ટૂંકાં વસ્ત્રો પહેરીને ન આવવું એ પ્રકારનાં અનેક મંદિરોમાં બોર્ડ લાગેલાં જોવા મળે છે. હવે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર ભોગ (પ્રસાદ)ને લઈ પણ બોર્ડ લગાવાયું છે, જેમાં ભક્તોને અપીલ કરતાં લખવામાં આવ્યું છે કે સનાતન ધર્મના લોકો દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવ્યો હોય એ જ અહીં લાવવામાં આવે. ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા બોર્ડ લગાવી લોકોને વિનંતી કરતાં લખવામાં આવ્યું છે કે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે માતાજીને ધરાવવા માટે લીધેલી પ્રસાદી સાત્ત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જોઇએ એની નોંધ લેવી. પ્રસાદી ખરીદીને લાવતાં પ્રવિત્રતા જળવાતી નથી
શ્રીરામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન શશિકાંત તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નગરદેવી ભદ્રકાળી માતાજીને ભોગ ધરાવવા માટે લોકો પ્રસાદી લઈને આવતા હોય છે. એ પ્રસાદી અન્ય ધર્મના લોકોની દુકાનેથી ખરીદીને લાવતા હોય છે એવી બાબત સામે આવી છે. અન્ય ધર્મના લોકોની દુકાનેથી પ્રસાદી ખરીદીને લાવતા હોય છે ત્યારે પ્રવિત્રતા જળવાતી નથી. ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા દરમિયાન જોયું હતું કે કેટલાક અન્ય ધર્મના લોકો જે વસ્તુ આપતા હતા એમાં કહી ન શકાય એવી વસ્તુઓ નાખતા હતા. જેથી અહીં પણ લોકો જે પ્રસાદી લાવે છે એમાં કેવી પ્રસાદી હોય એમાં શુદ્ધતા અને સાત્ત્વિકતા જળવાય છે કે કેમ એ ખબર નથી હોતી. શુદ્ધ અને સાત્ત્વિક મીઠાઈ મળે ત્યાંથી પ્રસાદી લાવવી
તેમણે વધુમાં કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જોયું છે કે અન્ય પ્રકારનો માવો, ઘી સહિતની વસ્તુઓમાં અશુદ્ધિ વધુ હોય છે. ખરાબ વસ્તુઓ આપતા હતા, જેના કારણે આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી. એના કારણે અમે મંદિરની બહાર બોર્ડ લગાવ્યું છે. માતાજીને જે મીઠાઈ કે પ્રસાદી લાવવામાં આવે એ શુદ્ધ અને સાત્ત્વિક મીઠાઈ મળે ત્યાંથી લાવવી એવી જાણ કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. પ્રસાદીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા
અમદાવાદ શહેરના નગરદેવી ગણાતા એવા ભદ્રકાળી મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં પ્રસાદી જે લાવવામાં આવે છે એ સનાતન ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલી હોવી જોઇએ. અન્ય ધર્મના લોકો દ્વારા પ્રસાદીમાં કોઇપણ ભેળસેળ કરવામાં આવતી હોવા અંગેની શંકા વ્યક્ત કરી છે. મંદિર પ્રશાસન દ્વારા માતાજીને જે પ્રસાદી ધરાવવામાં આવે છે એ શુદ્ધ, સાત્ત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા એટલે કે હિન્દુ ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલી હોવી જોઈએ. 614 વર્ષ પછી નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ શહેરનાં નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઊમટશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ-હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયાં, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. રૂટ ઉપર થોડા થોડા અંતર પર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે. ભદ્રકાળી મંદિરના ઈતિહાસને સમયાંતરે નષ્ટ કરવામાં આવ્યો. શ્રીરામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ ભદ્રકાળી મંદિર અને મહાલક્ષ્મી મંદિરના ચેરમેન શશિકાંત તિવારીએ કહ્યું હતું કે મંદિરનો એક હજાર વર્ષ જૂનો ઈતિહાસ છે, સમયાંતરે મંદિરના ઈતિહાસને નષ્ટ કરવામાં આવ્યો છે. માતાજીની નગરયાત્રા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહને આમંત્રણ અપાશે. ઈતિહાસકારોના મતે મંદિર મરાઠાકાળમાં બન્યુ જ્યારે સરકારી ગેઝેટિયરમાં 1411નો ઉલ્લેખ