સુરતના ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવાડ બેઠકની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગંગાબેન વસાવાના સમર્થનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ જોરદાર પ્રચાર કર્યો હતો. ધાણાવાડ ગામે યોજાયેલી સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપના શાસનમાં માત્ર ઉદ્યોગપતિઓનો જ વિકાસ થયો છે, જ્યારે આદિવાસી સમાજનો વિકાસ થયો નથી. આદિવાસી યુવાનોના રોજગારની સમસ્યા અંગે કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવવા તૈયાર નથી. વસાવાએ મક્કમતાપૂર્વક જણાવ્યું કે, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરે તો અલગ આદિવાસી રાજ્યની માંગ કરવામાં આવશે, જેની રાજધાની કેવડિયા હશે અને મુખ્યમંત્રી પણ આદિવાસી સમાજમાંથી હશે. તેમણે સ્થાનિક લોકોને AAP ના ઉમેદવાર ગંગાબેન વસાવાને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. ધારાસભ્યે લોકોને આશ્વાસન આપ્યું કે તેઓ કોઈથી ડરતા નથી અને લોકોને કોઈપણ સમયે મદદ માટે તૈયાર છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં AAP ના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.