સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાયો પણ એવા 7 મોટા અપસેટ પણ સર્જાયા હતા, જેની સૌરાષ્ટ્રએ કદાચ કલ્પના કરી નહોતી. જૂનાગઢના પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ભાજપે ટિકિટ આપી અને પ્રથમ વખત જ તેઓ કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યા હતા પણ મતદારોએ ભાજપની આખી પેનલમાંથી એ એકને જ નાપસંદ કર્યા અને બાકીના ત્રણને વિજયી બનાવી દીધા હતા. પાર્થની હાર પાછળ એ જાહેર રહસ્ય છે કે, મતોના ગણિત કરતા ભાજપના આંતરિક સમીકરણો વધુ કામ કરી ગયા છે. આ ઉપરાંત, ગીર સોમનાથના ચોરવાડમાં પણ આ વખતની ચૂંટણી એટલા માટે રસપ્રદ હતી કે, કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતે મેદાનમાં હતા. જોકે, નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ હારી ગયા છે. ચાલુ ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીમાં પાછા પડે એ ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાજુલામાં કોંગ્રેસને 27 અને ભાજપને માત્ર 1 બેઠક હોવાથી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. પણ આ વખતે તમામ 28 બેઠક ભાજપે જીતીને કોંગ્રેસના સુપડા સાફ થઈ કરી દીધા છે. ગત વખતે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી હોવા છતાં 5 વર્ષ આંતરિક ખેંચતાણમાં આઠ-આઠ વાર પ્રમુખ બદલવામાં આવ્યા હતા. વારંવાર બળવો થયો અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં ભળી જતા કોંગ્રેસને ફટકો પડ્યો હતો. પરિણામે આ વખતે પ્રજાએ ભાજપના ઉમેદવારોને જ બહુમતીથી ચૂંટી કાઢ્યા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કાંધલ જાડેજાના પરિવારે કુતિયાણાના બાહુબલી કોટડા પરિવારને માત આપી 24માંથી 14 સીટ કબજે કરી છે તો રાણાવાવ નગરપાલિકાનું શાસન પણ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. કુતિયાણામાં ઢેલીબેનની હાર પાછળ બગીચો બનાવવા માં થયેલો ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે સલાયામાં કોંગ્રેસની નબળી કામગીરી છતાં સત્તા જાળવી, ભાજપને ડિમોલીશન નડ્યું, સબળ ઉમેદવારે આપને ઉગાર્યું સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી 15 કોંગ્રેસને મળતા સત્તા જાળવી રાખી છે. જયારે આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી છે. ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હોય પરંતુ ભૂગર્ભ ગટર સહિતની નબળી કામગીરીના કારણે 9 સીટ ગુમાવી છે. જયારે તાજેતરમાં દેવભૂમિ દ્રારકા જિલ્લામાં થયેલા ડીમોલીશનના કારણે ગત ટર્મમાં ભાજપને મળેલી 4 સીટ ગુમાવી છે અને એકપણ સીટ આ વખતે મળી નથી. જયારે આમ આદમી પાર્ટીના સબળ ઉમેદવાર અને બે ટર્મ પહેલા પાલિકા પ્રમુખ રહી ચૂકેલા સાલુભાઇ ભગાડના કારણે આપે 13 સીટ મેળવી છે. અત્રે નોંધનીય છે કે, સાલુભાઇ હાલમાં એક કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. દ્વારકા : વિરોધ પક્ષના નામે કોઇ ન રહ્યું
દ્વારકાના 7 વોર્ડના 28 ઉમેદવારો પૈકી 9 ઉમેદવારો બિનહરીફ થયા બાદ 5 વોર્ડની 19 સીટો પૈકી કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા તમામ અપક્ષ ઉમેદવારોના સૂપડા સાફ થઈ જતાં ભાજપના તમામ 19 ઉમેદવારો વિજયી થયા છે. મહેમદાવાદ : લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ચમકયાં ખેડા જિલ્લામાં મહેમદાવાદ નગર પાલિકાના વોર્ડ નં. 4 યુવા ઉમેદવાર અભિષેક મણિલાલ શર્માની જીત બાદ તેના સર્મથકોએ લોરેન્સ બિશ્નોઈના ફોટા સાથે ઉજવણી કરતાં પોલીસ દોડતી થઈ હતી. દેવગઢ બારિયા: કાપડીમાં પથ્થરમારો : ત્રણ ઘાયલ દેવગઢ બારિયા નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી વેળા કાપડી વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટનાથી ભારે ઉત્તેજના ફેલાઇ હતી. આ પથ્થરમારામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. સલાયા: ભાજપને ડિમોલિશન નડ્યું, આપને ફળ્યું
સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી 15 કોંગ્રેસને મળતા સત્તા જાળવી રાખી છે. જયારે આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી છે. તાજેતરમાં દેવભૂમિ દ્રારકા જિલ્લામાં થયેલા ડીમોલીશનના કારણે ભાજપને 4 બેઠકનું નુકસાન થયું.
ભાણવડ: પક્ષપલટાથી કોંગ્રેસની હાર, આપનો સફાયો
ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડની 24 બેઠકમાંથી 8 બીનહરીફ થઇ હતી. આથી બાકી રહેલી 16 બેઠકમાંથી 13 ભાજપ અને 3 બેઠક કોંગ્રેસને મળી છે. કોંગ્રેસના 6 ઉમેદવાર પક્ષપલટો કરી ભાજપમાં ભળ્યા હતાં. અહીં આપનો સફાયો થયો છે.
ઉપલેટા : બેઠક AIMIMને ફાળે ગઈ
ઉપલેટામાં વોર્ડ નં. 9માં ભાજપ, કોંગ્રેસને હરાવી એઆઇએમઆઇએમ માંથી ઝૂકાવનારા ઇમરાનમિયાં પીરજાદાએ 1283 મત અંકે કરી જીત મેળવીને ચોંકાવી દીધા છે. નોંધનીય છે કે 20 વર્ષ પહેલાં આ જ વોર્ડમાંથી તેમના પિતા ઇકબાલમિયાં પીરજાદા ચૂંટાઇ આવ્યા હતા.
જેતપુર : રાદડિયા નહીં, ભાજપ ચાલ્યો
જેતપુરમાં છેલ્લી ઘડીએ પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાના નામનો મેન્ડેટ ભાજપે ન આપતાં બબાલ સર્જાઇ હતી અને અન્ય તમામ ઉમેદવારોએ રાજીનામા આપી દેવા સહિતની તૈયારી કરી લીધી હતી, જે વખતે રાદડિયા અને સખરેલિયાએ, પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું હતું પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું અને રાદડિયા કરતાં પક્ષ જીત્યો તેમ વધુ કહી શકાય.