેશ વિભાગમાં સ્થાપિત અમલદારશાહી તત્ત્વો, જેમાં સાયબર નીતિઓની દેખરેખ કરનારાઓનો પણ સમાવેશ થાય છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ ‘રેવડી ફંડ’ આપતા યુસેઇડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નજીકના ભવિષ્યમાં AI પણ વર્કફોર્સ ઘટાડશે
ફ્રાન્સના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટમાં હાજરી આપી હતી. મોદીએ હવે પછીની AI સમિટ ભારતમાં યોજવા પર મહોર લગાવી દીધી. પેરિસમાં AI સમિટને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે AI આ સદી માટે માનવતાનો કોડ લખી રહ્યું છે. એમાં દુનિયા બદલવાની તાકાત છે. સામાજિક સુરક્ષા માટે આ જરૂરી છે. આ દર્શાવે છે કે AIની સકારાત્મક સંભાવના અસાધારણ છે. AI લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. સમય સાથે, રોજગારનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. AIથી રોજગાર સંકટ પર ધ્યાન આપવું પડશે. ઇતિહાસ સાક્ષી છે કે ટેક્નોલોજી નોકરીઓ છીનવી લેતી નથી. AI નવી નોકરીઓની તકો ઊભી કરશે. ભારતે ઓછા ખર્ચે સફળતાપૂર્વક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ડેટા એમ્પાવરમેન્ટથી ડેટાની તાકાતને અનલોક કરી છે. આ દૃષ્ટિકોણ ભારતના રાષ્ટ્રીય AI મિશનનો પાયો છે.
આ સમિટમાં મોદીએ આડકતરો ઈશારો એ કરી દીધો કે આનાથી રોજગારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. દસ-વીસ વર્ષ પછીની કલ્પના કરીએ તો વર્કફોર્સની બહુ ઓછી જરૂર પડશે અને આ વિચાર જ વિચારતા કરી મૂકે એવો છે. છેલ્લે,
એવું કહેવાય છે કે મફતની કોઈ કિંમત હોતી નથી, પણ આપણે અત્યારે મફત માટે મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )