કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4ની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડોર-ટુ-ડોર પ્રચાર, ખાટલા બેઠક અને રીક્ષા દ્વારા પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. મતદારોએ વિવિધ મુદ્દાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી દબાણો હટાવવાના કારણે અનેક નાના વેપારીઓ બેરોજગાર બન્યા છે. વિસ્તારમાં સફાઈની સમસ્યા, વિકાસ કામોમાં યોગ્ય ગ્રાન્ટની ફાળવણી ન થવી જેવા મુદ્દાઓએ મતદારોનો રોષ વધાર્યો છે. ખાસ કરીને રેલવે પૂર્વ વિસ્તારના કેટલાક દબાણો ન હટાવવામાં આવતા બેવડા ધોરણની નીતિનો આક્ષેપ પણ મતદારો કરી રહ્યા છે. તમામ ઉમેદવારોએ ચૂંટાયા બાદ આ સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી છે. 16 ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન અને 18 ફેબ્રુઆરીએ આવનાર પરિણામો સ્પષ્ટ કરશે કે મતદારો કયા ઉમેદવારને આ સમસ્યાઓના સમાધાન માટે યોગ્ય માને છે. સ્થાનિક સમસ્યાઓના નિરાકરણની આશા સાથે મતદારો મતદાન કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.