વડોદરાના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોટંબીમાં ગતરોજ (14 ફેબ્રુઆરી) WPLની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ (GG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBનો વિજય થયો હતો. આ મેચ પૂર્વે સ્ટેડિયમ તરફ જવાના માર્ગની સ્થિતિ ખૂબ ખરાબ હોવાથી, પાર્કિંગની જગ્યા ન મળતા ક્રિકેટરસિકો હેરાન થયા હતાં. આ તમામ મેચ માટે ટિકિટ બુક માય શૉ પરથી બુક થતી હોય છે. ત્યારે મેચ શરૂ થાય તે પૂર્વે પ્રવેશ માટે મોબાઈલમાં આ ટિકિટ ઓપન કરી બતાવવી પડતી હોય છે. તે દરમિયાન નેટવર્ક ગુલ થતા મેચ જોવા આવેલા ક્રિકેટરસિકો નિરાશ થયા હતા. મોબાઈલ નેટવર્ક ન આવતું હોવાથી બુક માય શોની એપ ખુલતી ન હોવાથી કેટલાક લોકોને પ્રવેશ ન મળતા BCA (બરોડા ક્રિકેટ એસોસિએશન) પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. રસ્તામાં વાહનચાલકો પડે તેવી સ્થિતિઃ જ્યોતિન્દ્રભાઈ
આ અંગે જ્યોતિન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, પહેલીવાર અહીંયા આવ્યો છું. અંદર જઈને જોઈશું કે સ્થિતિ શું છે. અહીંયા આવતા પહેલા અપેક્ષાઓ ખૂબ સારી હતી, પરંતુ રસ્તો જોઈને હવે લાગે છે કે, આ અપેક્ષાઓ કેટલી ખરી ઉતરે છે. ઈન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ આવતા હોવા છતાં કાચો રસ્તો બનાવ્યો છે. રસ્તા પર વાહનચાલકો પડી જાય તેવી સ્થિતિ છે. રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. મેચનું આયોજન જેને કર્યુ હોય તેની આ જવાબદારી હોય છે. ઓનલાઈન ટિકિટ છે, પણ નેટવર્ક નથીઃ આશિક
અન્ય એક સુરતથી આવેલ પ્રેક્ષક આશિક રાઠવાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા આવ્યા છીએ પણ ટિકિટ ઓનલાઈન ખુલતી નથી. અડધો કલાકથી મથીએ છીએ, છતા એન્ટ્રી આપતાં નથી. અહીંયા નેટવર્ક નથી તો વાઈફાઈની સુવિઘા હોવી જોઈએ. અન્ય એક પ્રેક્ષકે જણાવ્યું કે, અમે એન્ટ્રી કઈ રીતે કરીશું. આ ટિકિટ નેટવર્ક ન હોવાથી સ્કેન થતી નથી. અહીંયા કોઈ મેનેજમેન્ટ નથી. 500થી 1000 લોકોને પ્રોબ્લેમ છે. મને સ્ટેડિયમમાં પ્રવેશ નથી અપાતોઃ જાહર
જાહર યાદવ નામના યુવકે જણાવ્યું હતું કે, હું UPથી આવ્યો છું. મને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. મને ટિકિટ લેતા નથી આવડતી તો અન્ય વ્યક્તિએ ટિકિટ કરી છે. ટિકિટ બતાવું છું તો ઑનલાઇન બતાવવાનું કહે છે. અહીંયા નેટવર્ક નથી, હું નિરાશ છું. કેપેસિટીના અડધા પ્રેક્ષકોમાં જ વ્યવસ્થા ખોરવાઈ
આ સાથે મેચ શરૂ થાય તે પૂર્વે જ માત્ર 10 હજાર પ્રેક્ષકો હોવા છતા પાર્કિંગ ફૂલ થઈ જતાં કેટલાક પ્રેક્ષકોએ બરોડા ક્રિકેટ એસોસિએશન પર આક્રોશ ઠાલ્યો હતો. પાર્કિંગ વ્યવસ્થા ખોરવાતા પોલીસ જવાનોએ જે મુખ્ય માર્ગ સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો હતો, તેની બંને સાઈડ અને વચ્ચેની સાઈડ પાર્કિંગ કરવાની ફરજ પડી હતી. 32 હજારની કેપેસિટી હોવા છતા અડધા લોકો જ આવતા આ સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે બરોડા ક્રિકેટ એસોસિએશન વધુ પાર્કિંગની વ્યવસ્થા કરે છે કે કેમ? તે પણ એક સવાલ છે. ‘ફેમિલી સાથે આવ્યો છું, પાર્કિંગની વ્યવસ્થા જ નથી’
આ અંગે પ્રીતિબેને જણાવ્યું હતું કે, અહીંયા ખૂબ ટ્રાફિક છે. અહીંયા ખુબજ મુશ્કેલી પડી રહી છે. અહીંયા પહોંચતા દોઢ કલાક થયો હતો. આ સાથે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કયાં ગેટથી એન્ટ્રી કરવી તે કઈ સમજાતું નથી. પાર્કિંગ માટે બહાર જવાનું કહે છે. અહીંયા પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. અમારી સાથે ફેમિલી છે. પાણીની નજીક ખુલ્લા વીજવાયર જોવા મળ્યાં
આ સાથે દિવ્ય ભાસ્કર સ્ટેડિયમના ઇસ્ટ ગેટ તરફ જતાં નઝરે પડયું કે, અહીંયા ખુલ્લા વીજવાયર પસાર થઈ રહ્યા હતા. જ્યાંથી પ્રેક્ષકો પ્રવેશી રહ્યા હતા, ત્યાં ખુલ્લા વીજવાયર જોવા મળ્યા અને તે પણ પાણીની નજીકથી પસાર થઈ રહ્યા હતાં. ખુલ્લા વીજવાયર લોકો માટે જીવના જોખમરૂપ હતા. 200 કરોડના ખર્ચ બાદ પણ સુવિધાનો અભાવ
જાન્યુઆરી 2015માં, ગુજરાત સરકાર અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે સ્ટેડિયમ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે વડોદરાની બહાર કોટંબી ખાતે ₹.200 કરોડના ખર્ચે 29 એકર જમીન વિકસાવવામાં આવી. આ સ્ટેડિયમનું નિર્માણ બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અમિત પરીખ અને બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.