ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થવા જઈ રહી છે. આમાં આઠ દેશો ભાગ લેશે. આ સીઝનના ચેમ્પિયનને 19.46 કરોડ રૂપિયા (2.24 મિલિયન યુએસ ડોલર) અને રનર-અપને 9.72 કરોડ રૂપિયા (1.12 મિલિયન યુએસ ડોલર) મળશે. તે જ સમયે, સેમિફાઈનલમાં હારનારી બંને ટીમને આશરે 4.86 કરોડ રૂપિયા આપવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીની કુલ ઈનામી રકમ 59.93 કરોડ રૂપિયા છે, જે 2017માં યોજાયેલી પાછલી ચેમ્પિયન્સ ટ્રોફી કરતાં 53% વધુ છે. 2017 માટે કુલ ઈનામી રકમ 28.88 કરોડ રૂપિયા હતી. ફાઈનલ 9 માર્ચે રમાશે
હાઇબ્રિડ મોડેલમાં યોજાનારી આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. 19 દિવસમાં 15 મેચ રમાશે. બીજા સેમિફાઈનલ અને ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રૂપ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. ભારત તેની બધી મેચ દુબઈમાં રમશે, ટીમના ગ્રુપમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ પણ શામેલ છે. એક સેમિફાઈનલ દુબઈમાં પણ રમાશે. જો ભારત ફાઈનલમાં પહોંચે છે, તો આ મેચ પણ દુબઈમાં જ રમાશે. જ્યારે ટુર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ પછી યોજાઈ રહી છે, છેલ્લી વખત 2017માં પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારત બાંગ્લાદેશ સામે અભિયાન શરૂ કરશે
ભારત ગ્રૂપ-Aમાં છે. ટીમના ગ્રૂપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ગ્રૂપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન છે. 4 અને 5 માર્ચે બે સેમિફાઈનલ રમાશે, જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે.