કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસા (3 મે, 2023)ને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે. આ કારણે બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ઘણું દબાણ હતું. વિપક્ષી પક્ષો પણ આ મુદ્દા પર NDA પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા. ITLFએ કહ્યું- અમારી માગ અલગ વહીવટની
કુકી સમુદાયના ITLF સંગઠનના પ્રવક્તા ગિન્જા વૂલજોંગે જણાવ્યું હતું કે, બિરેન સિંહે મણિપુર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં હારના ડરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી, જેની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. આવી સ્થિતિમાં, ભાજપ માટે પણ તેમને બચાવવા મુશ્કેલ લાગે છે. બિરેન સિંહ મુખ્યમંત્રી રહે કે ન રહે, અમારી માગ અલગ વહીવટની છે. મૈતેઈ સમુદાયે અમને અલગ કરી દીધા છે. હવે આપણે પીછેહઠ કરી શકીએ નહીં. ઘણું લોહી વહી ગયું છે. ફક્ત રાજકીય ઉકેલ જ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. કુકી સમુદાય હજુ પણ અલગ વહીવટની માગ પર અડગ છે. રાહુલે કહ્યું- પીએમએ તાત્કાલિક મણિપુર જવું જોઈએ
એન બિરેન સિંહના રાજીનામા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હિંસા, જાનમાલના નુકસાન છતાં, પીએમ મોદીએ એન બિરેન સિંહને પદ પર જાળવી રાખ્યા છે, પરંતુ હવે લોકોના વધતા દબાણ, સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ અને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે એન બિરેન સિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી. X પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી અને મણિપુરના લોકોના ઘાને મટાડવાનું કામ કરવું. પીએમ મોદીએ તાત્કાલિક મણિપુરની મુલાકાત લેવી જોઈએ, ત્યાંના લોકોની વાત સાંભળવી જોઈએ અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે તેમણે શું યોજનાઓ બનાવી છે તે જણાવવું જોઈએ. હિંસા પર બિરેન સિંહે કહ્યું હતું- મને માફ કરો
ડિસેમ્બર 2024માં મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યમાં થયેલી હિંસા અને તેમાં થયેલા જાનહાનિ બદલ માફી માંગી હતી. બિરેન સિંહે કહ્યું હતું કે, આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. મને આ વાતનું ખૂબ દુઃખ છે. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માગું છું. સીએમ બિરેન સિંહે સચિવાલયમાં મીડિયા સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે, ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. હું ખરેખર દિલગીર છે. હું માફી માંગવા માગું છું. મણિપુરમાં 3 મે 2023થી કુકી-મેઈતેઈ સમુદાય વચ્ચે હિંસા ચાલુ છે. મેઇતેઈ-કુકી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળ્યાને 600 થી વધુ દિવસ વીતી ગયા છે. બિરેને સિંહે કહ્યું, ‘મણિપુરમાં મે 2023થી ઓક્ટોબર 2023 દરમિયાન ગોળીબારની 408 ઘટનાઓ નોંધાઈ હતી. નવેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી 345 ઇવેન્ટ્સ હતી. મે 2024થી અત્યાર સુધીમાં 112 ઘટનાઓ નોંધાઈ છે. જોકે, ગયા મહિનાથી રાજ્યમાં શાંતિ છે. હિંસાની કોઈ ઘટના બની ન હતી. છૂટાછવાયા દેખાવો માટે પણ લોકો રસ્તા પર ઉતર્યા ન હતા. સરકારી કચેરીઓ દરરોજ ખુલી રહી છે અને શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે. લીક થયેલી ઓડિયો ક્લિપમાં, મુખ્યમંત્રી પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
3 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા કેસની સુનાવણી કરી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટ (KOHUR) વતી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કેટલીક ઓડિયો ક્લિપ્સની તપાસની માગ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓડિયોમાં મુખ્યમંત્રી કથિત રીતે કહી રહ્યા છે કે તેમણે મૈતેઈઓને હિંસા ભડકાવવા દીધી અને તેમને રક્ષણ આપ્યું. અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, જે ક્લિપ બહાર આવી છે તે ખૂબ જ ગંભીર છે. આના પર, CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેંચે મણિપુર સરકારને ખાતરી કરવા કહ્યું કે, આ બીજો મુદ્દો ન બને. આ અંગે સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ (CFSL) પાસેથી 6 અઠવાડિયાની અંદર સીલબંધ પરબિડીયુંમાં રિપોર્ટ માંગ્યો છે.