સુરત શહેરમાં આરટીઆઈ (માહિતી અધિકાર અધિનિયમ)ના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપીને ખંડણી વસૂલતા તત્ત્વો સામે આખરે પોલીસ સખત બની છે. તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ મો. સાકીરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંઝાડતો હતો. આ કાર્યવાહી બાદ પોલીસે ‘રી-કન્સ્ટ્રક્શન’ની રણનીતિ અપનાવી, મુગલીસરા વિસ્તારમાં ખંડણીખોર ને લઇ ગઈ હતી, તેને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માગતા મજબૂર કર્યો. લાલગેટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધી એલર્ટ ન્યુઝના શેખ મો. સાકીર શબ્બીર મીયાં શેખની ધરપકડ કરવામાં આવી હતી.સાકીર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો, જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ. ધરપકડ બાદ પોલીસે ‘રી-કન્સ્ટ્રક્શન’ માટે સાકીરને મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા, જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કયા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો. જ્યારે પોલીસ ટીમ સાકીર સાથે ઝોન ઓફિસ પહોંચી, ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે-ટેબલ ફેરવવામાં આવ્યો.પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે.અંતે, પોલીસના દબાણ હેઠળ સાકીરે હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી, જે પછી તેને જેલભેગો કરવામાં આવ્યો. શહેરમાં આરટીઆઈના દુરુપયોગ
છેલ્લા કેટલાંક સમયથી આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરીને ખંડણીખોરો કાયદેસર અને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ અરજી કરી, બિલ્ડરો અને પાલિકા અધિકારીઓને ધમકાવી રૂપિયા પડાવતા હતા.શહેરના બાંધકામ ઉદ્યોગકારો અને પાલિકા કર્મચારીઓ આ ખંડણીખોરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.વિધાનસભા સભ્ય અરવિંદ રાણાએ પણ આ મુદ્દે પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી હતી. આંતે, પોલીસ કમિશનરે SOGના ડીસીપી નકુમને આ મામલે ખાસ તપાસ સોંપી, જેના ભાગરૂપે તાજેતરમાં એક્શન લેવામાં આવ્યું. બીજી ધરપકડ: બિલ્ડરને ધમકાવનાર મુસ્તાક બેગ પકડાયો
લાલગેટ પોલીસ સ્ટેશનમાં બીજું એક કેસ નોંધાયું, જ્યાં નાનપુરાના બિલ્ડરને બ્લેકમેલ કરી ખંડણી માંગતા મુસ્તાક હુસેન બેગ સામે ફરિયાદ કરવામાં આવી.મુસ્તાક બેગે બિલ્ડર પાસેથી ₹50,000 ની ખંડણી માંગતા પોલીસ એક્શનમાં આવી અને તેને ઝડપી લેવામાં આવ્યો.પોલીસે સંકેત આપ્યો કે આવનારા દિવસોમાં વધુ આવા ખંડણીખોરોને પકડવા માટે ખાસ અભિયાન ચલાવાશે.