અમેરિકામાં 9મી ફેબ્રુઆરી, 2025 એ ફૂટબોલની રમત જે હવે સુપર બોલના નામે વધુ ઓળખાય છે એ રંગે ચંગે પતી.’ફિલાડેલ્ફિયા ઇગલ્સ’ નામની ટીમ એ રમત જીતી જેના શોકમાંથી અમેરિકન્સ હજુ બહાર નથી આવ્યા કારણ કે, આ અંડરડોગ તરીકે ઓળખાતી ટીમે, 2024ના વિજેતા ‘કેન્સાસ સિટી ચીફ્સ’ જે એક ખૂબ મજબૂત ટીમ માનવામાં આવે છે તેને ખૂબ ખરાબ રીતે હરાવી. અમેરિકામાં જે કંઇ થાય કે અમેરિકા જે કંઇ કરે એની અસર આખા વિશ્વ પર પડતી હોય છે અને માટે જ દર વર્ષે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં રમાતી આ ફૂટબોલની ગેમ પર આખા વિશ્વની નજર હોય છે અને એના વિશે હવે દુનિયાના દરેક રમતપ્રેમી જાણે છે એટલે એની ટેકનિકલ વાતોમાં ન પડીએ પણ એના વિશે અને એના લીધે જે રેકોર્ડસ સર્જાય છે અને એની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે આજે વાત કરીએ. વિજેતાને વિન્સ લોમ્બાર્ડી ટ્રોફી મળે છે
1966 થી નેશનલ ફૂટબોલ લીગની અંતિમ રમત તરીકે રમાતો સુપર બોલ એ યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ ફૂટબોલ લીગની વાર્ષિક લીગ ચેમ્પિયનશિપ ગેમ છે. વિજેતા ટીમોને વિન્સ લોમ્બાર્ડી ટ્રોફી એનાયત કરવામાં આવે છે, જેનું નામ પેકર્સ કોચના નામ પરથી આપવામાં આવે છે જેમણે પ્રથમ બે સુપર બોલ જીત્યા હતા. 15 જાન્યુઆરી, 1967ના રોજ પ્રથમ સુપર બોલમાં, ગ્રીન બે પેકર્સે કેન્સાસ સિટી ચીફ્સને લોસ એન્જલસ મેમોરિયલ કોલિઝિયમ ખાતે હરાવ્યા હતા. અને ત્યારે 60 મિલિયન લોકોએ પ્રથમ પ્રસારણ માટે ટ્યૂન કર્યું હતું, જે સંખ્યા આજે 100 મિલિયનની નજીક છે! સુપર બોલ પાર્ટીની બોલબાલા
આ રમતનું ફલક વિસ્તરતું જ જાય છે અને અમેરિકન્સ અને અમેરિકામાં વસતી બીજી કેટલીય રેસની જેમ આપણા દેશીઓમાં પણ આ સુપર બોલ ગેમ અને સુપર બોલ પાર્ટી લોકપ્રિય છે કારણ કે આ એક મોટામાં મોટી ફૂડ પાર્ટી પણ છે! જો તમે રમતગમતના ચાહક ન હોવ તો પણ, સુપર બોલ પાર્ટીઓ પર ફૂડ બહુ સારું મળે છે. અમેરિકનો રેકોર્ડબ્રેક 1.4 બિલિયન ચિકન વિંગ્સ ખાશે
એક લોકવાયકા પ્રમાણે અમેરિકનો સુપર બોલ સપ્તાહના અંતે રેકોર્ડબ્રેક 1.4 બિલિયન ચિકન વિંગ્સ (એક જાતનું નોન વેજ ખાણું) ખાશે. અને આપણાં ખાવા પીવાના વેજીટેરિયન ગુજ્જુઓ ચિકનના બદલે ઢોકળાં, સમોસાની જ્યાફત ઉડાવશે. સૌથી વધુ બિયર અને બીજા પીણાં પીવાશે એ છોગામાં! 30 સેકન્ડની જાહેરાતના 7 મિલિયન ડોલર
સુપર બોલની બીજી એક રસપ્રદ અને લોકપ્રિય વાત છે રમતના બ્રોડકાસ્ટ દરમિયાન પ્રસારિત થતી એડવેર્ટાઇઝમેન્ટ્સ. જે ખાસ આ રમત માટે બનાવવામાં આવે છે. આ વર્ષ મુજબ, 30 સેકન્ડની સુપર બોલ જાહેરાતની કિંમત ઓછામાં ઓછી 7 મિલિયન ડોલર છે. તેની સરખામણીમાં, 1967માં પ્રથમ ગેમની જાહેરાતો લગભગ 40,000 ડોલરમાં આવી હતી. આ કોમર્શિયલ ખૂબ ખર્ચાળ છે કારણ કે રમતો અત્યંત ઊંચી વ્યુઅરશિપ મેળવે છે, કારણ કે આ વ્યુઅરશીપને પગલે કંપનીઝ ખૂબ ઊંચી રેવન્યુ મેળવે છે. ભારત-પાક મેચની ટિકિટના ભાવ તો કંઇ ન કહેવાય
ભારત પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડ કપ વખતે જે ટિકિટના ભાવ હોય એ તો સુપર બોલની ફાઇનલ ગેમના ભાવ આગળ બાળક કહેવાય. 2020 માં સુપર બોલ LIVE માટેની ટિકિટની કિંમત 4,220 ડોલર અને 60,000 ડોલરની વચ્ચે હતી અને તેમાં રમતમાં જવાનો ખર્ચ અને રહેવાની સગવડનો પણ સમાવેશ થતો નથી. ઇન્ટરવલમાં ટોચના કલાકારો પરફોર્મ કરે છે
જે લોકોને રમત ગમે કે ખાસ કરીને આ સુપર બોલમાં રસ નથી હોતો એ લોકો માટે પણ સુપર બોલ જોવાનું એકમાત્ર આકર્ષણ હોય છે ‘હાફ ટાઇમ શો’! આ રમત દરમિયાન જે ઇન્ટરવલ પડે ત્યારે અમેરિકાના મોટામાં મોટા અને સૌથી લોકપ્રિય સંગીત અને નૃત્ય સાથે જોડાયેલા કલાકારો હાફ ટાઇમમાં લાઇવ પરફોર્મ કરતા હોય છે અને નવાઇની વાત એ છે કે એના માટે, એ લોકો એક ડોલર પણ નથી લેતા! જેનિફર લોપેઝ, શકીરા, રિહાના, જસ્ટિન ટીમ્બરલેક, ત્રેવીસ સ્કોટ, ઉષર જેવા કલાકારો જેમની ફી કરોડો ડોલરમાં હોય છે એ લોકો પણ સુપર બોલમાં પરફોર્મ કરવા મળે એને લોકપ્રિયતાની ચરમસીમા ગણે છે! એક દિવસ પૂરતી રમત અને લાંબા સમય સુધી ચર્ચા
આવી તો અનેક રસપ્રદ કહાણીઓ અને અને હકીકતો ફૂટબોલની આ રમત નામે સુપર બોલ સાથે જોડાયેલી છે, પણ સૌથી મોટી હકીકત એ છે કે ફેબ્રુઆરીમાં એક દિવસ પૂરતી આ રમત, અમેરિકન્સને ઘેનમાં રાખે છે અને તેની અસર ઘરો અને ઓફિસોમાં ચર્ચાઓ થકી ચાલુ જ રહે છે.