અર્જુન ડાંગર , હરેન્દ્ર સિંહ બારડ અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ પર તવાઇ ઉતરતા તેમને વિદેશ મોકલનારા એજન્ટો કાં તો ભૂગર્ભમાં લાપતા છે અથવા ભૂગર્ભમાં રહીને કામ કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે આવા કેટલાક એજન્ટોનું પગેરુ દબાવ્યું અને તેઓ કેવી રીતે ગ્રાહકોને યુએસએ મોકલતા તે જાણ્યું. જેમાં ખૂબ ચોંકાવનારી બાબતોનો ખુલાસો થયો છે. ચરોતર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિદેશવાંચ્છુઓનું હબ ગણાય છે. એક અંદાજ મુજબ આ પંથકમાંથી છેલ્લા 10 વર્ષમાં 25 હજારથી વધુ લોકો પાછલા બારણે અમેરિકામાં પ્રવેશી ગયા છે. ટ્રમ્પની ઝુંબેશના પગલે તેમના જીવ તાળવે ચોંટી ગયા છે.આ પૈકી ઘણા હજુ ત્યાં કેમ્પમાં પણ છે . અમેરિકા પહોંચવા માટે વાયા કેનેડા અને મેક્સિકોનો રુટ સૌથી હોટફેવરિટ છે. અગાઉની જેમ અત્યારે પણ વર્ષો પહેલાં વિદેશમાં સ્થાયી થઇ ગયેલા લોકો આ રીતે ગેરકાયદે ઘૂસનારા પોતાના સમાજના લોકો, પરિચિતોને પોતાને ત્યાં આશરો આપતા હોય છે અથવા પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ રીતે મદદ કરતા હોય છે. 1996માં યુવતી વાયા દુબઇ થઇ અમેરિકા પહોંચી, ગ્રીનકાર્ડ બાદ 24 વર્ષે વતન આવી
આણંદ જિલ્લાની 12 ધોરણ પાસ એક યુવતી એજન્ટ મારફત 1996માં અમેરિકા પહોંચી હતી, તે 24 વર્ષે હમણાં જ વતન આવી હતી. તેણે કહ્યું કે, હું અમેરિકામાં 7 માસે પહોંચી હતી. ઘરેથી નીકળ્યા બાદ દિલ્હીમાં 20 દિવસ હોટલમાં રોકાઇ ત્યાંથી વિઝિટર વિઝા પર દુબઇ પહોંચી, 25 દિવસ રોકોયા બાદ ત્યાંથી થાઇલેન્ડ લઇ જવાઇ. અહીયા 17 દિવસના રોકાણ દરમિયાન અમને બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. ત્યાંથી જુદી જુદી કાર અને ટ્રક મારફતે જંગલો ખૂંદી મેક્સિકો પહોંચ્યા હતા. અહીયા સૌથી વધુ 35 દિવસના રોકાણ બાદ યુએસએની બોર્ડર નજીકની દિવાલ પાસે લઇ ગયા હતા.દિવાલ ઓળંગીને સામે એક ટેમ્પા જેવા વાહનમાંથી બેસાડીને 100 કિમી જેટલું અંતર કાપ્યું હતું. ત્યાં અમેરિકાનું નાનકડું ગામ હતું. ત્યાંથી મારા સંબંધી સાથે વાત કરાવી હતી. જેઓ મને લેવા આવ્યાં હતા. ત્યારબાદ તે વખતે અમેરિકા પિતા સાથે વાત થયા બાદ 22 લાખ એજન્ટને આપ્યાં હતા. વચ્ચે ખચ્ચર પર સવારી પણ કરવી પડી હતી. એજન્ટોની નવી MO; રૂબરુ મળવાને બદલે રિઝ્યુમ મંગાવ્યા
ટ્રમ્પકાંડ બાદ એજન્ટો સાવચેત બની ગયા છે. ભાસ્કરે 4 એજન્ટનો સંપર્ક કર્યો જેમાંથી એક એજન્ટે પોતે આ કામ કરતા નથી તેમ કહી ફોન કાપી નાખ્યો પરંતુ બીજા એજન્ટે સાવચેતી માટે રૂબરુ મળવાને બદલે રિઝ્યુમ મગાવ્યો અને સિનીયર સાથે વાત કરી એપોઇન્ટમેન્ટ આપશે એમ જણાવ્યું.
ભાસ્કર : મારી ડોટરને US મોકલવી છે તો મળવું છે
એજન્ટ : પહેલા તમે રિઝ્યુમ મોકલો
ભાસ્કર : રૂબરૂ નહીં મળી શકાય?
એજન્ટ : અમારા સિનિયર ચેક કરે પછી જણાવશે.
ભાસ્કર : રિઝયુમ મળ્યો ?
એજન્ટ: હા, મળ્યો. સિનિયરને ફોરવર્ડ કર્યો છે.
ભાસ્કર : તો ક્યારે મળવા આવું?
એજન્ટ : સિનિયરનો જવાબ આવે પછી કહી શકું.
ભાસ્કર : તમારા સિનિયર કોણ છે?
એજન્ટ: જાહેરાતમાં ત્રીજા નંબર પર સંપર્ક કરો
ભાસ્કર : એ તો ફોન રિસીવ નથી કરતાં
એજન્ટ : મિટિંગમાં વ્યસ્ત હશે. કૉલબેક કરશે. ડંકી રૂટથી વિદેશ મોકલવા અંગે ભાસ્કરના સવાલ, એજન્ટના જવાબ
સવાલ : અમેરિકાના ગ્રાહકો તમે કેવી રીતે શોધો છો ?
જવાબ : અમારે વ્યક્તિઓને શોધવી પડતી નથી. સામેથી આવે છે.
સવાલ : કેવી રીતે કામગીરીની શરૂઆત કરો છો ?
જવાબ : પ્રથમ બેઠકમાં ભાવ તાલ નક્કી થાય છે. ત્યાર બાદ સામાજિક અને વ્યવસાયિક રીતે સધ્ધર હોય તેવી વ્યક્તિ રૂપિયાની જવાબદારી સ્વીકારે એટલે પાસપોર્ટ લઇ કામગીરી શરૂ કરાય છે. અમે જે વ્યક્તિઓને પાસપોર્ટ આપીએ છીએ એમનું કાયમી સરનામું હોતું નથી. સૌથી મોટી જવાબદારી અમેરિકા પહોંચી જનાર વ્યક્તિના પરિવાર પાસેથી ફી લેવાની હોય છે.
સવાલ : અમેરિકાનો હાલ શું ભાવ ચાલે છે ?
જવાબ : એક વ્યક્તિ હોય તો 70 થી 80 લાખ, કપલ હોય તો સવા કરોડ અને કપલ સાથે એક-બે બાળકો હોય તો દોઢ કરોડ.
સવાલ : અમેરિકા જવાની ફી કેવી રીતે લેવાય છે ?
જવાબ : પ્રથમ કોઇ ફી લેવાતી નથી. અમેરિકા પહોંચ્યા બાદ તે વ્યક્તિ ઘરે ફોન કરીને જાણ કરે છે. એટલે અમને ફી મળે છે. ક્યારેક વ્યક્તિ અમેરિકા પહોંચી 1-2 મહિનાનો સમય માગે છે. અમેરિકા પહોંચાડવા સુધીનો ખર્ચ અમારો હોય છે.
સવાલ : અમેરિકા કેવી રીતે મોકલાય છે ?
જવાબ : ઘૂસણખોરી માટેના 3 કીમિયા
(1) દુબઇના વિઝા મળે વ્યક્તિને દુબઇ મોકલાય છે. અહીં એવા તમામ લોકોને ભેગા કરાય છે જેઓ અમેરિકા જવા ઇચ્છે છે.
(2) વિઝા સાથે ફ્રાન્સ મોકલાય છે.
(3) કેનેડાના વિઝા લઇ કેનેડા બોર્ડરથી સીધા US મોકલાય છે.
(દુબઇ-ફ્રાન્સથી જનારી વ્યક્તિઓને મોટાભાગે મેક્સિકો બોર્ડર કે અમેરિકાના આસપાસના ટાપુઓથી ઘૂસણખોરી કરાવાય છે)
સવાલ : દિલ્હી છોડ્યા બાદ કેટલા સમયમાં અમેરિકા પહોંચી શકાય?
જવાબ : દુબઇ, કેનેડા અને ફ્રાન્સ પહોંચ્યા બાદ અહીં જુદાજુદા દેશોમાંથી ગેરકાયદે અમેરિકામાં જનારી વ્યક્તિઓને ભેગા કરાય છે. જો આગળની લાઇન ક્લીયર હોય તો 2 થી 3 મહિનામાં અમેરિકા મોકલી દેવાય છે.
સવાલ : ગુજરાતમાં એજન્ટોની સંખ્યા કેટલી હશે ?
જવાબ : આ કહેવું અઘરૂ છું. એટલુ કહી શકું કે જે રીતે તમને જમીનના દલાલ મળી રહે તે રીતે એજન્ટ પણ મળી રહેશે. એજન્ટોની સૌથી વધુ સંખ્યા ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં વધુ છે. એ જાણુ છું.
સવાલ : એક વ્યક્તિ US પહોંચે તો તમને કેટલા રૂપિયા મળે ?
જવાબ : જો વ્યક્તિ સીધા અમારા સંપર્કમાં આવી હોય તો એક વ્યક્તિએ એક થી દોઢ લાખ મળે.