દેશનાં ઘણાં રાજ્યોમાં તોફાનો થતાં જાન-માલને નુકસાન થતું હોય છે. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસબેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસતિ પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસનાં કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાતાં સરકારે 25660 પૈકી બાકીની ખાલી જગ્યા 14,283 પર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે એવું જણાવ્યું છે. આ સાથે પહેલા ફેઝની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા અને પ્રમાણપત્ર ખરાઈ બાદ પરિણામ જુલાઈમાં આપી દેવાશે, એવું ઉમેર્યું હતું. પહેલા ફેઝની ભરતીની લેખિત પરીક્ષા મે, 2025 સુધીમાં પૂર્ણ થશે
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે, જેમાં આજે (14 ફેબ્રુઆરી) સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસબેડામાં 25,660 જેટલી ખાલી જગ્યા પર સીધી કરવામાં આવશે, જે પૈકી પહેલા ફેઝમાં 11 હજાર કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. એમાં અત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે. આ જગાઓ માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા છે. એ પૈકી 7.45 લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. શારીરિક કસોટી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ જશે અને મે, 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ થશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધરાશે. વર્તમાન ભરતી જુલાઈ મહિનામાં પૂર્ણ થશે. આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ ભરતીમાં કોઈ મૌખિક કસોટી નથી. બીજા ફેઝની ભરતી સપ્ટેમ્બર, 2026માં પૂર્ણ થશે
25660 પૈકી બાકીની ખાલી જગ્યાઓ 14,283 ઉપર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. બીજા ફેઝની બાકીની ભરતી સપ્ટેમ્બર, 2026માં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે રાજ્ય સરકારને કેલેન્ડરની ટાઇમલાઈન મુજબ ભરતી કરવાનું કહીને વધુ સુનાવણી 11 એપ્રિલના રોજ રાખી છે. ગત સુનાવણીમાં કોર્ટમિત્રે પ્રશ્ન ઉપાડ્યો હતો કે વર્તમાનમાં બહાર પડાયેલી 11 હજાર પોલીસકર્મચારીની ભરતીમાં PSIની માત્ર 475 જગ્યા છે, તો એની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહિ. જેથી હાઇકોર્ટે સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબ તારીખ કે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માગ્યું હતું, જેમાં ભરતીના સમય અને સ્ટેજની ચોક્કસ ખબર પડે. નવા ટ્રેનિંગ સેન્ટરમાં 2500 જવાનને ટ્રેનિંગ આપી શકાશે
અગાઉની સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં છેલ્લા 1 મહિનામાં 1029 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી થઈ રહી છે, જેમાં 11 હજાર પોસ્ટ માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા છે. આ 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 15 માર્ચ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. હાઇકોર્ટે અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું. રાજ્યમાં આવેલાં 5 ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત છઠ્ઠું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સંપૂર્ણ રીતે જાન્યુઆરી 2026માં બનશે, જેમાં 2500 જવાનને ટ્રેનિંગ આપી શકાશે. ASI રિઝર્વ પોલીસ ફોર્સમાં 854 ખાલી જગ્યામાં માત્ર 49 ભરાઈ
6 ડિસેમ્બરની સુનાવણીમાં 3717 પોસ્ટ પૈકી 2 હજાર પોસ્ટ પ્રમોશનથી એક મહિનામાં ભરવાની વાત કરી હતી, પરંતુ છેલ્લા એક મહિનામાં માત્ર 1029 પોસ્ટ જ ભરી શકાઈ છે. પ્રમોશન માટે અનુભવી અને યોગ્ય ઉમેદવાર જોઈએ છે. PI મોટર ટ્રાન્સપોર્ટ, PSI વાયરલેસ, PSI મોટર ટ્રાન્સપોર્ટની જગ્યાઓ ભરી શકાઈ નથી. ASI રિઝર્વ પોલીસ ફોર્સમાં 854 ખાલી જગ્યા પૈકી માત્ર 49 ભરાઈ છે, રિઝર્વ ફોર્સ માટે પણ યોગ્ય ઉમેદવાર નથી. જ્યારે 166 બિનહથિયાર ધારી PI અને હથિયારધારી 41 PI માટે ખાતાકીય પ્રમોશન કમિટીએ GPSCને માગ મોકલી આપી છે. ફીડર કેડરમાં પૂરતા યોગ્ય ઉમેદવાર મળતા નથી.