અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સાઇબર ફ્રોડ કરતી એક ગેંગના 11 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. આ ગેંગના સભ્યો રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા. અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અલગ અલગ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આવી રીતે 26 બેંકમાં ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટ સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઈનીઝ ગેંગને આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ગેંગ પાસેથી પોલીસને મોટા પ્રમાણમાં એટીએમ કાર્ડ, ચેક બુક સહિતની વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત સ્વદેશી બનાવટની બંદૂક અને કારતૂસ પણ મળી આવ્યા છે. સાઈબર ક્રાઈમ માટે ચાઈનીઝ ગેંગને કાર્ડ આપતા
આરોપીઓ અમદાવાદના સરનામા પર અમદાવાદ અને મહારાષ્ટ્રના અલગ અલગ બેંકમાં બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. જે બેન્ક એકાઉન્ટ સાઇબર ફ્રોડમા વાપરવામાં આવતા હતા. તેમજ આ બેન્ક એકાઉન્ટને ચાઈનીઝ ગેંગને ભાડે આપવામાં આવતા હતા. સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડયો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા હતા. ઉપરોક્ત મકાનમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ, 10 ડુપ્લીકેટ આધાર કાર્ડ અને 10 ઓરીજીનલ આધારકાર્ડ, 12 પાનકાર્ડ, 21 ચેકબુક, 10 પાસબુક, 15 સીમકાર્ડ તેમજ 43 એટીએમ, 1 ભાડાકરાર પણ મળી આવ્યા હતા. આરોપી રાકેશ બિશનોઈ પાસેથી એક પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. રાજસ્થાનના લોકોએ અમદાવાદમાં આવી ખોટી રીતે એકાઉન્ટ ખોલાવ્યા
મકાનમાં રહેતા સુરેશ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે મકાનમાં રહેનારા તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારોમાંથી અમદાવાદ આવ્યા છે અને તમામ લોકો દ્વારા અમદાવાદની અલગ અલગ બેન્કોમાં બેંક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક અને ચેકબુક મુખ્ય વ્યક્તિ સુરેશ બીશનોઈ આપવાની હતી. જેથી પોલીસે સુરેશ બિશ્નોઈની વધુ તપાસ કરતા સામે આવ્યું કે, સુરેશ બિશ્નોઈ દ્વારા આ તમામ બેન્ક એકાઉન્ટ જોધપુરના સુનીલ ધિરાણી નામના વ્યક્તિને આપવાની હતી. ગેંગ દ્વારા 21 રાજ્યોમાં એકાઉન્ટ ભાડે આપ્યા
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપીઓ ત્રણથી ચાર મહિનાથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા હતા. જે બાદ અન્ય લોકોને રાજસ્થાનથી અમદાવાદ બોલાવી તેમના તમામના આધારકાર્ડમાં અમદાવાદનું એડ્રેસ સાથે નવું આધાર કાર્ડ બનાવતા હતા, જેના દ્વારા તે અલગ અલગ બેન્કોમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. જે બેન્ક એકાઉન્ટ ચાઈનીઝ ગેંગને ભાડેથી આપવામાં આવતા હતા. આરોપીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા મોબાઈલના ટેક્નિકલ એનાલિસિસને આધારે સામે આવ્યું કે, આરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં તેમણે એકાઉન્ટ ભાડે આપ્યા છે, જેને લઈને તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઓનલાઈન 109 જેટલી ફરિયાદો પણ મળી ચૂકી છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ એડ્રેસ બદલી ખાતા ખોલાવ્યા
જોકે પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગમાં અન્ય સાત જેટલા સભ્યો સામેલ છે, તેમજ મુખ્ય આરોપી રાકેશ બિશ્નોઇ પાસેથી જે હથિયાર મળી આવ્યું છે તે મધ્યપ્રદેશના ખરગોન ખાતેથી લઈને અમદાવાદ પહોંચ્યો હતો. જેની સાથે હુકમરામ બિશ્નોઇ પણ સંકળાયેલો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ ત્રણ વખત મધ્યપ્રદેશથી હથિયાર લઈ અમદાવાદ આવ્યા હતા અને રાજસ્થાનમાં હત્યા કેસમાં સંડોવાયેલા જેપી નામના વ્યક્તિને હથિયાર આપવા આવ્યા હતા. આ ગેંગ દ્વારા જે રીતે રાજસ્થાનથી અમદાવાદ પહોંચી એક જ મકાનના ભાડા કરાર પર પોતાના એડ્રેસ બદલાવી બેંકમાં એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ જઈને એડ્રેસ બદલી ત્યાં પણ બેન્ક એકાઉન્ટ ખોલાવી રહી છે. જેથી પોલીસ હવે તપાસ કરી રહી છે કે કોઈપણ આધાર પુરાવા વગર આધારકાર્ડમાં સરળતાથી કઈ રીતે એડ્રેસ બદલાઈ રહ્યા છે. આ સમગ્ર કેસમાં આધારકાર્ડ ને લગતી કામગીરી કરતું કોઈ વ્યક્તિ સામેલ હોવાની પોલીસને શક્યતા દેખાઈ રહી છે.