ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની સરખામણી કરી છે. તેણે કહ્યું કે બોલિવૂડ ફિલ્મ મેકર્સ ‘પુષ્પા 2’ જેવી ફિલ્મો ક્યારે બનાવી શકતા નથી કારણ કે તેમની પાસે આવા વિચારો જ નથી. પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રી ફિલ્મો હંમેશા દર્શકોને તેમની અનોખી વાર્તા અને સાંસ્કૃતિક શૈલીને કારણે પસંદ આવે છે જે બોલિવૂડથી તદ્દન અલગ છે. પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન રામ ગોપાલ વર્માએ કહ્યું કે બોલિવૂડના ડિરેક્ટરો ‘પુષ્પા 2’ જેવી ફિલ્મો ક્યારેય બનાવી શકતા નથી. એવું નથી કે તે સક્ષમ નથી, પરંતુ તેમની વિચારસરણી અલગ છે. વાસ્તવિક તફાવત ફિલ્મ મેકરના વિચારમાં છે, દર્શકોની પસંદગીમાં નહીં, કારણ કે પહેલા હિન્દી સિનેમા મસાલા ફિલ્મો પર આધારિત હતું જેમ કે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં જોવા મળે છે. રામ ગોપાલ વર્માએ કહ્યું, હું અમિતાભ બચ્ચનના યુગ એટલે કે 70 અને 80 ના દાયકાની વાત કરી રહ્યો છું. તે સમયે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિન્દી ફિલ્મોની રિમેક બનાવતી હતી. રજનીકાંત બચ્ચનની ફિલ્મોની રિમેક બનાવતા હતા. ચિરંજીવી અને NTR જેવા સ્ટાર્સ પણ આવું જ કરી રહ્યા હતા. પણ સાઉથે હિન્દી સિનેમાની સ્કિલ શીખી લીધી. થોડા સમય પછી, મ્યૂઝિક કંપનીઓ આવી અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર લાવ્યા. આ કંપનીઓએ પોતાના ગીતોને ફિલ્મોમાં મૂકવા માટે પૈસા આપવાનું શરૂ કર્યું. આની અસર એ થઈ કે એક્શન ફિલ્મોની સંખ્યા ઓછી થવા લાગી અને તે જ સમયે, અમિતાભ બચ્ચને લગભગ પાંચ વર્ષનો લાંબો વિરામ લીધો. આ ઈન્ડસ્ટ્રી ‘મૈંને પ્યાર કિયા’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી સંગીતમય ફિલ્મો તરફ આગળ વધવા લાગી અને બોલિવૂડ તેની મસાલા ફિલ્મો ભૂલી જવા લાગ્યું. પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રી ક્યારેય બદલાણી નહીં. તેણે એક્શન અને સામૂહિક મનોરંજક ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું. રામ ગોપાલ વર્માએ કહ્યું, ‘લગભગ 15-20 વર્ષ પહેલાં, બોલિવૂડમાં નવા ડિરેક્ટરો આવ્યા, જે વધુ શહેરી અને પશ્ચિમી વિચારધારા ધરાવતા હતા. તેઓ અંગ્રેજી બોલતા હતા અને બાંદ્રા જેવા વિસ્તારોમાં રહેતા હતા. તેમનો વિચાર ખૂબ જ અલગ હતો. જ્યારે સાઉથના ઘણા ડિરેક્ટરો હજુ પણ તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. તાજેતરમાં એક નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી
રામ ગોપાલ વર્માએ તાજેતરમાં જ તેમની નવી ફિલ્મ ‘સિન્ડિકેટ’ની જાહેરાત કરી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ વિશે માહિતી આપી હતી.