ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને અમુક હીરા વેપારીઓ દ્વારા મજૂરીના ભાવો ઓછા કરવામાં આવ્યા છે, જેના કારણે હીરા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને મજૂરીથી હીરા ઘસવા માટેનું કામ લેતાં કારખાનેદારો દ્વારા સુરત જોબવર્ક ડાયમંડ એસોસિએશનની સ્થાપના કરવામાં આવશે.હીરાના કારખાના ચલવાતા ઉદ્યોગકારો સાથે રત્નકલાકારોની સ્થિતિ કથળી છે. મજૂરી પર ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડનું કારખાનું ચલાવતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મજૂરી પર હીરા ઘસવાનું કારખાનું ચલાવતાં કારખાનેદારોના મતે હાલ મજૂરીના ભાવો ઓછા હોવાને કારણે કારખાનું ચલાવાવું મુશ્કેલ પડી ગયું છે. જો મજૂરીના ભાવો સ્થિર થાય તો, કારખાનું સરળતાથી ચલાવી શકાય. હાલ 500થી વધારે લોકો આ એસોસિએશનમાં જોડાઈ ગયા છે. 1લી માર્ચે એસોસિએશનના સભ્યો અને મજૂરી પર કામ આપતાં હીરા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કરી મજૂરીના ભાવો સ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અમુક કારખાનેદારો નુકસાની કરી કારખાનું ચલાવી રહ્યા છે
એસોસિએશન સાથે જોડાયેલાં હીરા વેપારીઓના મતે શહેરમાં જોબ વર્ક માટે ડાયમંડ લાવતા હોય તેવી 5 હજારથી વધારે ઘંટીઓ સુરતમાં કાર્યરત છે. જેમાં 4 લાખથી વધારે રત્નકલાકારોને રોજગારી મળે છે. પરંતુ મજૂરીના ભાવોમાં ઘટાડો થવાને કારણે રત્નકલાકારો અને કારખાનેદારોને મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને મજૂરીના ભાવો મોટા મોટો ઘટાડો થયો હોવાને કારણે અમુક કારખાનેદારો નુકસાનીમાં કારખાના ચલાવી રહ્યાં છે. છેલલા 4 જ મહિનામાં હીરા મજૂરીના ભાવો અડઘા થયા
દિવાળી પહેલા એક કેરેટની કટ એન્ડ પોલિશ્ડની 1500થી 1800 રૂપિયા સુધી મજૂરી હતી. પરંતુ દિવાળી કારખાના ખુલવાની શરૂઆત થતાંની સાથે જ મજૂરીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો. હાલ એક કેરેટ ડાયંડની કટ એન્ડ પોલિશ્ડના ભાવો એવરેજ 800થી 1200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. હીરા વેપારીઓના મતે દિવાળી બાદ 4 મહિનામાં મજૂરીના ભાવો અડધા થઈ ગયા છે.