ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું નામ મોખરે છે, સરકાર, સંગઠન, અને સંઘ સાથે ના અનુભવી એવા રૂપાણીને હાલ કેન્દ્રીય ભાજપ પણ અલગ અલગ જવાબદારી સોંપી તાગ મેળવી રહ્યું છે, તે જોતા ભાજપ રૂપાણીને પ્રમુખ નો તાજ પહેરાવી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા બાદ પણ વિજય રૂપાણીને પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મોટી જવાબદારી સોંપી હતી, તે જોતા ભાજપના કેન્દ્રીય સંગઠને પણ વિજય રૂપાણીને પક્ષમાં એક્ટિવ રાખ્યા હતા, જેમાં રાજસ્થાનમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિની જવાબદારી વિજય રૂપાણીને મળી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ પંજાબના પ્રભારી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની ચૂંટણી ભાજપના વિજય બાદ ભાજપના ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષકની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સમયે પક્ષ પ્રમુખ સી આર પાટીલ સાથે આંતરિક વિવાદ હોવાનું બહાર આવ્યું હતું, જેથી સરકાર અને સંગઠન વચ્ચેના વિવાદને ખાળવાની સાથે રૂપાણીની સરકાર સામે થયેલા આક્ષેપો બાદ મુખ્યમંત્રી રૂપાણી જ નહીં, આખી સરકાર ને જ ઘરભેગી કરી કરી હતી, એટલે એમ કહેવાય છે કે, સરકાર ગઈ એમાં એકલા રૂપાણી જવાબદાર નહોતા, અને પક્ષના આદેશને માન્ય રાખી રૂપાણીએ રાજીનામુ પણ આપી દીધું હતું. હવે ફરી વખત પ્રદેશ અધ્યક્ષની ભૂમિકામાં વિજય રૂપાણી આવે તો નવાઈ નહીં. તે સમયે પણ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હતા, હાલ પણ નિરીક્ષક યાદવ જ છે
વિજય રૂપાણી ને પ્રમુખ બનાવવા પાછળ સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે, ભૂતકાળમાં વિજય રૂપાણીની સરકાર સમયે ભાજપ સંગઠનના પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવ હતા, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા માટે ભુપેન્દ્ર યાદવ અને વિજય રૂપાણી સાથે અનેકવાર બેઠકો પણ થઈ હતી, તે જોતાં ભૂપેન્દ્ર યાદવ પણ રૂપાણીની રાજકીય કામગીરીથી સંપૂર્ણપણે વાકેફ છે. હાલમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય ભાજપે ભૂપેન્દ્ર યાદવને જ જવાબદારી સોંપી છે, ભાજપના સિનિયર નેતાઓ એવું પણ ગણિત માંડી રહ્યા છે. અગાઉ રૂપાણી સરકાર સમયે પક્ષ પ્રમુખ સી આર પાટીલ સાથે આંતરિક વિવાદ હોવાનું પણ જે તે સમયે બહાર આવ્યું હતું, તે સમયે પણ ભૂપેન્દ્ર યાદવે સરકાર અને સંગઠન વચ્ચેનો વિવાદ ઉકેલ્યો હતો. વિજય રૂપાણીનું રાજકારણ : વિજય રૂપાણીની રાજકીય કારકિર્દીમાં પણ સંઘના સ્વયંસેવકથી લઈને અલગ અલગ સમયે ભાજપ સંગઠનમાં પણ તેમને સ્થાન મળવા લાગ્યું હતું. 1995માં કેશુભાઈની સરકાર બની તે પછી 1998માં તેઓ ભાજપનાપ્રદેશ મહામંત્રી બન્યા હતા, તે સમયે ચૂંટણીઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ બન્યા. 2006માં પર્યટન નિગમ અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચૅરમૅન બન્યા. 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. તે પછી રાજકોટ પશ્ચિમની પેટાચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બન્યા એ પછી આનંદીબહેન સરકારમાં કૅબિનેટપ્રધાન પણ બન્યા હતા. ફેબ્રુઆરી 2016માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ અને થોડા જ મહિના પછી તેમણે મુખ્યમંત્રી બનવાની તક પણ મળી હતી.