જૂનાગઢના કાળવા ચોક ખાતે કોંગ્રેસની જાહેર સભામાં મહાનગરપાલિકા કોંગ્રેસ ચૂંટણી નિરીક્ષક પુંજાભાઈ વંશે પોલીસ અને વહીવટી તંત્રને આકરી ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ભાજપની ચાપલુસી કરવામાં કે એજન્ટ તરીકે કામ કરવામાં રસ હોય તો, તેઓ વર્દી ઉતારીને રાજીનામું આપી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડી શકે છે. પુંજા વંશે વધુમાં ઉમેર્યું કે અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુંડાગીરી પોલીસની ભાગીદારી વિના શક્ય નથી. તેમણે પોલીસ તંત્રને ચેતવણી આપતા કહ્યું કે ભૂતકાળમાં ઘણા લોકો જેલમાં ગયા છે અને વર્દીના પટ્ટા ઉતરતા વાર નથી લાગતી, તેથી આ બાબત ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. આગામી 16મી તારીખે યોજાનારી ચૂંટણી સુધી લોકો નિર્ભયપણે અને પારદર્શક રીતે મતદાન કરી શકે તે માટે તેમણે કલેકટર અને વહીવટી તંત્રને અપીલ કરી હતી. તેમણે વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો તેઓ ભાજપ સાથે કામ કરવા માંગતા હોય તો રેડ પાડવા માટે ઘણા સ્થળો છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં તટસ્થ રહેવું જરૂરી છે.