જેદાહથી અમદાવાદ આવેલી ફલાઇટના મુસાફર પાસેથી 44.75 લાખની કિંમતનું 500 ગ્રામ સોનાની બે ચેઇન કબજે કરવામાં આવી છે. આ સોનું કોના માટે અને કેમ લાવ્યા હતા તેની પાછળ તેને કેટલી રકમ ચૂકવવાના હતા વગેરે બાબતે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. જેદાહથી અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ આજે સવારે 9 વાગ્યે અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર આવી હતી. આ ફલાઈટમાં આવેલાં મુસાફરોની કસ્ટમ વિભાગ દ્વારા ચકાસણી ચાલી રહી હતી. ત્યારે ચકાસણી દરમિયાન ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થતાં ‘બીપ બીપ’ અવાજ આવતાં જ કસ્ટમ વિભાગના અધિકારીઓ સાવચેત થઈ ગયા હતા અને મુસાફર પાસેની હેન્ડ બેગની ચકાસણીમાં કશું હતું નહી. જેથી તેની ચકાસણી કરતાં પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલી હાલતમાં સોનાની બે ચેઇન મળી આવી હતી. તે કબજે લઈને વજન કરતા 500 ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું. તેની બજાર કિંમત 44.75 લાખ હતી. આ મુસાફર આ ચેઇન અંગે સંતોષકારક જવાબ નહીં આપી શકવાની સાથે બિલ પણ નહીં હોવાથી ચેઇન કબજે લેવામાં આવી હતી. સોનાના ભાવ વધતાં વિદેશથી સોનું લાવવાની દાણચોરી ઉત્તરોતર વધતી જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુસાફરો અમદાવાદથી દુબઇ જાય છે ત્યાંથી જેદાહ થઈને મુસાફર અમદાવાદ આવે છે. મુસાફરો એવું 50લાખથી ઓછી કિંમત હોય તો કાયદા મુજબ તેઓની ધરપકડ થતી નહીં હોવાનું જાણતા હોવાથી તેનાથી ઓછી કિંમતની વસ્તુ લાવે છે. પરંતુ કસ્ટમ વિભાગે અમદાવાદના મુસાફર પાસેથી સોનું કબજે લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.