અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચ વાગ્યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ ઝેલેન્સ્કીને ‘સરમુખત્યાર’ કહ્યા છે. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર રશિયા-યુક્રેન યુદ્ધને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, પ્રથમવાર ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિને મામૂલી કોમેડિયન કહ્યા હતા. ઝેલેન્સ્કી પર લગાવ્યા ગંભીર આરોપ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘જરા વિચારો, એક મામૂલી સફળ કોમેડિયન વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાને 350 અબજ ડોલર ખર્ચ કરાવી દીધા, એ પણ એક એવા યુદ્ધ માટે જે ક્યારેય થવું જોઈતું નહોતું અને જેને જીતી શકાય તેમ નહોતું. જો અમેરિકા અને ‘ટ્રમ્પ’ ન હોત તો ઝેલેન્સ્કી આનો કોઈ ઉકેલ ક્યારેય લાવી શક્યા ન હોત. ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ સૂતા રહ્યા અને તેમણે યુરોપ સાથે નાણાંના ખર્ચ અંગે બરાબરીની વાત ન કરી. અમેરિકાએ યુરોપ કરતાં 200 અબજ ડોલર વધુ ખર્ચ કર્યા છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઝેલેન્સ્કીએ પોતે સ્વીકાર્યું છે કે અમેરિકા પાસેથી મળેલી આર્થિક મદદનો અડધો હિસ્સો ગાયબ થઈ ગયો છે. તેમણે ઝેલેન્સ્કી પર ચૂંટણી ન યોજવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે યુક્રેનમાં તેઓ અત્યંત અપ્રિય થઈ ગયા છે. ટ્રમ્પે લખ્યું, ‘ઝેલેન્સ્કીએ ચૂંટણી યોજવાનો ઈનકાર કરી દીધો, યુક્રેનના પોલમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું, અને એકમાત્ર ચીજ કે જેમાં તેઓ સારા હતા, તે-બાઈડેનને વાજાંની જેમ વગાડવા. ઝેલેન્સ્કી એક સરમુખત્યાર છે, જેઓ ચૂંટણી યોજવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમણે જલદી પગલાં લેવા પડશે નહીંતર તેમની પાસે દેશ પણ નહીં બચે.’ યુક્રેન યુદ્ધ રોકવા રશિયા સાથે ચર્ચા ટ્રમ્પ જ કરી શકેઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આ દરમિયાન, અમે રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા સફળતાપૂર્વક વાતચીત કરી રહ્યા છીએ. આ કંઈક એવું છે જેને સૌ માને છે કે માત્ર ટ્રમ્પ અને ટ્રમ્પ પ્રશાસન જ કરી શકે છે. બાઈડેને ક્યારેય પ્રયાસ ન કર્યો, યુરોપ શાંતિ લાવવામાં નિષ્ફળ રહ્યું છે અને ઝેલેન્સ્કી કદાચ કંઈ કર્યા વિના પૈસા કમાવવાનું ચાલુ રાખવા માગે છે. મને યુક્રેન માટે પ્રેમ છે પણ ઝેલેન્સ્કીએ ખૂબ ખરાબ કામ કર્યુ છે. તેમનો દેશ વિખેરાઈ ગયો છે અને લાખો લોકો અકારણ માર્યા ગયા છે અને એ ચાલુ જ છે.’ ઝેલેન્સ્કીએ ટ્રમ્પના દાવાનું કર્યુ ખંડન કિવમાં પત્રકારો સાથે વાત કરતા ઝેલેન્સ્કીએ ટ્રમ્પના દાવાઓને નકારતા કહ્યું કે તેઓ ‘ખોટી માહિતી’ના પ્રભાવમાં છે. તેમણે કહ્યું, ‘દુર્ભાગ્ય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયન દુષ્પ્રચારના પ્રભાવમાં છે. અમેરિકી જનતાએ હંમેશા અમને સમર્થન આપ્યું છે અને અમે તેની પ્રશંસા કરીએ છીએ. પરંતુ યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેનની ભાગીદારી જરૂરી છે.” રશિયા અંગે ટ્રમ્પના નરમ વલણ પર પ્રશ્નાર્થ ટ્રમ્પ અગાઉ પણ રશિયા-યુક્રેનને લઈને વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ શક્ય એટલી જલદીથી ખતમ થવું જોઈએ, ભલે પછી એ માટે યુક્રેને પોતાની જમીન અંગે સમાધાન કરવું પડે. ટ્રમ્પના આ વલણથી કિવ અને તેના પશ્ચિમી સહયોગીઓ ચિંતિત છે. ટ્રમ્પના હાલના વલણથી અમેરિકા અને તેમના સહયોગી દેશોમાં ચિંતા વધી છે, કેમકે, તેમણે એવું પણ કહ્યું હતું કે યુક્રેન ગમે ત્યારે રશિયાનો હિસ્સો બની શકે છે.