બજેટ સત્રના પહેલા તબક્કાના છેલ્લા દિવસે વક્ફ સુધારા બિલ પર JPC રિપોર્ટ રજૂ કરવા પર સંસદમાં હોબાળો થયો. રાજ્યસભામાં તે ભાજપના સાંસદ મેધા કુલકર્ણી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે લોકસભામાં તે JPCના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે રજૂ કર્યું હતું. બંને ગૃહોમાં વિપક્ષે આ અંગે વાંધો ઉઠાવ્યો. તેમનો આરોપ છે કે JPC રિપોર્ટમાં તેમની અસહમતિઓ કાઢી નાખવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આ JPC રિપોર્ટ ખોટો છે.’ આમાં વિપક્ષની અસહમતિઓને ડિલીટ કરી નાખવામાં આવી છે. આ ગેરબંધારણીય છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું, ‘અમે અમારો પક્ષ રજૂ કર્યો. કોઈ તેની સાથે સહમત અથવા અસંમત થઈ શકે છે, પણ કોઈ તેને કચરાપેટીમાં કેવી રીતે ફેંકી શકે? આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘કેટલાક વિપક્ષી સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો કે તેમનો અભિપ્રાય તેમાં સામેલ નથી.’ હું કહેવા માંગુ છું કે વિપક્ષી સભ્યો સંસદીય પ્રક્રિયા મુજબ જે ઇચ્છે તે ઉમેરી શકે છે. તેમના પક્ષને આ સામે કોઈ વાંધો નથી. જાણો રિપોર્ટ પર ક્યાં અને કેવી રીતે પ્રશ્નો ઉઠ્યા… 2 ફેબ્રુઆરી: કોંગ્રેસના સાંસદનો દાવો- રિપોર્ટના કેટલાક ભાગો ડિલીટ કરવામાં આવ્યા કર્ણાટકના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસૈને 2 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા X પર પોતાની અસંમતિ નોંધ અને ફાઇનલ રિપોર્ટના કેટલાક પાના શેર કર્યા હતા. તેમણે લખ્યું- વકફ (સુધારા) બિલ 2024 પર JPCના સભ્ય તરીકે મેં બિલનો વિરોધ કરતી એક અસંમતિ નોંધ રજૂ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે મારી અસંમતિ નોંધના કેટલાક ભાગો મારી જાણ વગર એડિટ કરવામાં આવ્યા છે. JPC પહેલેથી જ એક મજાક બની ગઈ હતી, પરંતુ હવે તે તેનાથી પણ નીચે ઉતરી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું સરકારનો દાવો છે કે હાલના આવકવેરા કાયદા-1961ને સરળ બનાવીને, તે આવકવેરા કાયદાને સામાન્ય માણસ માટે સમજી શકાય તેવો બનાવશે અને તેનાથી સંબંધિત કેસોમાં ઘટાડો કરશે. નવું આવકવેરા બિલ હાલના આવકવેરા-1961 કરતા કદમાં નાનું છે. જોકે કલમ અને શિડ્યુલ વધારે છે. 622 પાનાના નવા બિલમાં 23 ચેપ્ટરમાં 536 કમલો છે અને 16 શિડ્યુલ છે, જ્યારે હાલના આવકવેરા કાયદામાં 298 કલમો, 14 શિડ્યુલ છે અને તેના 880થી વધુ પેજ છે.