દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરવામાં આવ્યો છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ અને નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ, દાહોદનો સહયોગ રહ્યો છે. 14થી 16 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય રમતોત્સવમાં અસ્થિ વિષયક ખામી ધરાવતા, પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય કિશોરીએ જણાવ્યું કે દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન અને મનોબળ વધારવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે દાહોદના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પણ સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી શકે છે. કાર્યક્રમ દરમિયાન લીમખેડા તાલુકાના પાલ્લી ગામની પિંકલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જે ઇટાલી ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની છે. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી.રાઠોડ, જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા, સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટ, બ્લાઈન્ડ વેલફેર સંસ્થાના પ્રમુખ યુસુફ કાપડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.