back to top
Homeગુજરાતઅંબાણીના ચોરવાડમાં વિકાસ, વાયદા અને વિશ્વાસની રાજનીતિ શરૂ:ભાજપનું રટણ- 'વિમલભાઈએ કંઇ નથી...

અંબાણીના ચોરવાડમાં વિકાસ, વાયદા અને વિશ્વાસની રાજનીતિ શરૂ:ભાજપનું રટણ- ‘વિમલભાઈએ કંઇ નથી કર્યું, રાજેશભાઇ ગ્રાન્ટો લાવ્યાં’; સ્થાનિકોએ કહ્યું- ‘અમારે અહીં રહેવું છે, એકેયની ટીકા કરાય નહીં’

જૂનાગઢ મહાનગરપાલિકા સાથે જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઇ રહી છે. જેમાં ચોરવાડ પાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. ચોરવાડ એટલે ઉદ્યોગપતિ સ્વ. ધીરૂભાઇ અંબાણી, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું વતન છે. અહીં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થુ શાસન છે. છ વોર્ડની ચૂંટણીમાં આ વખતે કુલ 24 ઉમેદવારો મેદાને છે. આ વખતે અહીં રાજેશ ચુડામસા અને વિમલ ચુડામસમા વચ્ચે ખરાખરીનો ખેલ છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી ચર્ચિચ ચોરવાડ પાલિકાની ચૂંટણીમાં કેવો માહોલ છે એ જાણવા દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે ચોરવાડની મુલાકાત લીધી હતી. અહીં લોકો વિકાસની ઝંખના સાથે વેદના વ્યક્ત કરી રહ્યા હતા. તો ઘણા લોકોએ થયેલા કાર્યોને સારા ગણાવી વિમલ ચુડાસમાને જસ આપ્યો હતો. પરંતુ આ વર્ષે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા આ બંને વચ્ચે પોતાના સ્વાભિમાનની લડાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજેશ ચુડાસમા એમ કહી રહ્યા છે કે, હું વિમલ ચુડાસમાને ચેલેન્જ આપુ છું કે મારા કાર્યકર્તાઓને હરાવીને બતાવે..જ્યારે વિમલ ચુડામસા કહી રહ્યા છે કે, રાજેશ ચુડાસમાએ વિકાસ કર્યો હોય તો એ મારી સામે અને એમના પત્ની મારી પત્ની સામે લડીને અને જીતીને બતાવે..તો આવો વિગતવાર જાણીએ ચોરવાડ પાલિકાનો ચિતાર… સૌથી પહેલાં જાણી લઇએ રાજેશ ચુડામસમા અને વિમલ ચુડાસમાનો મત ‘હું વિમલ ચુડાસમાને ચેલેન્જ આપું છું કે મારા કાર્યકર્તાને હરાવીને બતાવે’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપે અહીં જે 24 ઉમેદવારો ઉતાર્યા છે તે અલગ અલગ સમાજમાંથી છે. હવે લોકો અહીં પરિવર્તન ઇચ્છી રહ્યા છે અને આ વખતે પાલિકામાં ભાજપ જ જીતે છે. હું સાંસદ છું, મારે બંને જિલ્લાઓની જવાબદારી છે. હું વિમલ ચુડાસમાને ચેલેન્જ આપું છું કે મારા કાર્યકર્તાને હરાવીને બતાવે. મારા વતનને મારા વચન છે કે 10 વર્ષ કોંગ્રેસ પાલિકાનું શાસન રહ્યું છે, જેમાં માત્ર ખોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. એકપણ વાયદો પુરો નથી થયો. તમામ પાલિકાઓમાં રોડ-રસ્તા, લાઈટ, પાણી અને ગટરની ગ્રાન્ટો આવે છે. પરંતુ વિશેષ ગ્રાંટો ત્યારે જ આવે જ્યારે સત્તા પક્ષની પાલિકા હોય, તેનો વધુ ફાયદો લોકોને થાય છે. હું ત્રણ વખત સાંસદ અને એક વખત ધારાસભ્ય બન્યો ત્યારે ચોરવાડે મને ખોબલે ભરીને મત આપ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 વર્ષમાં હું એમનો વિશ્વાસ કેળવી ન શક્યો એનો હું સ્વીકાર કરૂ છું, પણ આ વખતે ચોરવાડના સપના ચોરવાડના લોકઓએ જોયા છે અને એ ઇચ્છે છે કે અમારા સપનાઓ પુરા થાય. ’35 વર્ષ તેમનું શાસન રહ્યું તેમાં લોકો ખૂબ હેરાન થયા’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ચોરવાડ પાલિકાની ચૂંટણીમાં આ વર્ષે મેં પણ ફોર્મ ભર્યું છે અને મારા ધર્મ પત્નીએ પણ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ પક્ષના 24 ઉમેદવારોએ અમારા આગેવાનો અને પ્રજાને પૂછીને જ ફોર્મ ભર્યા છે. અગાઉ 10 વર્ષ કોંગ્રેસે નગરપાલિકામાં શાસન કર્યું છે અને લોકોને અમારી કામગીરી ગમી છે. અગાઉ સાંસદના પરિવાર દ્વારા 35 વર્ષ તેમનું શાસન રહ્યું તેમાં લોકો ખૂબ હેરાન થયા હતા. તે સમયે બહેનોને પાણી માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. તે સમયે નગરપાલિકામાં કોઈ સુવિધા ન હતી. તે સમયે ચોરવાડની જનતાએ અમને તક આપી દસ વર્ષ સુધી લોકોના કામ કર્યા છે. અમે રસ્તાઓ બનાવ્યા, લાઈટો અને પાણીની તમામ સુવિધા લોકોને આપી છે. જો મારા વિકાસના કામો ગણાવા બેસું તો દિવસોના દિવસો નીકળી જાય. ‘રાજેશ ચુડાસમાએ વિકાસના કામો કર્યા હોય તો મારી સામે ફોર્મ ભરવું હતું ને?’
વિમલ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, સંસદ એવું કહેતા હોય કે ઘણા કામો કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા છે તો પરિવારના વડીલમાં આવડત હોય તો તેને ખ્યાલ હોય કે તેને બાળકને કેવી રીતે ભણાવવું છે. ચોરવાડનો મોભી એટલે નગરપાલિકાનો પ્રમુખ, સત્તા ગમે તેની હોય પરંતુ ઘરના મોભીની આવડત હોય તો એ પરિવાર સુખી અને સમૃદ્ધિ થાય. અહીં મત્સ્ય ઉદ્યોગ માટે મેં વિધાનસભામાં બેથી ત્રણ વાર ચોરવાડ માટે જેટી બંદરની માગણી કરી છે. જેથી અહીં માછીમારી વધી શકે અને લોકોને પણ સારી આવક થઈ શકે. તે માટે અવારવાર પ્રશ્ન કર્યો છે. અત્યારે અમારી સરકાર નથી અને ભાજપની સરકાર છે અને જો અમારી સરકાર હોય અને જેટી મંજૂર ના થાય તો વિમલ ચુડાસમાએ 24 કલાકમાં રાજીનામું આપી દીધું હોય. વિકાસ ગામના લોકોને પૂછો, અહીં એક એક શેરીમાં બ્લોક નાખવામાં આવ્યા છે. આ વર્ષે નગરપાલિકામાં કોંગ્રેસની 24 માંથી 24 સીટો મેળવી ચોરવાડમાં ઇતિહાસ રચવો છે. જો રાજેશભાઈ ચુડાસમાએ વિકાસના કામો કર્યા હોય તો મેં તેમને ચેલેન્જ કરી છે કે મારી સામે તમે અને મારી પત્ની સામે તમારા પત્નીએ ઉમેદવારી નોંધાવવી હતીને…? હવે જાણીએ ચોરવાડના મતદારોનો મત ‘પાલિકામાં અમને અડધૂત કરીને કાઢી મુકવામાં આવે છે’
ચોરવાડના બંદર વિસ્તારમાં રહેતાં ખારવા સમાજના પટેલ બાબુભાઇ ચોરવાડીએ આક્રોશ સાથે દિવ્ય ભાસ્કર આગળ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, અહીં 3000થી વધુ લોકો રહે છે. અમારો ધંધો દરિયાઈ માછીમારી સાથે જોડાયેલો છે. અમે ભાજપમાં મત આપીએ છીએ એટલે ચોરવાડ નગરપાલિકામાં અમારા કામો નથી થતાં. પાણી, રોડ-રસ્તા અને ગટરના કામો અહીંના સ્થાનિકો દ્વારા સ્વ ખર્ચે કરવામાં આવે છે, અમારા માટે માત્ર રાજેશભાઈ ચુડાસમા જ બધા કામો કરે છે. રાજેશ ચુડાસમા હોય કે વિમલ ચુડાસમા પણ અમે મત ભાજપને જ આપીએ છીએ. પાલિકમાં 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હોવાથી અમાને અડધૂત કરીને કાઢી નાંખવામાં આવે છે અને એવું સાંસદ રાજસ ચુડાસમા સરકારમાં 15 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે. ત્યારે માર્ચ પછીના મહિનામાં ખાતમુહૂર્ત કરી સરકાર દ્વારા 167 કરોડના ખર્ચે અહીં જેટી બંદર બનશે તેનો અમને વિશ્વાસ છે.. ‘ચોરવાડને ઘણુ મળ્યું છે અને ઘણુ નથી પણ મળ્યું’
ચોરવાડમાં દુકાન ધરાવતા રાજુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોરવાડમાં વિકાસની તો ઘણી જરૂર છે, પરંતુ અત્યાર સુધી કંઈ થયું નથી. ચોરવાડના લોકોને જોઈએ તે સુવિધા મળતી નથી. કોઈપણ આવે ચોરવાડની પ્રજા કામ ઝંખે, વિકાસ ઝંખે છે. સાંસદ હોય કે નગરપાલિકા પોત પોતાની ગ્રાન્ટ આવતી જ હોય છે પરંતુ જે જોઈએ તે કામ થતા નથી. આ વખતે નગરપાલિકામાં ખૂબ રસાકસી થશે. તો ચોરવાડના સ્થાનિક કેશવભાઇ જણાવે છે કે, વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બંને મારા વિદ્યાર્થીઓ છે, બંને મારી પાસે જ ભણતા હતા. મારાથી બંનેમાંથી એકેયની ટીકા કરાય નહીં કારણ કે મારે અહીં રહેવું છે. ચોરવાડને ઘણુ મળ્યું છે અને કોલેજ જેવું ઘણું નથી પણ મળ્યું. આ વખતની ચૂંટણી જંગ સારો જામ્યો છે. ‘અમારે કામ માટે છેક માળીયા હાટીના જવું પડે છે’
ચોરવાડના સ્થાનિક દેવેન્દ્રગર જણાવે છે કે, અહીં ચૂંટણીમાં જંગ સારો જામ્યો છે, પરંતુ જો વિકાસની વાત કરવામાં આવે તો અહીં સારી કોલેજ બને અને ખાસ ચોરવાડને તાલુકો બનાવવામાં આવે. કારણ કે અન્ય તાલુકા કરતા ચોરવાડ મોટું શહેર છે. ચોરવાડના લોકોને પોતાના કામ કરવા માટે માળિયા હાટીના જવું પડે છે કારણ કે તે તાલુકો છે. ચોરવાડે દેશ અને દુનિયાને ઘણા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા છે. જેમાં દેવેન્દ્ર શાહ, બાદશાહ મસાલા વાળા અને સ્વ. ધીરુભાઈ અંબાણી જેવા નામ જગ વિખ્યાત છે. સ્થાનિક લાખાભાઈ ડાભી જણાવે છે કે, પાંચ વર્ષમાં વિકાસ થયો અને ત્યારબાદ કામ થયા નથી. હજુ પણ વિકાસના ઘણા કાર્યો બાકી છે, કરે તો થાય. ચોરવાડને તાલુકો બનાવવું, જેટી બંદર બનાવવું, પ્રજાને લાઈટ પાણી અને રસ્તાની સુવિધા જોઈએ છીએ. આ વર્ષે નગરપાલિકામાં ભાજપ આવે તો સારું. હવે જાણીએ કોંગ્રેસના કાર્યકર્તાઓનો મત ‘સરકારમાંથી કામ કઢાવવાની વિમલભાઇની આવડત’
વિમલ ચુડાસમાના પ્રચારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જયકરભાઇ ચોટાઈએ જણાવ્યું હતું કે, વિમલભાઈમાના ચૂંટણી પ્રચારમાં આજે હું ચોરવાડમાં આવ્યો છું. 21 વર્ષની ઉંમરે વિમલ ચુડાસમાએ ચોરવાડ નગરપાલિકામાં ચૂંટાઈને રાજકારણમાં ઝંપલાવ્યું હતું. અત્યાર સુધી વિમલભાઈની કામગીરી જોઈ અમે તેમનાથી ખૂબ પ્રભાવિત થયા છીએ. ભાજપની સરકાર હોવા છતાં આ સરકારમાંથી કામ કેમ કઢાવવા તે આવડત વિમલભાઈ ચુડાસમા છે. આવી આવડત જશુભાઈ બારડ સિવાય અમે કોઈનામાં જોઈ ન હતી. વિમલભાઈ ચુડાસમાએ નગરપાલિકાના શાસનમાં 10 વર્ષ સુધી તેમને કરેલા કામો ચોરવાડની પ્રજા યાદ કરે છે અને એટલા માટે વિમલભાઈ ને જનતા ચાહે છે. ‘વિમલભાઇએ ચોરવાડને તમામ સુવિધા આપી છે’
કોંગ્રેસના કાર્યકર્તા પ્રતાપભાઇ જણાવે છે કે, અમારી ચોરવાની પ્રજા આ વિકાસના કામો જોઈને જ વિમલભાઈને આગળ લાવી મત આપી રહી છે. આજ દિન સુધી વિમલભાઈએ ઘણા વિકાસના કામો કર્યા છે તેટલા માટે પ્રજા તેમને ચાહે છે. કોંગ્રેસના પાંચાભાઇ ડાભીએ જણાવ્યું હતું કે, ચોરવાડમાં કામ ખૂબ જ સારા થયા છે. છેવાડા સુધી રોડ રસ્તા પાણીની સુવિધા વિમલભાઈએ પૂરી પાડી છે. આવનાર સમયમાં વિમલભાઈ હજુ પણ કામ કરશે અમને સંપૂર્ણ ભરોસો છે. હવે જાણીએ ભાજપના કાર્યકર્તાઓનો મત ‘જે કામ 10 વર્ષમાં ન થયા એ માત્ર દોઢ મહિનામાં થયા’
ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ જણાવ્યું હતું કે, ચોરવાડમાં 10 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું પરંતુ કોઈ કામ થયા નથી, કોંગ્રેસની સત્તામાં માત્ર ખોટા વાયદા કરવામાં આવ્યા છે. કોંગ્રેસે 2018માં નગરપાલિકાની ચૂંટણી ઢંઢેરામાં પોતાની પત્રિકા બહાર પાડી હતી તેમાંથી પણ કોઈ કામ કરવામાં આવ્યા નથી. જેથી લોકો હવે જાણી ગયા છે કે જે સરકાર કેન્દ્ર અને રાજ્યમાં હોય તેની સાથે જોડાયેલા રહેવું જોઈએ તો જ વિકાસના કામો અચૂકથી થાય. છેલ્લા દોઢ વર્ષથી નગરપાલિકામાં વહીવટી શાસન છે. ત્યારે જેટી બંદર પણ મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામ એક મહિનામાં શરૂ થઈ જશે. ચોરવાડના મુખ્ય રસ્તાઓ કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયા છે જેમાંથી એક રોડ બની પણ ગયો છે અને બીજો રસ્તો પણ ધીરુભાઈ અંબાણીના ઓડિટોરિયમથી ચોરવાડ હોલીડે કેમ્પ સુધી બનવા જઈ રહ્યો છે. લોકોને છેલ્લા દસ વર્ષમાં જે રસ્તાઓ નથી બન્યા તે માત્ર દોઢ મહિનાના વહીવટી શાસનમાં રાજેશભાઈ ચુડાસમાની આગેવાનીમાં મળ્યા છે. ‘વિમલ ચુડાસમાએ કંઇ નવું નથી કર્યું, રાજેશભાઇએ ગ્રાન્ટો લાવી’
ભાજપના અગ્રણી મહેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપની જ જીત છે. કારણ કે અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સરકાર પાસેથી ગ્રાન્ટો લાવી નેશનલ લેવલના વિકાસના કાર્યો કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ચોરવાડમાં બંદરની માંગ હતી તે પૂર્ણ થવા જઈ રહી છે. લોકોનું હોલીડે કેમ્પનું જે સપનું હતું તે પણ સાકાર થવા જઈ રહ્યું છે. તેમજ રોડ રસ્તા પાણી તમામ વ્યવસ્થા ભાજપના શાસનમાં આ કામો રાજેશભાઈ ચુડાસમા લઈને આવ્યા છીએ. વિમલભાઈ ચુડાસમાએ કોંગ્રેસમાં છેલ્લા જે વર્ષોમાં કામગીરી કરી છે તે સરકારના રાબેતા મુજબના કામો કર્યા છે કોઈ નવી કામગીરી કરી નથી જેથી કરીને લોકો તેનાથી પ્રભાવિત થાય. ‘વિકાસના તમામ કામ ભાજપના સમયમાં પૂર્ણ થશે’
ભાજપના કાર્યકર્તા ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે લોકોમાં ખૂબ જ સારો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે ચોરવાડમાં જે કોંગ્રેસની નગરપાલિકા હતી ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ છે. ત્યારે અહીં પણ નગરપાલિકા પણ ભાજપની હોય. જેથી કરી વિકાસ ઝડપી થઈ શકે, ચોરવાડને તાલુકો બનાવવું, જેટી બંદર બનાવવું સપનું પુરુ થાય. તેમજ જે નેશનલાઈઝ રોડના કામ અને શિક્ષણને લગતા તમામ કામો આગામી સમયમાં ભાજપ દ્વારા જ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments