મલયાલમ એક્ટર સિદ્દીકી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ ચાલી રહ્યો છે. જેની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી હતી. હાલ આ ટીમને મોટી સફળતા હાથ લાગી છે. મલયાલમ એક્ટર સિદ્દીકી વિરુદ્ધ SITને પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે, SIT એ સ્વીકાર્યું છે કે સિદ્દીકી ગુનેગાર છે. SITને તપાસમાં જાણવા મળ્યું કે હેમા સમિતિનો રિપોર્ટ બહાર આવે તે પહેલાં એક્ટ્રેસ રેવતી સંપથે શારીરિક શોષણ વિશે વાત કરી હતી. જોકે, સિદ્દીકીએ તેણે ધમકી આપી હતી કે કોઈ તેના પર વિશ્વાસ નહીં કરે કારણ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલી ફેમસ નથી. SIT તપાસનો આ રિપોર્ટ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર છે. પરંતુ આ પહેલા ટીમ ક્રાઈમ બ્રાન્ચ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. અહેવાલો અનુસાર, 2016માં બનેલી ઘટના પછી, એક્ટ્રેસે કોચીમાં તબીબી સહાય માગી. તેમની સારવાર કરનાર ડૉક્ટરે હવે જુબાની આપી છે. ગયા વર્ષે આ કેસમાં સિદ્દીકીને જામીન મળ્યા હતા
ગયા વર્ષે નવેમ્બરમાં, સિદ્દીકીને આ કેસમાં કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા હતા. કોર્ટે આ કેસમાં ફરિયાદ કરનાર એક્ટ્રેસને ખોટી ઠેરવી હતી. કોર્ટે કહ્યું કે તમે સોશિયલ મીડિયા પર 8 વર્ષ જૂના કેસ વિશે વાત કરી, પણ તમે પોલીસ પાસે કેમ ન ગયા? કોર્ટે કહ્યું કે ફરિયાદીએ 2018માં ફેસબુક પર પોસ્ટ કરી હતી, જેમાં 14 લોકો પર જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. છતાં, તેણે પોતાની ફરિયાદ સાથે કેરળ સરકાર દ્વારા રચાયેલી હેમા સમિતિનો સંપર્ક કર્યો નહીં. આ કેસમાં, સિદ્દીકીની કાનૂની ટીમે કહ્યું કે એક્ટ્રેસની પોસ્ટમાં ક્યાંય પણ એક્ટરનું નામ ઉલ્લેખ્યું નથી જેના આધારે સિદ્દીકીને આરોપી બનાવવામાં આવી રહ્યા છે. ‘8 વર્ષ પહેલા હોટલમાં બોલાવીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું’
મલયાલમ એક્ટ્રેસ રેવતી સંપતે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે લગભગ 8 વર્ષ પહેલા 2016માં, એક્ટર સિદ્દીકીએ તેને એક ફિલ્મના સંદર્ભમાં મસ્કત હોટેલમાં બોલાવી હતી. તે એક મીટિંગ માટે આવી હતી જ્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. બીજી તરફ, સિદ્દીકી અને તેમના વકીલ સતત કહી રહ્યા છે કે એક્ટ્રેસ ફક્ત એક્ટરની છબી ખરાબ કરવા માટે તેમના પર આરોપો લગાવી રહી છે. રેવતી દ્વારા આરોપો લગાવ્યા પછી, સિદ્દીકીએ પોલીસ મહાનિર્દેશકને ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહ્યું હતું કે તેમની છબી ખરાબ કરવા માટે તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તે 2016માં રેવતી સંપતને તેના માતાપિતાની હાજરીમાં મળ્યો હતો.