એક્સપ્રેસ હાઇવે પર 9 ફેબ્રુઆરીએ એક કારમાંથી 5 વર્ષના બાળકને ઉતારી દેવાયો હતો. બાળક ત્રુટક ત્રુટક ભાષામાં તેનું નામ કન્હૈયા બોલતો હતો. મૂળ અમદાવાદનો હતો પણ ક્યાં રહેતો હતો એ ખબર ન હતી. તેનો ફોટો સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો. નડિયાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને ફોટો મળ્યો. જોતા જ તેમને થયું આંખ બહુ જાણીતી છે. અચાનક તેમને યાદ આવ્યું કે, બે વર્ષ પહેલા નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં લવાયેલી એક દીકરીની આંખ અને આ બાળકની આંખ સરખી છે. ફાઇલ શોધી તેમણે બંને ફોટા સરખાવ્યા. વીડિયો કોલ પર બંને બાળકો વચ્ચે વાત કરાવી. ચહેરો જોતાં જ અનાથ આશ્રમમાં રહેતી દીકરી ‘કન્હૈયા’ બોલી ઉઠી અને છોકરો પણ તેને જોઈ રાજી થયો.બંને સગાભાઈ બહેન નીકળ્યા. હવે તેમની માતાની હત્યા કોણે કરી તે શોધવાનું બાકી હતું. પોલીસે તપાસ કરી અમદાવાદ સોનીની ચાલમાં રહેતા ઉદય વર્માને ઝડપી લીધો. તેણે જ બાળકોની માતાની હત્યા કરી હતી. ફોટો જોતાં બે વર્ષ જૂની તસવીર યાદ આવી ગઈ
2022માં મહિલાના મૃતદેહ પાસેથી મળેલી છોકરીની આંખોની તસવીર મને યાદ હતી. અઠવાડિયા અગાઉ વાસદ પાસે તરછોડાયેલું બાળક મળ્યું. તેની આંખો જોઈ મારી નજર સામે બે વર્ષ અગાઉ જોયેલી દીકરીની આંખો યાદ આવી. અમે અનાથ આશ્રમમાં પહોંચ્યા અને વીડિયો કોલમાં ભાઈ-બહેને એકબીજાને ઓળખી બતાવ્યા. > પ્રદીપસિંહ, હેડ કોન્સ્ટેબલ