યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણી અંગે દેશભરમાં અનેક FIR દાખલ કરવામાં આવી હતી, યુટ્યુબરે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અલ્હાબાદિયા વતી એડવોકેટ અભિનવ ચંદ્રચુડ દલીલ કરશે. આ અરજી એક કે બે દિવસમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચ તેની સુનાવણી કરશે. શુક્રવારે આસામ પોલીસે સમન્સ જારી કર્યા બાદ ચંદ્રચુડે તેમના ક્લાયન્ટની અરજી પર વહેલી સુનાવણીની માગ કરી હતી. આ આખો મામલો યુટ્યુબના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અશ્લીલ ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. ગુરુવારે, મુંબઈ પોલીસ પછી, આસામ પોલીસે પણ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને સમન્સ મોકલ્યું. આસામ ક્રાઈમ બ્રાન્ચના બે અધિકારીઓ પુણેના બાલેવાડીમાં સમય રૈનાના ઘરે પહોંચ્યા. તેમણે કહ્યું કે અમે તેમને ગુવાહાટીમાં તેમના (સમય રૈના) વિરુદ્ધ નોંધાયેલી FIR અંગે કાનૂની નોટિસ આપવા આવ્યા છીએ. આ પહેલા આસામ પોલીસે રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાનીને પણ નોટિસ મોકલી હતી. આસામના મુખ્યમંત્રીએ કહ્યું- ગુવાહાટીમાં FIR દાખલ
આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ મામલે રાજ્યમાં FIRની માહિતી આપી હતી. તેમણે X પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુવાહાટી પોલીસે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપવા બદલ આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વ માખીજા, રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમયને સમન્સ મોકલ્યું હતું
ગુરુવારે (13 ફેબ્રુઆરી) મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબર સમય રૈનાને બીજી વખત સમન્સ મોકલ્યું. સાયબર સેલે સમયને સોમવાર, 17 ફેબ્રુઆરીના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. બુધવારે (12 ફેબ્રુઆરી)ના રોજ, સમય રૈનાના વકીલે સાયબર સેલને જણાવ્યું કે તે હાલમાં અમેરિકામાં છે અને 17 માર્ચે પાછો ફરશે. તેણે સમન્સનો જવાબ આપવા માટે વધુ સમય પણ માંગ્યો છે. બુધવારે, સમય રૈનાએ તેમન શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ અંગે ચાલી રહેલા વિવાદમાં સ્પષ્ટતા આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર દાવો કર્યો હતો કે તેણે તેના શોના બધા વીડિયો યુટ્યુબ પરથી હટાવી દીધા છે. તેણે એમ પણ કહ્યું કે તેનો હેતુ ફક્ત લોકોને હસાવવાનો હતો. સમય રૈનાએ લખ્યું, જે કંઈ થઈ રહ્યું છે તે હું સંભાળી શકતો નથી. મેં મારી ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને ખુશી આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી તેમની તપાસ યોગ્ય રીતે થઈ શકે. થેન્ક યુ આજે મુંબઈ પોલીસ સામે હાજર થશે
સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી ફસાયેલાં રણવીર અલ્હાબાદિયાને પોલીસે બીજી વખત સમન્સ મોકલ્યું છે. રણવીરે ગુરુવારે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, પરંતુ તે પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા નહોતાં. એવામાં તેમને આજે ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે અને ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલ અને મુંબઈ પોલીસે પણ કોમેડિયન સમય રૈનાને આગામી પાંચ દિવસમાં હાજર થવા જણાવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે અલ્હાબાદિયા ગુરુવારે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો હતો પરંતુ તે આવ્યો નહીં અને પોલીસને કહ્યું કે તે મીડિયાથી ડરે છે. અધિકારીએ કહ્યું કે અલ્હાબાદિયાને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે પૂછપરછથી બચી શકશે નહીં અને તેણે શુક્રવારે આવવું પડશે. સમય રૈના હાલ અમેરિકામાં છે
યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અલ્હાબાદિયાની વાંધાજનક ટિપ્પણીની સાયબર સેલ અને મુંબઈ પોલીસ અલગ-અલગ તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રૈના અમેરિકામાં છે અને તેમણે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે રૈનાને 17 ફેબ્રુઆરી પહેલા પોતાનું નિવેદન નોંધાવવા કહ્યું છે, જ્યારે સાયબર સેલે તેમને 18 ફેબ્રુઆરીએ સમન્સ પાઠવ્યા છે. અલ્હાબાદિયા અને કેટલાક અન્ય લોકો સામે ગુવાહાટીમાં નોંધાયેલા કેસની તપાસના સંદર્ભમાં મુંબઈમાં હાજર આસામ પોલીસની એક ટીમ ગુરુવારે મહારાષ્ટ્ર સાયબર સેલના અધિકારીઓને મળી. આસામ પોલીસે અશ્લીલતાને પ્રોત્સાહન આપવાના ગુવાહાટીમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, રૈના, જસપ્રીત સિંહ અને અપૂર્વ માખીજાને વ્યક્તિગત રીતે હાજર થવા જણાવ્યું છે. ગુવાહાટીના જોઈન્ટ પોલીસ કમિશનર અંકુર જૈને ગુરુવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે હાસ્ય કલાકારોએ ચાર દિવસની અંદર રૂબરૂ હાજર થવું પડશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક અધિકારીની ફરિયાદ પર રિયાલિટી શો પર અલ્હાબાદિયાની ટિપ્પણીઓના સંદર્ભમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા સહિત સાત લોકોના નિવેદનો નોંધ્યા છે. મહિલા આયોગે નોટિસ મોકલી
આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ અલ્હાબાદિયા, રૈના, જસપ્રીત સિંહ અને આશિષ ચંચલાની તેમજ શોના નિર્માતાઓ તુષાર પૂજારી અને સૌરભ બોથરાને 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હાજર રહેવા જણાવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે અલ્હાબાદિયા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કોમેડિયન રૈના સહિત 40 થી વધુ લોકોને સમન્સ પાઠવ્યા છે. અલ્હાબાદિયાએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી, પરંતુ મામલો શાંત થતો નથી. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની માગ કરી હતી.