ભગવાન બાદ જેને સ્થાન આપવામાં આવ્યું છે તેવા તબીબ, સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેમની વિશ્વસનીયતા પર પણ કોઈ શંકા નથી હોતી. પરંતુ જ્યારે ‘ખ્યાતિ કાંડ’’ જેવા બનાવો બને ત્યારે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બને છે. ભુજમાં યુવા તબીબની ખાનગી હોસ્પિટલ એકાદ મહિના પહેલા અચાનક બંધ થઈ જતા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભુજમાં ખાનગી તબીબ અને હોસ્પિટલની સંખ્યા દિન પ્રતિદિન વધી છે. દર્દીઓ માટે સારવારના વિકલ્પ પણ ખુલ્યા છે તે એક આરોગ્ય ક્ષેત્રની સારી વાત છે, પરંતુ ગત વર્ષે એપ્રિલ મહિનામાં ઘનશ્યામ નગર વિસ્તારમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં યુવા તબીબ ડૉ.જ્યુનલ કાઝાણીએ ખાનગી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું, પરંતુ ગત મહિનાના અંતમાં અચાનક શટર ડાઉન થઈ જતા તર્ક વિતર્કો વહેતા થયા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 11 ભાગીદારો સાથેના એગ્રીમેન્ટ બન્યા હતા. તગડું ભાડું ભરીને શરૂ કરવામાં આવેલી આ હોસ્પિટલ 9 મહિનામાં જ બંધ કરવી પડી તે પાછળ તેમના જ સ્ટાફમાંથી નામ ન આપવાની શરતે કર્મચારીએ જણાવ્યું કે,છેલ્લે પગાર આપવા માટે પણ પૈસા ન હોવાથી વ્યાજે પૈસા મેળવ્યા હતા. ભુજની વેપારી સહકારી બેંકમાંથી અઢી કરોડની લોન લેવામાં આવી હતી. આ ઉપરાંત ભાગીદારો અને અન્ય પાસેથી લાખોની રકમ મેળવીને હાલ આ તબીબ સંપર્કની બહાર નીકળી ગયા છે. એટલું જ નહીં જનરલ હોસ્પિટલમાં નોકરી કરી છે તેવું જણાવનાર આ ડોક્ટરની તપાસ કરતા ત્યાં પણ જે ડિગ્રી સર્ટીફીકેટ આપવાના હોય તે આપી નહોતા શક્યા. વિદેશમાં એમબીબીએસ કરીને ભારતમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ મળ્યા બાદ જ પ્રેક્ટિસ કરી શકે, તે મળ્યું ન હોવાની વાત જાણવા મળે છે. કોઈપણ હોસ્પિટલ કે દવાખાનું શરૂ કરવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી)માં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તેની વિધિ કરવા માટે જાણવા મળ્યા મુજબ તે મેળવવા માટે આધાર કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ થઈ હોય તેવી સંભાવના છે. 5 થી 6 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારમાં ઘાલમેલ થઈ હોવાની નજીકના સૂત્રો જણાવે છે. મૂળ દીવના હોવાનું જણાવીને ડૉ.જ્યુનલ કાઝાણીએ કચ્છમાં છેલ્લા બે કે ત્રણ વર્ષમાં ખાનગી મેડિકલ ગ્રુપ સાથે જોડાઈને પ્રેક્ટિસ કરેલી હતી. આ હોસ્પિટલમાં આર્થિક રીતે જોડાયેલા તાત્કાલિક પોલીસ ફરિયાદ કે સીબીઆઇની તપાસ સુધીની તૈયારી કરી રહ્યા છે. તબીબનો ભાસ્કરે સંપર્કનો પ્રયાસ કર્યો પણ થઇ શક્યો ન હતો. આઇએમએ (ભુજ)નું સભ્યપદ મેળવેલું નથી
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નિયમો મુજબ સભ્ય પદ મેળવનાર તબીબે તેણે મેળવેલી ડીગ્રી અને એમ.સી.આઈ.માં કરાવેલી નોંધણીનું સર્ટિફિકેટ આપવાનું હોય છે તે અમે માગ્યું ત્યારે તે તબીબ આપી નહોતા શક્યા તેવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ભુજના પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું. જનરલ હોસ્પિટલમાં નોકરી અને મેડિકલના સૌથી મોટા સંગઠનમાં સભ્યપદ, બંને જગ્યાએ જરૂરી દસ્તાવેજ આપી નહોતા શક્યા માટે ડૉ.જ્યુનલ કાઝાણીની કાયદેસરતા પણ શંકાના દાયરામાં છે.