વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે 5.80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ મહત્વની સુવિધાઓ વિના કરી દેતા આર્ટિસ્ટો અને ફાયર જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આર્ટ ગેલેરી માટે એન્ટ્રી ગેટ, લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી તો ફાયર સ્ટેશનમાં પણ પૂરતી ગાડીઓ રાખવા માટે યોગ્ય જગ્યા નથી, જેના કારણે તેની ઉપયોગિતા પર સવાલો ઉઠી રહ્યા છે. ઉતાવળમાં લોકાર્પણ, આર્ટિસ્ટો સામે મુશ્કેલી
આર્ટ ગેલેરી ત્રીજા માળે હોવા છતાં ત્યાં પહોંચવા માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત એન્ટ્રી ગેટ અને પાર્કિંગ પણ ન હોવાથી કલાકારો માટે આ ગેલેરી એક શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. આર્ટીસ્ટ પરિવારના ફાઉન્ડર પુલકિત દવેએ જણાવ્યું કે, આ ગેલેરી માટે 8 વર્ષથી કલાકારો લડત આપી રહ્યા હતા પણ જો તમામ સુવિધાઓ પછી લોકાર્પણ થયું હોત તો વધુ સારું થાત. સુવિધાઓના અભાવના કારણે ગેલેરી ફક્ત નામ પૂરતી રહેશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે ગેલેરીનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, કારણ કે પાર્કિંગ અને લિફ્ટ વિના આર્ટ એક્ઝિબિશન અને મહેમાનો માટે સુગમતા રહેતી નથી. લાઈટિંગ અને અન્ય સુવિધાઓ પણ અધૂરી છે, જેના કારણે કલાકારો માટે આ ગેલેરી અનુકૂળ નથી. બહારના આર્ટિસ્ટોને આમંત્રણ આપી શકાશે નહીં ત્યાં સુધી ગેલેરી ફક્ત નામ પૂરતી રહેશે. ફાયર સ્ટેશન પણ સમસ્યાઓથી ભરેલું છે
ફાયર જવાનો મુજબ આ ફાયર સ્ટેશનમાં માત્ર 4 ગાડીઓ ઉભી રહે એવી જગ્યા છે, જ્યારે નિયમ મુજબ ઓછામાં ઓછી 5 ગાડીઓ માટે વ્યવસ્થા હોવી જોઈએ. ઇમરજન્સી સ્થિતિમાં સાંકડી ગલીઓ અને ઓછી જગ્યા મોટા પડકારરૂપ બની શકે છે. ફાયર જવાનો માટે પાર્કિંગની પણ કોઈ સુવિધા નથી, જે આગામી સમયમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અધિકારીઓનો શું છે જવાબ?
મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી એ સૌમ્ય વલણ અપનાવતા જણાવ્યું કે, ટૂંક સમયમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવામાં આવશે. મેયર પિન્કીબેન સોની એ પણ સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી, પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. ત્યારે સવાલ એ છે કે, શું આ ગેલેરી અને ફાયર સ્ટેશન વાસ્તવમાં ઉપયોગી બની રહેશે? કે માત્ર એક રાજકીય ઇવેન્ટ પૂરતા કામમાં લેવાયું છે?