ભારતીય ઓપનર શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો. ગયા અઠવાડિયે ગિલ બીજા સ્થાને હતો. ICC એ બુધવારે નવા રેન્કિંગ્સ જાહેર કર્યા. બોલિંગમાં શ્રીલંકાના મહિશ થિકસાનાએ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. બેટિંગ રેન્કિંગમાં ચાર ભારતીય બેટર ટૉપ-10માં છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને અને વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને યથાવત છે. શ્રેયસ અય્યરે એક સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને તે નવમા સ્થાને પહોંચી ગયો છે. ગિલ બીજી વખત ODIમાં નંબર-1 બન્યો ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની સિરીઝની પહેલી બે વન-ડેમાં અડધી સદી અને ત્રીજી વન-ડેમાં સદી ફટકારી હતી, અને તેનો ફાયદો તેને મળ્યો છે. તેણે ત્રણ મેચમાં 259 રન બનાવ્યા. આ બીજી વખત છે જ્યારે ગિલે ODI ક્રિકેટમાં નંબર-1 રેન્કિંગ હાંસલ કર્યું છે. તેણે 2023માં મેન્સ ODI વર્લ્ડ કપની વચ્ચે બાબરને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. થિકસાના ટોચ પર પહોંચ્યો
શ્રીલંકાનો સ્પિનર મહિશ થિકસાનાએ બોલર્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. બોલરોની યાદીમાં ટોપ-10માં બે ભારતીય બોલર કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ છે. કુલદીપને એક સ્થાનનો ફાયદો થયો છે. સિરાજ 10મા સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગ 1 ભારતીય
ODI ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ટૉપ-5માં કોઈ ફેરફાર થયો નથી. ટૉપ-10માં ફક્ત એક ભારતીય રવીન્દ્ર જાડેજાનો સમાવેશ છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી ટોચ પર યથાવત છે.