‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના વિવાદાસ્પદ એપિસોડ પર દાખલ કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં સમય રૈનાને મહારાષ્ટ્ર સાયબર સેલ તરફથી ઝટકો લાગ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ સમય રૈનાને તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ મળ્યું હતું, જોકે, કોમેડિયનએ સાયબર સેલને અપીલ કરી હતી કે તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમનું નિવેદન નોંધવા માગ્તો હતો. હવે તેમની અપીલ ફગાવી દેવામાં આવી છે. દરમિયાન, યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાને 24 ફેબ્રુઆરીએ સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. સમય રૈના 18 ફેબ્રુઆરીએ પોતાનું નિવેદન નોંધાવશે
ફરિયાદ દાખલ થયા પછી, રૈનાને એક અઠવાડિયામાં હાજર થવા માટે બે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. 12 ફેબ્રુઆરીના રોજ, સમયના વકીલે સાયબર સેલને જણાવ્યું કે તે હાલમાં અમેરિકામાં છે અને 17 માર્ચે ભારત પાછો ફરશે. આવી સ્થિતિમાં, વકીલે હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો. અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું નિવેદન રેકોર્ડ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હવે સાયબર સેલે આ અપીલ ફગાવી દીધી છે અને તેમને 18 ફેબ્રુઆરીએ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાનો આદેશ આપ્યો છે. શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી. રણવીર અને સમય ઉપરાંત, પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લેનારા 30 જ્જ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો પર પ્રતિબંધ મૂકવા માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. એસોસિએશનનું કહેવું છે કે આવા શો દેશના યુવાનોને મૂંઝવણમાં મૂકે છે. મહિલા આયોગે અલ્હાબાદિયા, સમય રૈના અને અન્ય લોકોને પણ સમન્સ મોકલ્યા છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ની માગ પર, યુટ્યૂબરે એ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના વિવાદાસ્પદ એપિસોડને દૂર કરી દીધો છે. વિવાદ વધતાં સ્પષ્ટતા આપવામાં આવી, બધા એપિસોડ ડિલીટ કરવામાં આવ્યા
વિવાદ વધ્યા અને ફરિયાદ દાખલ થયા પછી, સમય રૈનાએ સોશિયલ મીડિયા પર લખ્યું- જે કંઈ થઈ રહ્યું છે તે હું સંભાળી શકતો નથી. મેં મારી ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને ખુશી આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી તેમની તપાસ યોગ્ય રીતે થઈ શકે. આભાર. રણવીર અલ્હાબાદિયાને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકીઓ
શનિવારે, રણવીર અલાબાદીએ એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે વિવાદો વચ્ચે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. રણવીરે લખ્યું- હું અને મારી ટીમ તપાસમાં પોલીસ અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ. હું પ્રક્રિયાનું પાલન કરીશ અને હાલમાં એજન્સી માટે ઉપલબ્ધ રહીશ. મને ખબર છે કે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં મેં માતાપિતા વિશે જે કંઈ કહ્યું તે એક અસંવેદનશીલ વિષય હતો. મને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેઓ મને મારી નાખવા માગે છે. તેઓ મારા પરિવારને પણ નુકસાન પહોંચાડવા માંગે છે. એટલું જ નહીં, કેટલાક લોકો મારી માતાના ક્લિનિકમાં દર્દી તરીકે પ્રવેશ્યા. મને ડર લાગે છે અને મને ખબર નથી પડતી કે શું કરવું. પણ હું ભાગી રહ્યો નથી. મને પોલીસ અને દેશના કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે.